વલસાડના કપરાડા તાલુકાના મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામો યુનિયન ટેરેટરી દિવ દમણ અને દાદર નગર હવેલીમાં ભેળવાશે તો ગુજરાત રાજ્યનો નક્શો બદલાઈ જશે એ નક્કી છે. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચાર ગામો ભેળવવા ચાલતી હિલચાલમાં ત્રણ રાજ્યોની વચ્ચે આવેલી દમણગંગા નદી પરના મધુબન ડેમને ગુજરાતમાં જ રાખવા માંગણી ઉઠતા આ પ્રક્રિયા ડખે ચઢી છે.
મહારાષ્ટ્ર- ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશને ત્રીભેટે દમણગંગા નદી ઉપર બંધાયેલા મધુબન ડેમના પાણી મુદ્દે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે પણ આ ડેમમાંથી પાણી આપવા માંગણી કરી છે. તેવામાં દક્ષિણ ગુજરાત અને તેમાંય વલસાડના આદિવાસી ક્ષેત્ર, પર્યાવરણ માટે જીવાદોરી સમાન આ ડેમની એક પણ ઈંચ જમીન કેન્દ્ર શાસિત પ્રદેશને તબદીલ ન થાય તેવી માગંણી કપરાડાના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં નર્મદા, જળ સંપત્તિ મંત્રી જીતુભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કર્યાનું જાણવા મળ્યુ છે.
ભૌગોલિક ઉપરાંત સામાજીક, આર્થિક, શૈક્ષણિક, આરોગ્ય સહિતની સેવાઓના પરિપ્રેક્ષ્યમાં ચારેય ગામો સંઘ પ્રદેશના મુખ્ય મથક સેલવાસ સાથે જોડાયેલા છે. સેલવાસનો ભૌગોલિક રીતે અને રાજકીય રીતે ગુજરાતમાં સમાવેશ થયેલો છે. આથી, ત્યાંના નાગરીકોમાંથી ગુજરાતને બદલે કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે જોડાણની માંગણીઓ ઉઠતી રહી છે. અગાઉ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલમાં ગુજરાત સરકાર અને સંઘ પ્રદેશ વચ્ચે આ મુદ્દે પરામર્શ પણ થયો હતો. બાદમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયે મહેસૂલી- પંચાયતી ગામો સંઘ પ્રદેશમાં ભેળવવાની ગતિ આગળ વધાર્યાનું કહેવાય છે. જો કે, રાજ્યના માનચિત્રને અસરકર્તા અત્યંત સંવેદનશીલ મુદ્દે સત્તાવારપણે કોઈ જ ફોડ પાડી રહ્યુ નથી.
ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ હોવાના નાતે દિવ દમણ અને દાદર નગર હવેલીમાં દારૂની મુક્તિ છે. આથી આ ચારેય ગામો સંઘ પ્રદેશમાં ભેળવાય તો પહેલાથી સિલવાસાની હદમાં વિકસિત હોટેલ્સ- રિસોર્ટ તેમજ મધુબન ડેમના કૂદરતી સૌંદર્યને કારણે ત્યાં ટુરિઝમને ઉત્તેજન મળતા સ્થાનિક સ્તરે રોજગારીનો વ્યાપ વધશે તેવી દલીલ રજૂ કરવામાં આવી રહી છે. આથી, આ ચારેય ગામોને નજીકના ભવિષ્યમાં સંઘ પ્રદેશમાં ભેળવી દેવાય તો નવાઈ નહી.