નવસારીમાં ભારે વાદવિવાદ અને હાઇવોલ્ટેજ ડ્રામા બાદ જમાલપોરમાં બનેલ રાધાકૃષ્ણનું મંદિરનું અનધિકૃત ઠરાવેલ બાંધકામ નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નૂડા)એ દૂર કર્યું હતું.નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલ સર્વોદય નગરમાં સોસાયટીમાં જગ્યાનો વિવાદ કેટલાક સમયથી ચાલી રહ્યો છે. વધુમાં આ જગ્યાએ મંદિર પણ બન્યું હોય મામલો સંવેદનશીલ પણ બન્યો છે. આ જગ્યાનો મામલો નૂડામાં જતા નૂડાએ ઉક્ત જગ્યાએ કરેલ બાંધકામને અનધિકૃત ઠેરવી (મંદિર) સ્વખર્ચે 10 દિવસમાં દૂર કરવાનો હુકમ સોસાયટીને ગત મહિને કર્યો હતો. જોકે 10 દિવસ બાદ પણ બાંધકામ યથાવત છે.
વધુમાં જગ્યાનો મુદ્દો નવસારીની કોર્ટમાં ગયાની પણ જાણકારી બહાર આવી છે. આ દરમિયાન સોમવારે નૂડા તંત્ર આજે 5 વાગ્યાના અરસામાં મોટા પોલીસ કાફલા સાથે સ્થળ ઉપર પહોંચી ગયું હતું. મંદિર તૂટી રહ્યાની વાતની ખબર પડતાં સોસાયટીના લોકો સ્થળ ઉપર ભેગા થઈ ગયા હતા અને મંદિર પરિસરમાં જઈ વિરોધ કર્યો હતો.
લગભગ ત્રણ કલાક સુધી તંત્રની સમજાવટ અને લોકોનો સૂત્રોચ્ચાર જારી રહ્યો હતો. અંતે પોલીસના સહયોગથી લાઠીચાર્જ અને બળપ્રયોગ કરી લોકોને સ્થળ ઉપરથી દૂર કરાયા હતા અને મંદિરનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, તંત્રે બળપ્રયોગ કરતા બે થી ત્રણ જણાને ઇજા પણ થઇ હતી. એક યુવાનને વધુ ઇજા થઇ હોવાની પણ જાણકારી મળી હતી.
બાંધકામ ખૂબ જ નાનુ હતુ પણ તંત્રની તૈયારી મેગા ડિમોલિશન જેવી હતી
આમ તો મંદિર ખૂબ જ નાનું હતું પણ તેના ડિમોલિશન માટે મોટી તૈયારી હતી. 3થી 4 ડેપ્યુટી કલેકટર, ડીએસપી, ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો, પાલિકા તંત્ર, અનેક જેસીબી સહિતના સાધનો પણ ઉતારાયા હતા.
બાંધકામ દૂર કરવા 2 માસમાં ત્રીજો પ્રયાસ
મંદિરનું બાંધકામ દૂર કરવાનો આ ત્રીજો પ્રયત્ન હોવાનું જાણવા મળ્યું છે. બે મહિના અગાઉ પ્રથમ પ્રયત્ન થયો હતો, જ્યારે પાલિકાપ્રમુખ પણ ગયા હતા. (જોકે પ્રમુખે આ વાત ખોટી કહી છે).બીજી વખત ત્રણ દિવસ અગાઉ પોલીસ કાફલો ગયો પણ કઈ પણ થયું નહીં અને પરત ગયો હતો. સોમવારે ત્રીજો પ્રયત્ન હતો.
ભાજપના ગઢમાં જ ભાજપની હાય હાય..
નવસારીના જમાલપોરના આ વિસ્તારમાં અનાવિલો તથા અન્ય કોમ રહે છે. ભાજપનો ગઢ મનાય છે. અન્ય પક્ષનું લગભગ નામોનિશાન નથી. જોકે આ વિવાદે લોકો એટલી હદે ભાજપ વિરુદ્ધ ગયા કે લોકોએ અહીં ભાજપ હાય હાય, ભાજપ તેરી તાનશાહી નહીં ચલેગી, પાલિકા પ્રમુખ જીગીશ શાહ હાય હાયના નારા લાગ્યાં હતા.