તાલાલાના ધાવા ગામે અંધશ્રાધ્ધાની આડમાં બાળકીની નરબલીના નામે હત્યા કરનાર બાળકીના પિતા અને તેના મોટાભાઈને હત્યા કર્યાની કબુલાત આપતા પોલીસે બંનેની ધરપકડ કરી છે. આ ઘટનામાં વધુ આરોપીઓ સામેલ હોવાની શકયતા છે તેમ જિલ્લા પોલીસવડાએ જણાવ્યુ હતુ. તપાસ માટે સુરત ગયેલી પોલીસની ટીમે બે શખસને ઉઠાવી લઈ પુછપરછ હાથ ધરી છે. બંને આરોપીઓને રિમાન્ડ માટે આજે કોર્ટમાં રજૂ કરાશે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ધાવા ગીર ગામના ભાવેશ ગોપાલ અકબરીએ તાંત્રિક વિધિના બહાને પોતાની દીકરીને મારી નાખ્યાની ગામમાં થતી વાતો અંગે પોલીસને જાણ થતાં તાલાલા પોલીસ અને એલ.સી.બી., એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન આરોપી ભાવેશ અકબરી નવરાત્રિમાં અનુષ્ઠાન કરવા સુરતથી ધાવા ગીર ગામે આવ્યો હતો અને ગામની ચકલીધાર વિસ્તારમાં આવેલ તેની વાડીએ રહેતો હતો. ત્યાં વાડીના મકાનમાં માતાજીની સ્થાપના કરી હતી. તા.01/10ના આઠમા નોરતે તેની પુત્રી ધૈયા (ઉ.વ.14)ને વાડીએ લાવી, તેના જુના કપડા સળગાવી તને ભૂતનો વળગાડ છે, તેમ કહી માર મારવા સાથે ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી ધૈયાને શરીરે ફેડલા પડી ગયા હતા. ત્યારબાદ ધૈયાને ખુરશીમાં બાંધી શેરડીના વાડમાં લઈ જઈ લાકડાં તથા વાયરથી માર મારી તા.2થી તા.7 સુધી ભૂખી તરસી ખુરશીમાં બેસાડી રાખી ત્રાસ આપ્યો હતો. દરમ્યાન ધૈયા મૃત્યુ પામી હતી. ત્યારબાદ ધૈયાના મોતની જાણ થાય નહીં તેથી લાશને પ્લાસ્ટિકમાં વીંટી ગોદડા તથા બ્લેન્કેટ નાખી લાશને પોતાની કારની ડેકીમાં મુકી, ધૈયાને ચેપીરોગ થયેલ છે તેવી વાત કરી તા.8મીએ વહેલી સવારે ધાવા ગીર ગામના સ્મશાને લઈ જઈ અંતિમવિધિ કરી પુરાવાનો નાશ કરી નાખ્યો હતો. આ કથિત કૃત્યની બંને આરોપીઓએ કબુલાત આપતા મૃતક બાળકીના નાના વાલજીભાઈ ડોબરીયાની ફરિયાદથી તપાસ હાથ ધરાઈ છે.
બાળાને સુરતથી બોલાવી ગામડાંમાં એડમિશન લીધું
ધૈયા સુરત અભ્યાસ કરતી હતી ત્યાંથી ધાવા ગીર ગામે લાવી વિરપુર ગીર ગામે સંકુલમાં એડમિશન લઈ અભ્યાસ કરવા મોકલી હતી. સાતમા નોરતે બાળાએ સંકુલમાં માતાજીની આરતી કરી હતી ત્યારબાદ બાળા શાળાએ આવી નહીં. બાળાનો ભોગ ધરવા જ સુરતથી લાવવામાં આવી હોવાની પણ લોકચર્ચાઓ ચાલી રહી છે.
સુરતથી બાળાની માતાને બોલાવી
બાળાની અંતિમ સંસ્કાર દરમિયાન સુરતથી આવેલ બાળાની માતાને પુછતા ધૈયાને ચેપીરોગ હતો, તેમાં તેનું મરણ થયું છે તેવું કહ્યું હતું.
આરોપી વળગાડનું રટણ કરે છે
બાળાની હત્યા કરનાર આરોપીઓ બાળાને વળગાડ હોવાની વાતનું રટણ કરે છે પરંતુ જમીનમાંથી ધન પ્રાપ્ત કરવા બાળાનો ભોગ લેવાઈ ગયાની ગામમાં ચર્ચા થઈ રહી છે.
પોલીસે સાત પુરાવા એકત્ર કર્યા
પોલીસે સ્થળેથી સળગાવેલા કપડાં, વાળ, લાકડી, વાયર તથા કારના સેમ્પલ સહિત FSL તથા ટેકનિકલ સાત પુરાવાઓ એકત્ર કર્યા છે.