વિતેલા દાયકામાં ગુજરાતમાં ગૌચર, ગૌધનમાં ઘટાડો થયો છે પરંતુ, રોઝડા ઉર્ફે નીલગાયની સંખ્યા બમણી થઈ ગઈ છે. જેના કારણે ગીચ માનવ વસ્તી ધરાવતા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં નીલ ગાય માટે સીમાડા ટૂંકા પડયા છે. આથી, અમદાવાદ અને તેની આસપાસના જિલ્લાઓમાં વધતા શહેરીકરણ, ઔદ્યોગિકરણને કારણે નીલગાયના ટોળા હાઈવે, માનવ વસાહતોમાં આંતરીક રસ્તા પર ઉતરી રહ્યા છે. જેની સીધી અસર નાગરીક અને માલવાહક પરીવહન વ્યવસ્થાને થઈ છે. માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યુ છે.
આંકડાશાસ્ત્ર નિયામક કચેરીના અહેવાલ અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૨માં ગાય- વાછરડા અને બળદ સહિત કુલ ૯૯,૮૪,૦૦૦ ગોધન હતુ. ૭ વર્ષના અંતે તેમાં ૩.૫૧ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૯- ૨૦માં ગોધનની સંખ્યા ૯૬.૩૪ લાખે પહોંચી છે. જો કે, તેની સામે પૂર્વકાળમાં માનવ વસાહતોમાં ભાગ્યે જ જોવા મળતા નીલગાયની સંખ્યા જેટ વિમાનની ગતિએ વધી રહી છે.
વન વિભાગના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૦૫માં ૯૫ હજાર આસપાસ રહેલા નીલગાયની સંખ્યા વર્ષ ૨૦૧૦માં વધીને ૧,૧૯,૫૪૬ થઈ હતી. જે વર્ષ ૨૦-૨૧માં ગુજરાતમાં ૨,૫૧,૩૮૪ નીલગાય હોવાનો અંદાજ છે. આમ, ખુલ્લા મેદાની વિસ્તારોમાં ફરતા અને ઘોડાથી પણ વધુ ગતિએ દોડતા આ વન્યજીવની સંખ્યા ૧૦ જ વર્ષમાં બમણી થઈ છે. સિંચાઈની નહેરોનું નેટવર્ક, સુજલામ- સુફલામ જળસંચય યોજના હેઠળ નદીઓ, કૂદરતી વહેણાની સફાઈ તેમજ હાઈવે- રસ્તાનુ વિસ્તૃતિકરણને કારણે છેલ્લા બે- ત્રણ દાયકાથી જંગલ અને ઝાડીઓ ધરાવતા ક્ષેત્રોમાંથી નીલગાયના ટોળા ખુલ્લા ખેતરો તરફ સતત ધસી રહ્યા છે.
વર્ષ ૨૦૦૫ પછી નીલગાય દ્વારા ઉભા પાકને તબાહ કરવાના કિસ્સા વધતા સરકારે ખેતરમાં કાંટાળી તારની વાડની યોજના અમલમાં મુકી છે. આથી, તૃણભક્ષી વન્યજીવો ખોરાકની શોધમાં શહેરો તરફ વળ્યા હોવાનું વન વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે.
ગાંધીનગર શહેર, નર્મદા કેનાલના વિકાસ- વિસ્તાર બાદ ઉત્તર ગુજરાતમાંથી નીલગાયના ટોળા સાબરમતી નદીના રસ્તે અમદાવાદ તરફ ધસી રહ્યા છે. વર્ષ ૨૦-૨૧ની ગણતરી મુજબ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ૭ જિલ્લામાં નીલગાયની ૯૧,૭૩૦ વસ્તી છે. સુરેન્દ્રનગરમાં ૧૧,૦૫૫ અને મધ્ય ગુજરાતના આણંદ, મહિસાગરમાં ૧૪,૬૪૯ નીલગાયનો અંદાજ છે. આમ, ગુજરાતમાં કુલ ૨.૫૧ લાખમાંથી અમદાવાદને ફરતે જ ૫૦ ટકા એટલે કે ૧.૨૭ લાખથી વધુ નીલગાય છે.
કોરોનાનો ‘રાત્રિ કરફ્યૂ’ નીલગાયને છેક બોપલ, ઘુમા સુધી તાણી લાવ્યા
અમદાવાદ શહેરને ફરતે રીંગ રોડની બહાર બોપલ, ઘુમા, શેલા, મનીપુર, ગોધાવી, નિધરાડ જેવા નવા વિકસી રહેલા વિસ્તારોમાં રોજ રાતે નજીકના ખુલ્લા મેદાની વિસ્તારોમાંથી નીલગાયોના ઝુંડ રસ્તા પર ચઢી આવે છે. ત્યાંથી આવાગમન કરતા વાહન ચાલકોમાં ભારે પરેશાન છે. અમદાવાદમાં રાત્રિ કરફ્યુ હોવાથી નજીકના સાંણદ, કડી, દેત્રોજ તરફના ખાખરીયા ટપ્પામાંથી નીલગાયના ઝુંડ માટે રસ્તાને ઓળંગવા સરળ થઈ પડે છે. આથી, નીલગાયનું અતિક્રમણ વધ્યુ છે.
વસતી ઘટાડવા સિંહનાં શિકાર અને વરુ છોડવાના વિચાર પડતા મુકાયા
ઘોડા કરતા વધુ ઝડપે ભાગતા આ વન્યજીવ સામે વરૃ (વુલ્ફ) છોડવા ત્રણ વર્ષ અગાઉ વન વિભાગે તૈયારી દર્શાવી હતી. જો કે, નીલગાયને નિયંત્રિત કરવાની સામે વરૃ વધી જશે તેવી દહેશતે આ વિચાર જ પડતો મુકી દેવાયો છે. બાદમાં સાસણ-ગીર અભયારણ્યમાં સિંહના શિકાર માટે છેક ગાંધીનગરમાંથી નીલગાયના ટોળા પકડીને મોકલાયા હતા. પરંતુ, ખુલ્લા મેદાનોમાં ર���ેવા ટેવાયેલી નીલગાય જંગલની બહાર ખેતરોમાં પહોંચતા આ પ્રયોગ પણ બંધ કરી દેવાયો છે.