વડાપ્રધાને વચન પાળતા પંજાબના 32 ખેડૂત સંગઠનોએ ખુશી વ્યક્ત કરી, 1 ડિસેમ્બરે આંદોલન અંગે નિર્ણય લેવાશે
વિપક્ષોના શોરબકોર અને હોબાળા વચ્ચે ચર્ચા વિના બિલ પસાર કરવામાં આવ્યું
બિલ પસાર થયા બાદ સંસદનાં બંને ગૃહને મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવ્યાંા નવી દિલ્હી ા
સંસદનાં શિયાળુ સત્રનાં પહેલા દિવસે સોમવારે બંને ગૃહમાં ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચતું બિલ પાસ કરવામાં આવ્યું હતું. લોકસભામાં કેન્દ્રનાં કૃષિ પ્રધાન તોમર દ્વારા ફાર્મ લૉ રિપિલ બિલ 2021ને મંજૂરી માટે ટેબલ પર મૂકવામાં આવ્યું હતું. આ જ વખતે વિરોધ પક્ષનાં સાંસદો દ્વારા હોબાળો તેમજ શોરબકોર મચાવવાનું શરૂ થયું હતું. આ પછી કોઈ જાતની ચર્ચા વિના બિલને વૉઈસ વૉટથી પસાર કરવામાં આવ્યું હતું. લોકસભાની મંજૂરી પછી તેને રાજ્યસભામાં પણ હંગામા વચ્ચે પાસ કરવામાં આવ્યું હતું. બિલને હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. તેમની સહી થયા પછી નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને તે કાયદો બનશે. વિપક્ષો દ્વારા સંસદનાં બંને ગૃહની કામગીરી ખોરવવામાં આવતા તેને મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા. બીજી તરફ સરકારે બાકીના બિલ રજૂ કરવાનું આયોજન કરી લીધું છે. આ ઉપરાંત વિપક્ષો દ્વારા પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની યોજના બનાવાઈ છે.
હોબાળો કરનારા રાજ્યસભાના
12 સાંસદો સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ
નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે રાજ્યસભા દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. સોમવારે કામગીરી શરૂ થતાંની સાથે જ રાજ્યસભા દ્વારા શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને ટીએમસી સાંસદ ડોલા સેન સહિત 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ સમગ્ર શિયાળુ સત્રમાં ભાગ લઈ શકશે નહીં. તેમની સામે મોનસૂન સત્ર દરમિયાન હિંસા કરવાના આરોપસર પગલાં લેવામાં આવ્યાં છે. 11 ઓગસ્ટના રોજ રાજ્યસભામાં થયેલા નિયમોના ભંગ અને હોબાળાના પગલે આ નિર્ણય લેવાયો છે. જે સાંસદોને સસ્પેન્ડ કરાયા તેમાં એલમાનર કરીમ, ફૂલો દેવીનેતામ, છાયા વર્મા, આર બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશપ્રસાદ સિંહ, બિનોય વિશ્વમ, શાંતા છેત્રી, અનિલ દેસાઈનો પણ સમાવેશ થાય છે.
સંસદમાં સરકાર ચર્ચા માટે સજ્જ, વિપક્ષો ગરિમા જાળવે : પીએમ મોદી
સંસદમાં અને સંસદની બહાર દેશમાં તમામ લોકોેએ નવા જોખમો સામે સતર્ક રહેવાની વડા પ્રધાનની અપીલ
નવી દિલ્હી પીએમ મોદીએ સંસદનાં શિયાળુ સત્રના પહેલા દિવસે સંસદ પરિસરમાં મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, સંસદમાં તમામ મુદ્દે ચર્ચા માટે સરકાર તૈયાર છે. વિપક્ષોએ હંગામો મચાવવાને બદલે સરકારને મદદની ભાવના રાખવી જોઈએ. વિપક્ષો તેમજ તમામ સાંસદોએ સંસદની ગરિમા જાળવવાની છે. સંસદમાં કેટલા કલાક કામગીરી ખોરવાઈ તે નહીં પણ કેટલા કલાક સકારાત્મક રીતે કામ ચાલે છે તે મહત્ત્વનું છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં સવાલો પણ પુછાય અને શાંતિ પણ જળવાય.
અમૃત મહોત્સવમાં લોકભાગીદારી શુભ સંકેત
મોદીએ આ પ્રસંગે કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સજાગ રહેવા લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સરકારે 120 કરોડથી વધુ વેક્સિન ડોઝ આપ્યા છે અને 150 કરોડ ડોઝ આપવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. સંસદમાં અને સંસદની બહાર દેશમાં તમામ લોકોેએ નવા જોખમો સામે સતર્ક રહેવાનું છે. મોદીએ કહ્યું કે આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણીમાં લોકોની ભાગીદારી અને ઉત્સાહ એ શુભ સંકેત છે.