પાટણ શહેરનો વિકાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના ઘણા વિસ્તારોમાં આવેલા ખુલ્લા વીજ વાયરોને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરવા નાયબ ઈજનેર દ્વારા પાલિકાને અમૂક વિસ્તારોમાં પસાર થતી પાણીની અને ગટર લાઈનથી માહિતગાર કરવા જણાવાયું છે. જેથી અંડરગ્રાઉન્ડ વીજકરણની પ્રક્રિયામાં ગટર, પાણીની લાઈનને નુકસાન ન થાય.
કેટલીકવાર ગંભીર અકસ્માત પણ થાય
પાટણમાં થાંભલા પર વીજવાયરોના જાળા પથરાયેલા હોઈ વારંવાર ચોમાસામાં તેમજ વરસાદી પવન ફુંકાતા વિજળી ગુલ થવાની સમસ્યા સર્જાય છે. કેટલીકવાર ગંભીર અકસ્માત પણ થાય છે. ત્યારે ઉત્તર ગુજરાત વીજકંપની દ્વારા ગાયત્રી મંદિર વિસ્તારની સોસાયટીઓથી સુભાષચોક સુધી પહેલા તબક્કામાં અંડરગ્રાઉન્ડ કેબલનું વીજકરણ કરવાનું નક્કી કરાયું છે. પાલિકા દ્વારા ઉપરોકત માહિતી યુજીવીસીએલને આપ્યા બાદ યુજીવીસીએલ દ્વારા આ કામગીરી હાથ ધરાશે. શહેરના હાર્દસમા વિસ્તાર ગણાતા ગાયત્રી મંદિર વિસ્તારના રસ્તાઓ પરથી પસાર થઈ નરનારાયણ સોસાયટી અને ત્યાંથી સુભાષચોક અને સુભાષચોકથી બગવાડા દરવાજા સુધીના વિસ્તારોમાં વિજજોડાણ લાઈટ અંડરગ્રાઉન્ડ વીજકરણ માટે એચડીડી મશીનથી બોરીંગ કરી કામગીરી હાથ ધરાશે.
પાણી, ગટરની લાઈનની વિરુદ્ધમાં કામ કરવા જણાવાયું
પાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ, જે વિસ્તારોમાંથી ગટર અને પાણીની લાઈનો પસાર થતી હોય તેવને વિસ્તારને છોડી બીજી જગ્યા પર અંડરગ્રાઉન્ડ વીજકરણ કરવા કહેવાયું છે. જેથી પાણીની પાઈપો તેમજ ગટરની લાઈનોને નુકશાન ન થાય અને પ્રજાને તકલીફ ન પડે. આ બાબતે યુજીવીસીએલના અધિકારીઓ જોડે સીધા સંપર્કમાં રહેવા જાણ કરાઈ છે.