ગ્રીષ્માની હત્યાથી રાજ્યમાં ચકચાર મચી છે. હત્યાના દિવસે ફેનિલે કોલેજ પાસેથી ગ્રીષ્માનો પીછો કર્યો હતો. કોઈપણ રીતે ગ્રીષ્માની હત્યા કરવા માટે 6 જાન્યુ.એ તેણે સરથાણાથઈ ચપ્પુ ખરીદ્યું હતું.
ગ્રીષ્મા શનિવારે કોલેજથી ઘરે જવા નીકળી ત્યારે કોલેજ પાસેથી જ ફેનિલ તેને હેરાન કરતો હતો. ફેનિલ પીછો કરતો હોવાથી ગ્રીષ્મા રસ્તામાં એક સ્થળે રોકાઈને પપ્પાના મિત્રની પત્ની કે જેને ગ્રીષ્મા ફોઈ તરીકે બોલાવતી હતી તેમને ફોન કરતા ફોઈ ગ્રીષ્માને લેવા અમરોલી ગઈ હતી. તે ગ્રીષ્માને લઈને ઘરે પહોંચી ત્યારે ફેનિલ પણ આવ્યો હતો.
ગ્રીષ્માના પરિવારે ફેનિલના ઘરે અગાઉ ફરિયાદ કરતા ફેનિલ ગ્રીષ્માના ઘરે જઈને ધમકી આપી હતી. ત્યાર બાદ તે ગ્રીષ્માને વધુ હેરાન કરવા લાગ્યો હતો. જોકે તેણે ચપ્પુ 6 જાન્યુ.એ સરથાણામાં એક મોટી દુકાનમાંથી ખરીદ્યું હતું.આજે મંગળવારે સવારે 9:30 કલાકે ગ્રીષ્માની સ્મશાનયાત્રા નીકળશે.જેથી અશ્વનીકુમાર સ્મશાનભૂમિ સુધીના રસ્તા પર 200 પોલીસ કર્મીનો બંદોબસ્ત રહેશે.
ગ્રીષ્માના મોટા પપ્પાને આંતરડા સુધી ઈજા થઈ હતી
સ્મીમેર હોસ્પિટલના આરએમઓ ડો.અરવિંદ સિંગે જણાવ્યું હતું કે,મૃતક ગ્રીષ્માના મોટા પપ્પા સુભાષભાઈ વેકરીયાને આરોપીએ પેટમાં ચપ્પુ માર્યું હોવાથી
ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લવાયા હતા. ચપ્પુના કારણે તેમના આંતરડામાં પણ ઈજાઓ થઈ છે. તાત્કાલિક રાત્રે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આઈસીયુમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની હાલત સ્થિર છે.
ગ્રીષ્માની માતાને હજુ પણ જાણ કરાઈ નથી, પિતા આજે વિદેશથી આવશે
ગ્રીષ્માની માતાને સોમવારે પણ ગ્રીષ્માની હત્યાની જાણ નથી કરાઈ. તેમને એવું જ કહેવામાં આવ્યું છે કે ગ્રીષ્મા સારવાર હેઠળ છે. મંગળવારે ગ્રીષ્માની અંતિમ વિધિ છે. મંગળવારે સવારે તેના પિતા નામિબિયાથી આવી પહોંચશે. ત્યાર બાદ સવારે 7 વાગ્યે ગ્રીષ્માનો મૃતદેહ ઘરે લવાશે ત્યારે જ માતાને જાણ કરાશે.
પાસોદ્રામાં આગેવાનોએ ઘટનાને વખોડી, ન્યાયની માગણી કરી
એસપીજી ગૃપના આગેવાન નિલેશ અસોદરિયાએ જણાવ્યું કે, ગ્રીષ્માની હત્યા ખુબ જ ગંભીર બાબત છે. પાસોદરામાં ગુનાખોરી ખુબ જ વધી છે. ગુનાખોરીને ડામવા શું કરી શકાય તથા યોગ્ય સ્તરે રજુઆત કરવા રવિવારે રાત્રે પાસોદરામાં એક મીટિંગનું આયોજન કર્યું હતું. જેમાં સોસાયટીના પ્રમુખો જોડાયા હતા.
હવેથી તમામ PI ફરજિયાત સવારે- સાંજે લોકોની રજૂઆત સાંભળશે
ગ્રીષ્માની હત્યા થઈ ત્યારે એવી વાતો થવા લાગી કે ગ્રીષ્માના પરિવારે પોલીસને જાણ કરી હોત તો પોલીસ ફેનિલ વિરુદ્ધ કાર્યવાહી કરતે અને ગ્રીષ્માનો જીવ બચી જતે. લોકો કોઈ પણ ડર વગર પોલીસ સ્ટેશને જાય અને પોતાની રજુઆતો ગભરાયા વિના કરી શકે તે માટે હવે તમામ PI સવારે 11થી 12 સુધી અને સાંજે 5 થી 6 સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહી લોકોની રજુઆતો સાંભળી કાર્યવાહી કરશે. પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે, જો PI રજા પર હોય કે ફરજના ભાગે બહાર હોય તો સિનિયર PSI લોકોની રજુઆતો સાંભળશે.