મુન્દ્રા અદાણી પોર્ટ ખાતે ડીઆરઆઇએ પકડી પાડેલા અધધ 21 હજાર કરોડના ડ્રગ્સમાં અનેક દાવાઓ થઇ રહ્યા છે. એક બાજુ રાહુલ ગાંધીથી લઇને કોંગ્રેસે આ મુદ્દે ભાજપને ઘેરવાની કોશિશ કરી છે. તો ભાજપના જ રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ રાજકારણી એવા સુબ્રમણ્યમ સ્વામીએ તો ખૂબ જ ચોંકાવનારો દાવો કરતા અનેક અટકળો શરૂ થઇ છે. તેઓએ સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે ભારતના એક મિત્ર દેશ દ્વારા આ ડ્રગ્સકાંડની ટીપ આપવામાં આવી હતી જેના વડા તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા હતા.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ડ્રગ્સ વિવાદ ચર્ચામાં
આ પ્રકારનો દાવો કરાતા અમેરિકાની ખુફિયા એજન્સી સીઆઇએએ આ ડ્રગ્સની ટીપ ભારતીય એજન્સીઓને આપી હોય તેવી અટકળો લગાવાઇ રહી છે. કારણ કે થોડા સમય પહેલા સીઆઇએના અધિકારીઓએ ભારતની મુલાકાત લીધી હતી. આ અંગે મળતી વિગતો મુજબ મુન્દ્રા બંદરેથી પકડાયેલી ડ્રગની હેરાફેરી હાલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે. પાડોશી દેશ પાકિસ્તાનના મીડિયા સહિત અન્ય આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં પણ આ ડ્રગ્સના સમાચારો ચમકી રહ્યાં છે.
કોંગ્રેસે સરકાર વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા
એક બાજુ ભારતીય એજન્સીઓ ડ્રગ્સ કાંડના મુુળ સુધી પહોંચવા વ્યાયામ કરી રહી છે. બીજીબાજુ કોંગ્રેસ સહિતના વિપક્ષે આ અંગે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો આગળ ધરીને ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તો બહુ બોલકા અને હાલ ભાજપમાં જ રહીને અવાર-નવાર પક્ષથી વિપરિત બયાન કરતા વરીષ્ઠ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયામાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેઓએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે અદાણી પોર્ટમાં માદક દ્રવ્યોની શોધ અને જપ્તી વડાપ્રધાન મોદીની મંજૂરી સાથે સરકારી એજન્સીઓની ચેતવણીને કારણે શક્ય બની હતી.
આ એક મૈત્રીપૂર્ણ રાષ્ટ્રની સૂચનાને કારણે પણ હતું, જેના ગુપ્તચર વડા ભારત આવ્યા હતા. સુબ્રમણ્યમ સ્વામીની છાપ એક ખુબ જ બુધ્ધીજીવી રાજનેતામાં થાય છે. કોઇ અધાર-પુરાવા વગર તેઓ કોઇ દાવો કરતા નથી. તેવામાં મુન્દ્રા ડ્રગ્સ કાંડ અંગે તેઓએ આપેલુ આ બયાન અમેરિકા તરફ ઇશારો કરે છે. સુરક્ષાના નિષ્ણાંતો આ મિત્ર એટલે અમેરિકા એવુ જણાવી રહ્યાં છે. અને એજન્સી એટલે સીઆઇએ (સેન્ટ્રલ ઇન્ટેલિજેન્સ એજન્સી). નોંધનીય છે કે આ સીઆઇએના અધિકારીઓ તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા હતા. તેથી જ સુબ્રમણ્યમ સ્વામીના આ દાવા અંગે ડ્રગ્સની ટીપ સીઆઇએએ ભારતને આપી હોવાની અટકળો લગાવામાં આવી રહી છે. જોકે ખૂદ સુબ્રમણ્યમ સ્વામીએ દેશ કે એજન્સીનું નામ લીધું નથી.
ભારતે અમેરિકા સાથે ગુપ્ત માહિતીની આપલે કરવાના સંબંધો વિકસિત કર્યા
છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને અમેરિકાના સંબંધોમાં ઘનિષ્ઠતા વધી છે. ભારતે અમેરિકા પાસેથી રક્ષા ઉપકરણોની ખરીદી વધારી છે. તો બીજીબાજુ બન્ને દેશોએ સૈન્ય સહયોગ પણ વધાર્યો છે. એક-બીજાની ખુફીયા એજન્સીઓ આંતકવાદ અને કેફી દ્રવ્યોની માહિતીની આપલે કરતી થઇ છે. જેનો બન્ને દેશોને ફાયદો થાય છે.