સુરત શહેરના રિંગરોડ વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટની ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત કરતા બેનર લાગતા ભારે હોબાળો થયો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી તમામ બેનર ઉતારી સળગાવી દીધા હતા. સાથે સાથે રેસ્ટોરન્ટવાળાને ચેતવણી આપવામાં આવી હતી.
દેશ વિરોધી દેશોના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાયઃ બજરંગ દળ
દેવી પ્રસાદ દુબે (બજરંગ દળ સભ્ય) એ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ દ્વારા અમને ખબર પડી હતી. અમે સ્થળ પર જઈ તપાસ કરતા ઇસ્લામિક આતંકવાદી દેશ પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર લાગ્યા હોવાની માહિતી મળી હતી. બેનર ઉતારી સળગાવી દેવાયા હતા. દેશ વિરોધી દેશોના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય, ચેતવણી આપી છે હવે આવું કૃત્ય કરશો તો જવાબ આપીશું.
કોંગી નેતાનો કટાક્ષ
કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ભાજપના કહેવાતા ધનદાની વ્યક્તિના માલિકીની સુરત શહેરમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ ટેસ્ટ ઓફ ઈન્ડિયા હવેથી 10 દિવસ માટે પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલ ઉજવશે. પાકિસ્તાની વાહ વાહી કરતું આ બેનર શહેરના રિંગ રોડ પર રેસ્ટોરન્ટની ઉપર લગાવેલ છે. જે કદાચ પોતાને ઉચ્ચ દેશભક્ત ગણતાં ભાજપીઓ અને એમની ભગિની સંસ્થાઓ આ બેનરનાં લખાણથી સંપૂર્ણ સહમત હશે એ નક્કી. પણ આ પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલથી હું અને મારા જેવા અસંખ્ય વ્યક્તિઓ સહમત નહીં હોય એ પણ નક્કી. બાકી પાકિસ્તાનની વાહ વાહી કરતા આવા બેનર ભાજપીઓનાં વિરોધી વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યું હોત તો, હાલ એ વ્યક્તિ "દેશદ્રોહી" છે એ પ્રસ્થાપિત કરવામાં આ ભાજપીઓ અને ભગિની સંસ્થાઓ પીછેહઠ નહીં જ કરતે એ નક્કી.