સ્માર્ટ સિટી મિશન બંધ થવાના ભણકારા સંભળાય રહ્યા છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા જે કરોડો રૂપિયા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ઠાલવવામાં આવી રહ્યાં હતા. તે ગ્રાંટ પણ હવે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા રીલીઝ કરવામાં નહી આવે તેવી વિગત છે. આગામી 31 માર્ચ પછી એકપણ નવા કામોના ટેન્ડર બહાર નહી પાડવા અંગે દિલ્હીથી કોર્પોરેશનને સૂચના આપી દેવામાં આવી છે. એટલું જ નહી જે કોઈ કામના વર્કઓર્ડર આપવાના બાકી હોય તે પણ 31 માર્ચ પહેલા આપી દેવા તે પછી વર્કઓર્ડર પણ નહી આપી શકાય.
31 માર્ચ પછી એકપણ નવું ટેન્ડર નહીં આપવાનો આદેશ
ભારત સરકારે શહેરોને સ્માર્ટ બનાવવા આ મિશન શરૂ કર્યું હતું. જોકે હવે આ મહામિશન અંત તરફ છે. તેના બિસ્તરા પોટલા હવે સંકેલાવા લાગ્યા છે. કેન્દ્ર સરકારે પણ કોર્પોરેશનને નવા કોઈપણ કામના ટેન્ડર નહી કરવાની તાકીદ કરી દીધી છે. તો જે કંઈ વર્કઓર્ડર આપવાના બાકી હોય તે હવે 31 માર્ચ સુધીમાં આપી દીધા બાદ જે કામો ચાલુ છે તેને આગામી વર્ષ 2023 સુધીમાં પુરા કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે.
દિલ્હીથી સ્માર્ટ સિટીની ગ્રાન્ટ પણ નહીં ફાળવાય
નાગરિકોને ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળું જીવન, સ્વચ્છ વાતાવરણ અને સ્માર્ટ સંશાધનોની ઉપયોગિતા આપવાનો નિર્દેશ સ્માર્ટ સિટી મિશન પાછળ સંકળાયેલો છે. સ્માર્ટ સિટી મિશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત જૂન 2015માં અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેને છ વર્ષ થવા આવ્યા. વર્ષ 2019 અને 2023 વચ્ચે પ્રોજેક્ટ પુર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. લાગે છે એ સમય આવી ગયો છે. કેન્દ્રમાંથી કરોડો રૂપિયા ગુજરાતના ગાંધીનગરમાં પણ ઠલવાયા છે. એમ કહી શકાય કે, ક્યાંક તેનો ખરાઅર્થમાં પ્રજા માટે ઉપયોગ થવો જોઈએ તે થયો છે કે નહિ તે એક સવાલ છે.
સ્માર્ટ પાર્કિંગ નકશામાં જ રહ્યું છે
પાટનગરના રસ્તા તો પહેલેથી અન્ય શહેરોની સરખામણીએ પહોળા હતા. તેમાં અપ્રોચ રોડ ફોર લેન કરવાનો નિર્ણય જોખમી દેખાય રહ્યો છે. કારણ કે આ સમય દરમિયાન જ માર્ગ અકસ્માતો ખૂબ વધી ગયા અને હવે કેટલા વધશે તે રામ જાણે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પાછળ કરોડોનું આંધણ અત્યારસુધીમાં કરી દેવાયું. પરંતુ હવે જ્યારે સરકારે તેને આખરી પ્રયાણ તરફ લઈ જવાનો નિર્ણય કર્યો છે, ઉપરાંત ફંડ પણ હવે આવશે કે નહિ તેવી લટકતી તલવાર આવીને ઉભી થઈ છે તો જે પ્રોજેક્ટ કાર્યરત છે તેને લઈને નાણાંકીય સંકટ ઉભું થવાની દહેશત છે. જોકે તેમાં હવે તંત્ર કોર્પોરેશનના બજેટ પર હાથ નાંખશે.
સ્માર્ટ સિટી મિશનમાં ગાંધીનગરનો 28મો રેન્ક
હકીકતે કુલ પ્રોજેક્ટમાંથી કેટલા પ્રોજેક્ટ પુરા થયા, કેન્દ્રમાંથી કેટલું ફંડ મોકલવામાં આવ્યું તેમાંથી કેટલું ખર્ચાયું ઉપરાંત પ્રોજેક્ટની ડિટેઈલ અપડટેશેન પોર્ટલ જેમાં દર સપ્તાહે પ્રોજેક્ટનો પ્રોગેસ રિપોર્ટ અપડેટ કરવાનો હોય છે આ તમામના આધારે સ્માર્ટ સિટીનું રેન્કીંગ નક્કી કરવામાં આવે છે. જાણવા મળ્યા મુજબ રાજ્યના પાટનગર ગાંધીનગરનો 28મો રેન્ક છે. ગાંધીનગરને કુલ પ્રોજેક્ટમાંથી પુરા કરેલા પ્રોજેક્ટ અંતર્ગત 6.68 પોઈન્ટ મળ્યા છે.
ગુજરાતમાં સ્માર્ટ સિટીના પફોર્મન્સમાં ગાંધીનગર ચોથા ક્રમે
ગુજરાતમાંથી સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને દાહોદ છ શહેરનો સમાવેશ થયો છે. તેમાં પર્ફોમન્સમાં ગાંધીનગર ચોથા ક્રમે છે. સુરત પર્ફોમન્સ કરવામાં પ્રથમ, બીજા ક્રમે રાજકોટ અને ત્રીજા ક્રમે અમદાવાદ આવે છે.