બ્રહ્માંડમાં જલદી જ એક ખગોળીય ઘટના સર્જાવાની છે. એક વેગવંતો એસ્ટેરોઇડ પૃથ્વીની પાસેથી પસાર થવાનો છે. સૂર્યની પ્રદક્ષિણા કરતો આ 1.8 કિમી પહોળો ક્ષુદ્રગ્રહ 27 મેના રોજ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે. તેની ઝડપ ત્યારે 47,196 કિલોમીટર પ્રતિકલાક રહેશે. જોકે, તે પૃથ્વીને કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડયા વિના જ પસાર થઇ જશે. નાસાએ પણ આ ક્ષુદ્રગ્રહ પર નજર રાખી છે. પાલોમર ઓબ્ઝર્વેટરીમાં 1989માં શોધાયેલા આ એસ્ટેરોઇડને 1989 જેએ નામ અપાયંુ હતું. આ ક્ષુદ્રગ્રહ જ્યારે પૃથ્વીની નજીક હશે ત્યારે તેને દૂરબીનની મદદથી જોઇ શકાશે. નાસાએ આ એસ્ટેરોઇડને ખતરનાક કેટેગરીમાં રાખ્યો છે.
નાસાના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝે જણાવ્યું હતું કે આ એસ્ટેરોઇડ 27 મેના રોજ ધરતીની ખૂબ જ નજીકથી પસાર થશે. તેનો આકાર બુર્જ ખલીફાથી બમણો છે તો તે દિલ્હીના કુતુબમિનાર કરતાં 24 ગણો મોટો છે. આ ક્ષુદ્રગ્રહ ધરતીથી લગભગ 40 લાખ કિલોમીટર દૂરથી પસાર થઇ રહ્યો છે. આવતીકાલ બાદ તે 2055માં ફરીવાર ધરતીની નજીકથી પસાર થશે. આ એસ્ટેરોઇડની ઝડપ ખૂબ વધારે છે. તેની ગતિ 76 હજાર કિમી પ્રતિ કલાકની છે.
1996માં પૃથ્વીની પાસેથી પસાર થયો હતો
પૃથ્વી પાસેથી ઝડપથી પસાર થતો આ એસ્ટેરોઇડ 40,24,182 કિમી નજીક સુધી આવી જશે. જેને વિજ્ઞાનીઓની ભાષામાં ખતરનાક રીતે નજીક મનાય છે. છેલ્લે આ એસ્ટેરોઇડ 1996માં પૃથ્વીની નજીકથી પસાર થયો હતો. ત્યારે તેનું અંતર પૃથ્વીથી 40 લાખ કિલોમીટર હતું.
ખડકના ટુકડા છે ક્ષુદ્રગ્રહ
એસ્ટેરોઇડ લગભગ 4.6 અબજ વર્ષ પહેલાં સૌર મંડળની રચના દરમિયાન બચી ગયેલા ખડકોના ટુકડા છે. નાસાની જોઇન્ટ પ્રોપલ્શન લેબોરેટરીના અનુસાર એક એસ્ટેરોઇડને ત્યારે નજીકની વસ્તુ તરીકે મનાય છે, જ્યારે તેનું અંતર પૃથ્વી અને સૂર્યની વચ્ચે 1.3 ગણું ઓછું હોય. જેપીએલ એસ્ટેરોઇડની એક્ટિવિટીને ટ્રેક કરવાનું કામ કરે છે.
માર્ચમાં સર્જાઈ આકાશી ઘટના
આ પહેલાં 4 માર્ચે એક એસ્ટેરોઇડ ધરતીથી 49,11,298 કિમી દૂરથી પસાર થયો હતો. સૂર્ય તરફ વધતો આ ક્ષુદ્રગ્રહ 400 દિવસ કરતાં ઓછા સમયમાં પોતાની કક્ષા પૂરી કરનાર છે. ગયા મહિને અમેરિકાના મિસિસિપીમાં આકાશની ઉપર એક ઉલ્કા ફાટી હતી. લોકોએ ત્યારે આગનો ગોળો જોયાનો દાવો કર્યો હતો.
ધરતી માટે ખતરા સમાન છે એસ્ટેરોઇડ
બ્રહ્માંડમાં લાખો-કરોડોની સંખ્યામાં આવા ક્ષુદ્રગ્રહ ઉપલબ્ધ છે. આ એસ્ટેરોઇડ સ્વતંત્ર રીતે વિચરી રહ્યા છે. આ એસ્ટેરોઇડની ધરતી સાથે ટક્કર થવાની આશંકા હંમેશાં રહે છે તેથી તે ખતરનાક મનાય છે. આ પહેલાં પણ પૃથ્વી સાથે ક્ષુદ્રગ્રહની ટક્કરના ઘણાં નિશાન હાજર છે. જેના કારણે વિજ્ઞાનીઓ હંમેશાં તેની પર નજર રાખે છે.