3 વર્ષ પહેલા સરથાણાના તક્ષશિલા દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હતાં. પરંતુ આ ઘટનામાં જતીન નાકરાણીએ પોતાના જીવના જોખમે 14 બાળકોના જીવ બચાવી ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં ઈજાના કારણે જતીન નાકરાણી કોમામાં સરી પડ્યા હતાં. ત્યારથી લઈ 3 વર્ષથી તે પથારીવશ છે. જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.
બેન્કના હપ્તા ન ભરાતા બેન્ક ઘર સિલ કરવા સુધી આવી ઘઈ હતી. તેમના પરિવારને મદદ કરવા સૌ-પ્રથમ ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનને જાણ થતાં એક વર્ષ ચાલે તેટલા અનાજ કરિયાણાની કિટ તેમના પરિવારને પહોંચાડી હતી. અને ત્યાર બાદ ડાયમંડ કરિયર ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, મારુતિ વીર જવાન યુવા ટીમ, યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બિઇંગ ફાઉન્ડેશન અને શહેરની અનેક સામાજીક સંસ્થા તથા આગેવાનોએ જતીનના પરિવારને મદદ કરી રહ્યા છે.
જતીન કામ કરવા લાયક ન થાય ત્યાં સુધી મદદ કરવાની પણ તૈયારી
ઉદાર જાહેરાત
જતીન નાકરાણીના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ છે. હાલ જતીન નાકરાણી પથારીવશ હોવાથી માનવ મંદિર પરિવારના એક સભ્ય દ્વારા જાહેરાત કરાઇ હતી કે, જ્યાં સુધી જતીન નાકરાણી કામ કરવાની સ્થિતિમાં નહીં આવે ત્યાં સુધી દર મહિને 1111 રૂપિયા તેમના પરિવારને મદદ કરશે.’
જતીન નાકરાણીની વિદ્યાર્થિનીએ અમેરિકાથી કરી મદદ
તક્ષશિલામાં જતીન નાકરાણીના કલાસમાં પાયલ જીયાણી આવતી હતી. પાયલ 3 મહિના પૂર્વે યુએસ સ્થાયી થઇ છે. પાયલે તેના પહેલા પગારમાંથી 15 હજાર રૂપિયા જતીન નાકરાણીના પરિવારને અમેરિકાથી ટ્રાન્સફર કર્યા છે.