સામાન્ય માણસ જો ભૂલથીયે સરકારી જમીન ઉપર દબાણ કરે તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી થાય છે, જ્યારે સરકારના લાડલા લક્ષ્મી મિત્તલ જૂથની કંપની-આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ (ઈ) લિમિટેડને હજીરામાં ટૂંક સમયમાં ફાળવાઈ રહેલી 65.73 હેક્ટર જંગલની જમીન પૈકી 50 ટકા જમીન 2010થી માંડીને અત્યાર સુધી દબાણ થયેલી છે, આશરે રૂ. 460 કરોડની બજાર કિંમત ધરાવતી આ 65.73 હેક્ટર જંગલની જમીન કેવળ રૂ. 60 કરોડમાં તાસક ઉપર પધરાવાઈ રહી છે. કેન્દ્ર સરકારે જંગલની જમીન ફાળવવા માટે લીલી ઝંડી આપ્યા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા સદર જમીનનું પઝેશન આપવાનું જ બાકી રહ્યું છે.
સુરત-હજીરાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસ્સાર સ્ટીલ લિમિટેડની જૂની માગણીને આધારે જે 65.73 હેક્ટર યાને 6,57,300 ચોરસ મીટર જંગલની જમીન હવે આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ (ઈ) લિમિટેડને ફાળવાઈ રહી છે, તેમાં આશરે 25 હેક્ટરની જંગલ જમીન ઉપર એસ્સારે અને એ પછી આશરે 10 હેક્ટરની જંગલ જમીન ઉપર છેલ્લા દોઢેક વર્ષમાં આર્સેલર મિત્તલે દબાણ કર્યું હતું. આ કંપનીના 300 મેગાવોટના કેપ્ટિવ પાવર પ્લાન્ટ તથા અન્ય પ્રોજેક્ટને નામે આ જંગલ જમીન તેને ફાળવાઈ રહી છે.
આ સૂત્રોના કહેવા મુજબ, કેન્દ્ર સરકારના વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયના બે અલગ અલગ ઓર્ડર થકી અનુક્રમે 38.71 હેક્ટર અને 27.02 હેક્ટર મળીને કુલ 65.71 હેક્ટર જંગલની જમીન ફાળવાઈ રહી છે. વળત વનીકરણના નિયમ મુજબ 38.71 હેક્ટર જંગલ જમીન સામે તેની ત્રણ ગણી એટલે 121.40 હેક્ટર બિનજંગલ-ખરાબાની જમીન કચ્છના ભૂજ તાલુકાના અન્ધાઉ ગામે મેળવાઈ છે અને એવી જ રીતે 27.02 હેક્ટર જંગલ જમીન સામે તેની ત્રણ ગણી યાને 82 હેક્ટર બિન જંગલ ખરાબાની જમીન ઉપરોક્ત અન્ધાઉ ગામે મેળવાઈ છે. વળતર વનીકરણ યોજના મુજબ ત્રણ ગણી જમીન ઉપરાંત વળતર વનીકરણ માટે કુલ રૂ. 5.93 કરોડ તથા જંગલની જમીનના વૃક્ષોની કિંમત સહિત નેટ પ્રેઝન્ટ વેલ્યૂ પેટે કુલ રૂ. 4.11 કરોડ, દબાણનો દંડ તથા ચડત વ્યાજ પેટે રૂ. 45.21 કરોડ, ગુજરાત સરકારની એનપીવીની શરત મુજબ પ્રતિ હેક્ટર રૂ. 10 હજાર લેખે કુલ રૂ. 2.70 કરોડનો ચાર્જ તેમજ વૃક્ષછેદન પેટે રૂ. 2.50 કરોડ મળીને કુલ રૂ. 60.45 કરોડ વસૂલવામાં આવ્યા છે. છેલ્લા ચારેક મહિનામાં આર્સેલર મિત્તલ કંપની દ્વારા આ પેમેન્ટ પણ રાજ્ય સરકારને જમા કરાવી દીધું છે.
સૂત્રો કહે છે કે, હજીરા અને તેની આસપાસ જંત્રી મુજબ ચોરસ મીટર દીઠ રૂ. 3 હજાર અને હેક્ટરદીઠ રૂ. 3 કરોડનો ભાવ છે, જ્યારે માર્કેટ વેલ્યૂ લગભગ હેક્ટરદીઠ રૂ. 7 કરોડ ગણાય છે.
લક્ષ્મી મિત્તલ જૂથ હજી બીજી 158 હે. જમીન માગે છે !
લક્ષ્મી મિત્તલ જૂથે ઉપરોક્ત 65.73 હેક્ટર જંગલ જમીન ઉપરાંત બીજી 15 લાખ 80 હજાર ચોરસ મીટર યાને 158 હેક્ટર જમીન માટે પાંચ-છ મહિના પહેલાં રાજ્ય સરકારને દરખાસ્ત કરેલી છે. આ જમીન તેના હજીરામાં આવેલા સ્ટીલ પ્લાન્ટ નજીક જ સુંવાળી ગામે આવેલી છે, જે પૈકી મોટાભાગની જમીન જંગલની છે. આ જમીન ઉપર અદાણી સહિત અનેક ઔદ્યોગિક ગૃહોની ડોળો છે અને તેઓ પણ આ જમીન એક યા બીજા પ્રોજેક્ટને નામે માગી રહ્યા છે. લક્ષ્મી મિત્તલ જૂથ અને અન્ય મોટા ઉદ્યોગગૃહોની માગણી એક જ જમીન માટે ‘ઓવર લેપિંગ’ થતી હોઈ કેન્દ્ર અને રાજ્ય સરકારે આ બાબતમાં હજી કોઈ નિર્ણય કર્યો નથી, એમ જણાવાઈ રહ્યું છે.