આમ આદમી પાર્ટી(AAP)ના નેતા ઇસુદાન ગઢવીનો લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે આજે ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે રિપોર્ટ સામે શંકા વ્યક્ત કરી જણાવ્યું હતું કે બ્રેથ એનેલાઈઝરમાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મને પકડ્યો ત્યારે કોઈ ગંધ આવતી નહોતી. મારા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો. હું મોગલ અને સોનલ માને માનું છું અને સોગંદ ખાઈને કહું છું મેં ક્યારેય દારૂ પીધો નથી. ભાજપના મહિલા કાર્યકર 20 ફૂટ છેટાં હતાં છતાં છેડતીની ફરિયાદ કરી. ઈસુદાન આખરે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયાં હતાં.
સુપર સીએમ સીઆર પાટીલે રિપોર્ટ બદલાવ્યો હોઈ શકે છે
રિપોર્ટમાં મને શંકા છે, મારો લાઇ ડિટેક્ટ ટેસ્ટ કરવામાં આવે. 13 દિવસના જેલવાસ બાદ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે મારો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સુપર સીએમ સીઆર પાટીલે રિપોર્ટ બદલાવ્યો હોઈ શકે છે. ભાજપની સરકાર જ છે.
રિપોર્ટ સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાની શંકા છે
ઇસુદાને આગળ કહ્યું હતું કે મેં પ્રાઇવેટ લેબમાં 3 દિવસે ટેસ્ટ માટે કહ્યું, પણ તેમણે કહ્યું, વાંધો નહિ, સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા, ત્યાં ચેક કર્યું અને વાસ આવતી હતી કે કેમ એ તપાસ કરી, પણ તેમાં વાસ ન આવી. પોલીસ લોકઅપમાં લઈ ગઈ, ત્યાં બ્રેથ એનેલાઇઝરથી ચેક કર્યું હતું તો મને કહ્યું કે વાંધો નહીં, ટેસ્ટ નેગેટિવ છે. વિરોધ કરવો દરેકનો અધિકાર છે. સામાન્ય રીતે વિરોધમાં ડિટેઇન કરી છોડી દેવામાં આવે છે, પરંતુ આ ઘટનામાં ઘણી કલમો લગાવી, તેમણે જેટલો દમન ગુજાર્યો અમે સહન કર્યો. ભાજપે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે. મને મારા રિપોર્ટ પર શંકા છે, રિપોર્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની શંકા છે. હું જાતે જામીન માટે સામેથી હાજર થઈશ.
મારો બ્રેન મેપિંગ ટેસ્ટ કરાવોઃ ઇસુદાન
ઇસુદાને વધુમાં કહ્યું હતું કે હું મોગલ અને સોનલ માને માનું છું અને સોગંદ ખાઈને કહું છું કે હું દારૂ પીતો નથી. વીડિયો રેકોર્ડિંગ સાથે લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવે, બ્રેન મેપિંગ ટેસ્ટ કરાવાય, જ્યાં ભાજપની સરકાર ન હોય ત્યાં ટેસ્ટ કરવામાં આવે. મારી માગ છે કે મારું જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું એને સાચવી રાખવામાં આવે. પ્રજા માટે લડવું ગુનો છે ? છેડતી અને દારૂનો આક્ષેપ કર્યો તો હવે ડ્રગ્સનો આરોપ મૂકશો?
દિલ્હીની લીગલ ટીમ ઇસુદાન સાથે છે
સુપ્રીમકોર્ટના વકીલ ઋષિકેશ કુમારે જણાવ્યું હતું કે ઇસુદાન ગઢવીનો દારૂ પીવાનો કેસ જામીનલાયક છે. બધા આરોપ ખોટા છે. આમનો ટેસ્ટ બીજા રાજ્યમાં કરવામાં આવે અને બ્લડ પણ ફ્રીઝ કરવામાં આવે. પોલીસે એક એક આરોપ સાબિત કરવા પડશે. જો સાબિત ન કરી શકે તો અમે ઇસુદાનભાઈને સલાહ આપીશું કે બદનક્ષીનો દાવો કરો. અમે દિલ્હીની સમગ્ર લીગલ ટીમ તેમની સાથે છીએ. અમે ન્યાય મેળવવા માટેની શરૂઆત કરી છે.
શું છે મામલો
રાજ્યમાં 12 ડિસેમ્બર,2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું, જેનો સરકારે પણ સ્વીકાર કર્યો હતો. આ પેપરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ ઘર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મૂકતાં ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, જ્યારે 1 જાન્યુઆરીએ તેમનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ બાદ ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ઈસુદાન પર IPC 66(1)B, 85 (1) મુજબ ગુનો દાખલ થયો હતો.