લોકોએ કાયદાને અભરાઈએ ચડાવી દીધા છે
દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં પ્રદૂષણ ખતરનાક હદે પહોંચી ગયું છે. સ્થિતિ એ છે કે, હવે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે અને લોકોને તેમના ઘરમાં જ રહેવા સલાહ આપવામાં આવી રહી છે. આમ તો દિલ્હી, નોઇડા,ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ ખાતે પ્રદૂષણની સ્થિતિ વીતેલા અનેક વર્ષોથી ખરાબ છે, અને દર વર્ષે ઓક્ટોબરથી આ સમસ્યા શરૂ થઈ જાય છે. તેનું સૌૈથી મોટું કારણ પાડોશી રાજ્યોમાં બાળવામાં આવતી પરાળીને કારણે ફેલાતો ધુમાડો છે. પરંતુ આ વખતે દિલ્હી સહિતના અન્ય શેહેરોમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ તેનું મુખ્ય કારણ ફટાકડાનો ધુમાડો રહ્યો છે.
ફટાકડાના ધુમાડાએ આગમાં ઘી હોમ્યું છે. કહેવા માટે તો એનજીટીથી માંડીને દિલ્હી સરકારે પણ ફટાકડા ફોડવા સામે પ્રતિબંધ લાદ્યો હતો. પરંતુ આ કવાયત સંપૂર્ણપણે નિષ્ફળ રહી. કાયદાને અભરાઈએ ચઢાવીને લોકોએ જોરદાર ફટાકડા ફોડયા. પરિણામ એ આવ્યું કે, ફટાકડા ફોડવામાં આવતાં આકાશમાં ધુમાડાના થર સર્જાઈ ગયા. સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે દિવાળીની રાતે તો દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં શ્વાસને રૂંધતું પ્રદૂષણ ફેલાઈ ગયું હતું. વાયુ ગુણવત્તા સૂચકાંક ખતરનાક સપાટીએ પહોંચી ગયો. નોઇડા ખાતે તો સૂચકાંક 999 આંક સુધી પહોંચી ગયો. માત્ર દિલ્હી જ નહીં પણ દેશના અનેક શહેરો વાયુ પ્રદૂષણનો માર વેઠી રહ્યા છે.
દિલ્હી પ્રદૂષણ પર સુપ્રીમકોર્ટ લાલઘુમ, કહ્યુ બે દિવસ લોકડાઉન લગાવી દો…
વૈશ્વિક પર્યાવરણ સંસ્થાન આ શહેરોના વાયુ ગુણવત્તા સૂચકાંકની જાહેરાત કરે છે ત્યારે આ અંગે વધુ જાણકારી મળે છે. વીતેલા અનેક વર્ષોથી વિશ્વના ટોચના પ્રદૂષિત શહેરોમાં ભારતના અનેક શહેરોનો સમાવેશ થાય છે. સ્પષ્ટ છે કે, વાયુ પ્રદૂષણના દિન પ્રતિદિન વધી રહેલા સંકટનો સામનો કરવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. જાણીબૂજીને પ્રદૂષણ વધારનારા કામો કરવામાં ખચકાટ પણ અનુભવતા નથી.
દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્પષ્ટ કહી દીધું કે, દિવાળીની રાતમાં રાજધાનીની હવામાં પીએમ-2.5 અને 10 જેવા ઝેરી રજકણોનું પ્રમાણ વધ્યું તેનું કારણ ફટાકડાનો ધુમાડો જ હતો. હવા નહોતી ચાલી રહી તેથી દિલ્હીના હવામાં ફટાકડાનો ધુમાડો ફેલાતો જ રહ્યો. આટલા બધા ફટાકડા ના ફૂટયા હોત તો સ્થિતિ આટલી ખરાબ ના હોત. તે હકીકતથી કોઈ અજાણ નથી કે સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે લોકો બીમાર પડે છે. ઘણીબધી ગંભીર બીમારીઓ ઝેરી હવાને કારણે થતી હોય છે. બાળકોથી માંડીને નાના મોટા સૌ શ્વાસ સંબંધી બીમારીઓનો શિકાર બનતા હોય છે.
પ્રદૂષિત હવાને કારણે કેન્સરના કેસ વધી રહ્યા હોવાની વાત વીતેલા કેટલાય વર્ષોથી આપણે સાંભળી રહ્યા છીએ. આૃર્ય એ વાતે છે કે, આ બધું જ જાણતા હોવા છતાં આપણે હવાને પ્રદૂષિત થતી અટકાવવા માટેની પહેલ કરવાથી દૂર રહીએ છીએ. માત્ર ફટાકડાને મુદ્દે જ નહીં પરંતુ પરાળી પ્રદૂષણથી બચાવ માટે સરકારી પ્રયાસોથી કામ નહીં ચાલે, જનભાગીદારી પણ જરૂરી છે.