યુક્રેનના બુચા શહેરમાં કથિત હત્યાકાંડ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોહી વહેવડાવીને અને નિર્દોષ લોકોની હત્યા કરીને કોઈ સમસ્યા ઉકેલી શકાતી નથી. રશિયા અને યુક્રેને વાતચીત દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ અને જો ભારત તેમાં મધ્યસ્થી કરે તો અમને ખુશી થશે.
યુક્રેનની સ્થિતિ પર લોકસભામાં ચર્ચા દરમિયાન વિદેશ મંત્રીએ આ વાત કહી. તેમણે કહ્યું કે ભારત કોઈપણ સંઘર્ષની વિરુદ્ધ છે. લોહી વહેવડાવીને અને નિર્દોષોને મારવાથી સમસ્યા ઉકેલી શકાતી નથી. આજના સમયમાં કોઈપણ વિવાદને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલી શકાય છે.
બુચા શહેરમાં નાગરિકોની હત્યાની નિંદા કરતા તેમણે સ્વતંત્ર તપાસની વાત કરી છે. તેમણે કહ્યું કે અમે એ જ નિર્ણય લઈ રહ્યા છીએ જે આપણા હિતમાં છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં દરેક દેશ એવી નીતિઓ અપનાવે છે જે તેમના લોકોને સુરક્ષા આપે.
જયશંકરે કહ્યું કે જો ભારત કોઈનો પક્ષ લેશે તો તે શાંતિનો હશે. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેને વાત કરવી જોઈએ. આ જ સંદેશ ભારતની મુલાકાતે આવેલા રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને પણ આપવામાં આવ્યો હતો. જો ભારત આમાં મદદ કરી શકે તો અમને ખુશી થશે.
રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના સ્ટેન્ડ પર જયશંકરે શું કહ્યું?
લોકસભામાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે યુક્રેનના સંઘર્ષથી માત્ર વિશ્વ જ નહીં પરંતુ ભારતની અર્થવ્યવસ્થાને પણ અસર થઈ છે. અન્ય દેશોની જેમ અમે પણ તે કર્યું જે આપણા હિતમાં હતું. તેમણે કહ્યું કે આજના સમયમાં દરેક દેશ એકબીજા પર નિર્ભર છે. તેથી ભલે કોઈ દેશ તેની સ્થિતિ તેના શબ્દોથી જણાવતો હોય પરંતુ તેઓ એવી નીતિઓ પણ અપનાવે છે જેમાં તેમના પોતાના લોકોનું ભલું થાય. આવી સ્થિતિમાં ભારતે શું કરવું જોઈએ? જ્યારે ઉર્જા (તેલ અને ગેસ)ની કિંમતો વધી રહી હતી ત્યારે અમે એ સુનિશ્ચિત કરવા માગતા હતા કે ભારતના સામાન્ય લોકો પર કોઈ બિનજરૂરી બોજ ના પડે.
બૂચામાં શું થયું?
યુક્રેનની રાજધાની કિવને અડીને આવેલા બુચા શહેરમાં સેંકડો મૃતદેહો મળી આવ્યા છે. આ લાશો રસ્તા પર પડી છે. યુક્રેનનો દાવો છે કે રશિયન સૈનિકોએ આ લોકોની હત્યા કરી હતી. બૂચાના ડેપ્યુટી મેયર તારાસ શાપ્રાવસ્કીએ દાવો કર્યો હતો કે અહીં 300 થી વધુ મૃતદેહો મળી આવ્યા હતા, જેમાંથી લગભગ 50 મૃતદેહ પર બર્બરતા આચરેલી જોવા મળી હતી. જો કે રશિયાએ તેને યુક્રેનનો પ્રચાર ગણાવ્યો છે. આ તસવીરો સામે આવ્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેને ‘નરસંહાર’ ગણાવ્યો છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ યુદ્ધ ગુનાહિત કેસ ચલાવવાની વાત કરી છે.