સુરત મહાનગરપાલિકામાં કાયમી નોકરીના બોગસ કોલ લેટર આપી સુરત શહેર અને જિલ્લાના 4 યુવાનો પાસે લાખો રૂપિયા પડાવી લેનાર મહાઠગબાજ મહિલા સામે લાલગેટ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પણ બોગસ કોલ લેટરના આધારે પાલિકામાં હાજર થવા ગયેલા યુવાનોને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અનુભવ થયો હતો. જેથી યુવાનોએ ન્યાય માટે પોલીસ સ્ટેશન અને કમિશનર ઓફિસના ધક્કા ખાધા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
પિતાએ મારા માટે પણ નોકરીની વાત કરી હતી
વિદ્યાર્થીએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, હું MCAના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છે. આ વાત 2017-18ની છે. ગામના એક યુવાનને પરિચિત વ્યક્તિ રુબીનાબેન સરકારી નોકરી અપાવી રહ્યા હોવાની જાણ બાદ પિતાએ મારા માટે પણ નોકરીની વાત કરી હતી. ત્યાર બાદ 4 યુવાનો રુબીનાબેનને સુરતમાં મળ્યા હતા.
એક દિવ્યાંગ પાસેથી 4.20 લાખ પડાવ્યા
વધુમાં જણાવ્યું હતું કે, એક દિવ્યાંગ પાસે 4.20 લાખ અને મારી પાસે 5.50 લાખની વાત કરીને 4 વખત ટુકડે-ટુકડે કરીને સંપૂર્ણ રકમ રુબીનાબેને લઇ લીધી હતી. ત્યાર બાદ પાલિકામાં હાલ હંગામી નોકરીની વેકેન્સી પડી છે, એમ કહી લાલચાવ્યા હતા. પછી દિવસો ના દિવસો કાઢી નાખ્યા હતાં. વારંવાર ફોન કરતા હોવાથી રુબીનાબેને સુરત બોલાવી ફોનમાં કોઇ અજાણી વ્યક્તિ સાથે વાત કરાવી તમારી નોકરી કન્ફર્મ થઈ ગઈ છે, તેમ કહી દીધું હતું.
રુબીનાબેન માત્ર સમય જ આપતા હતા
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, કોલ લેટરની રાહ જોતા અમે તમામ યુવાનોને રુબીનાબેન માત્ર સમય જ આપતા હતા. ત્યાર બાદ એક દિવસ ઇન્ટરવ્યૂ હોવાનું કહી સુરત શખેશ્વર કોમ્પ્લેક્ષમાં બોલાવ્યા હતા. જ્યાં રુબીનાબેન સાથે અન્ય ત્રણ ઈસમ SMCના ડ્રેસમાં હતા. ઇન્ટરવ્યૂ લીધા બાદ કાચા પડો છો, તેમ કહીને પ્રેક્ટિસ કરવી પડશે એમ કહી ઘરે મોકલી આપ્યા હતા અને મોબાઇલ પર ઇન્ટરવ્યૂનો વીડિયો બનાવી મોકલવા સૂચન કર્યું હતું. આવી રીતે બીજા 15-20 દિવસ કાઢી નાખ્યા હતા.
રૂપિયા પરત આપી દઈશ કહી ફોન કાપી નાખ્યો
વધુમાં જણાવ્યું હતું કે, મે-2018માં કોલ લેટર આવી ગયા છે, લઇ જાઓ કહી રુબીનાબેને ઘરે બોલાવ્યા હતા. જુનમાં હાજર થઈ જજો કહી મોકલી આપ્યા હતા. ચારેય યુવાન ખૂબ જ ખુશ હતા. 1 જૂન-2018ના રોજ પાલિકામાં કોલ લેટર લઈ નોકરી પર હાજર થવા જતા છેતરાયા હોવાનું જાણવા મળ્યું હતું. તાત્કાલિક રુબીનાબેનને ફોન કર્યો તો ઉપાડ્યો નહીં, ઘરે આવ્યા બાદ તમામ હકીકત પરિવારને કહેતે ફરી રુબીનાબેનને ફોન કર્યો તો એમણે ફોન ઉપાડીને આખી વાત સાંભળીને કહ્યું હાલ વેકેન્સી ન હોવાથી ભરતી કર્યા નથી. રૂપિયા પરત આપી દઈશ કહી ફોન કાપી નાખ્યો હતો.
અમે લાલગેટ પોલીસ સ્ટેશનથી લઇ કમિશનર કચેરી સુધી ધક્કા ખાધા
વધુમાં જણાવ્યું હતું કે, બસ ત્યારબાદ રૂપિયા માટે ફોન કરીએ તો મીઠી મીઠી વાત કરી આપી દઈશ, મારા પર વિશ્વાસ રાખો કહી દેતા હતા. 22-7-2021ના રોજ રૂપિયા માટે ફોન કર્યો તો રુબીનાએ કહ્યું જે થાય તે કરી લો, એટલે અમે લાલગેટ પોલીસ સ્ટેશનથી લઇ કમિશનર કચેરી સુધી વારંવાર ધક્કા ખાધા બાદ પોલીસ કમિશનર સાહેબને મળતા આજે ફરિયાદ દાખલ થઈ છે.
ACP ચાવડા સાહેબને ફોન કરી મદદ કરવાનું જણાવ્યું
વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર સાહેબે ACP ચાવડા સાહેબને ફોન કરી મદદ કરવાનું જણાવ્યું હતું. ચાવડા સાહેબે અમને સાંભળ્યાને તાત્કાલિક લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફોન કરી ફરિયાદ દાખલ થઈ શકે છે, છતાં ફરિયાદીને દોડાવો છો કહી ખખડાવતા 1 સપ્ટેમ્બરના રોજ લાલગેટ પોલીસે આખો દિવસ બેસાડી રાખ્યા હતા અને રાત્રે 11 વાગે ફરિયાદ દાખલ કરી હતી. આ મહિલાએ અનેક લોકોને ફસાવીને તમામ પાસે લાખો રૂપિયા પડાવી ચૂકી હોવાની પણ ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે.