રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન, હોલ સહિતની જાહેર જગ્યાના 100 મીટરના દાયરામાં ઊભી રહેતી નૉનવેજની લારીઓને ઊભી નહીં રહેવા દેવાનો નિર્ણય સોમવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે. એટલું જ નહી પણ હેલ્થનું લાઈસન્સ નહી ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઇંડાના વેચાણ સામે પગલાં લેવામાં આવશે.
બીજી તરફ અગાઉ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ થયેલા ઠરાવ અનુસાર આ પ્રકારની લારીઓ જાહેર રસ્તાઓ પર ઉભી રહીને ધંધો ન કરે તેવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે.ત્યારે આજેની બેઠકમાં એસ્ટેટ વિભાગને સ્પષ્ટ સુચના આપવામાં આવી છેકે, જાહેર સ્થળો પર ઉભા રહીને આ પ્રકારના ખાદ્ય ખોરાકનું વેચાણ કરતા અટકાવવામાં આવવા જોઇએ. જે લોકો પાસે તેની યોગ્ય લાયસન્સ ન હોય તે તમામ દુકાનો સામે આવતીકાલથી તવાઇ આવશે.
ગુજરાતમાં 40% લોકો નૉનવેજ, 38.2% મહિલાઓ માંસ, ઇંડાં ખાય છે
કેમ પ્રતિબંધ? મ્યુનિ.નો જવાબ: લોકોની સુરુચિનો ભંગ થાય છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નૉનવેજની લારીઓ પર પ્રતિબંધનું કારણ આપતાં જણાવ્યું હતું કે શહેરમાં જાહેર રસ્તાઓ પર ચાલતી માંસ, મટન, મચ્છી અને ઇંડાની લારીઓને કારણે લોકોની સુરુચિનો ભંગ થઇ રહ્યો છે. ત્યાંથી નીકળતાં નાગરીકોને તેની સુગને કારણે મુશ્કેલી પડી રહી છે.
નિયમ: લાઇસન્સ હોય તોપણ માંસ, મટન જાહેરમાં દેખાવાં જોઈએ નહીં
અમદાવાદમાં જો માંસ-મટન, મચ્છી કે ઇંડા વેચતી દુકાનો પાસે લાઈસન્સ હોય તો પણ તેઓ જાહેરમાં દેખાય તે રીતે આવી વસ્તુઓ રાખી શકશે નહી. જો આવી દુકાનોમાં જાહેરમાં દેખાય તેવી માંસ- મટન, મચ્છી, ઇંડા રાખશે તો તેમને પહેલી વખત સુચના આપવામાં આવશે કે તેઓ આવી તમામ વસ્તુઓ જાહેરમાં દેખાય નહી તે રીતે રાખે, જો સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો દુકાનને સીલ કરી દેવામાં આવશે. દુકાનમાં જે વેચાણ થાય તે બંધ બોડીનું હોવાનું જોઇએ.
એકલા અમદાવાદમાં રોજના 18 લાખ ઇંડાનું વેચાણ
અમદાવાદ શહેરમાં રોજના 18 લાખ જેટલા ઇંડા વેચાય છે. એટલું જ નહી પણ ઠંડી વધવાની સાથે જ શહેરમાં ઇંડાંના વેચાણ પણ વધતું હોય છે. એટલું જ નહી, પણ રોજનું અંદાજે 200 ટન મરઘાનું મટન એટલે કે 1.70 લાખથી 2 લાખ જેટલા મરઘા વેચાય છે.
જેને જે ખાવું હોય એ ખાય, લારીનો ખોરાક હાનિકારક ન હોવો જોઈએ: મુખ્યમંત્રી
વિવિધ શહેરોમાં નૉનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે સોમવારે આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ‘કોઇ વેજ ખાય કે નોનવેજ ખાય તેની સામે અમારો કોઇ પ્રશ્ન જ નથી. જેને જે ખાવું હોય તે ખાય પણ લારીઓમાં વેચાતા ખાદ્યપદાર્થ આરોગ્ય માટે હાનિકારક ના હોય એટલા પૂરતી જ વાત છે. ઉપરાંત ટ્રાફિકને અડચણ રૂપ લારી હટાવવા જેવી બાબત હોય તે પાલિકા , મહાપાલિકા હટાવી જ શકે તે તેમાં વેજ - નોનવેજની કોઇ વાત નથી.’ મુખ્યમંત્રી આણંદ જિલ્લાના બાંધણી ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ માટે આવ્યા હતા.