હમણાં જ શ્રી સૌરભ શાહે લખેલી નવલકથા "મહારાજ" વાંચી. સરળ અને રસપ્રદ શૈલીમાં લખાયેલી નવલકથાની વાર્તા વાચકોને જકડી રાખે છે. આ ઉપરાંત નવલકથાનો વિષય પણ એવો જ સુંદર છે.
સામાન્ય રીતે શ્રી સૌરભ શાહ જે વિષય ઉપર લખેલ છે, તે વિષયો અને તેની લખવાની શૈલીનો હું બહુ મોટો પ્રશંસક નથી. આમ છતાં તેની આલોચના કરી શકાય તેટલું ખરાબ પણ નથી. શ્રી સૌરભ શાહની, વગર કારણે ગુજરાતી લેખોમાં અંગ્રેજી શબ્દો વાપરવાની કુટેવ બહુ ખરાબ છે.
આમ છતાં "મહારાજ" નવલકથા માટે સૌરભ શાહની પ્રશંસા કરવી જ પડે. ન માત્ર લખવાની શૈલી સુંદર છે, પણ વિષય પણ એવો જ સુંદર છે. આ નવલકથા "મહારાજ" એ ગુજરાતી સાહિત્યનું રત્ન છે. સૌરભભાઈ શાહે ગુજરાતી પ્રજાને અને ગુજરાતી સાહિત્યને આપેલી આ અમુલ્ય ભેટ છે.
અંગ્રેજી રાજમાં ચાલેલો અને ખૂબ જ ગાઝેલો "મહારાજા લાયેબલ કેસ" આ નવલકથાનો વિષય છે.
આ કેસ વિશે થોડું વિસ્તારથી.
વલ્લભાચાર્યએ પ્રુષ્ટિમાર્ગી સંપ્રદાયની સ્થાપના કરી. આ પ્રુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં ગુરુગાદી ઉપર માત્ર વલ્લભાચાર્યના વંશજો જ આવી શકે.!! પછી ભલે તે ગુરુ બનવાને લાયક હોય કે ન હોય. બીજો કોઈ વ્યક્તિ ગુરુગાદી ઉપર બેસી ન શકે.આ વંશજો "વલ્લભકુળના બાળકો" તરીકે અને "મહારાજો" તરીકે ઓળખાય. અને વૈષ્ણવોની પુષ્ટિમાર્ગી હવેલીઓ, આ મહારાજોના તાબા રેહતી. મહારાજો આ હવેલીઓને પોતાની અંગત સંપત્તિ માનતા અને ગણાવતા.(આજે શું સ્થિતિ છે, તે ખબર નથી)
આ સંપ્રદાયનો ઉપદેશ મુજબ, કળિયુગમાં મુક્તિ પ્રાપ્ત કરવાનો એક જ માર્ગ છે, તન-મન-ધનથી કૃષ્ણની સેવા કરવાનો. તે સિવાય વેદો અને બીજા શાસ્ત્રોના અધ્યયનનો અને બીજા માર્ગો દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકાય નહીં. સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો અવતાર છે. અને તેના વંશજો ગુરુ અને કૃષ્ણના અંશ અવતાર છે. હવે કૃષ્ણની તન-મન-ધનથી સેવા એટલે મહારાજોની સેવા, તેવી વ્યાખ્યા કરવામાં આવી. બધુ કૃષ્ણને જ અર્પણ કરી ભોગવવું જોઈએ, તેનો અર્થ એવો કરવામાં આવ્યો કે "મહારાજો કૃષ્ણના અવતાર જ છે". આથી બધું મહારાજોને અર્પણ કર્યા બાદ જ ભોગવવું જોઈએ. અને આવો ઉપદેશ ભોળી અને ડરપોક પ્રજાના લોહીમાં ઉતારી નાખવામાં આવ્યો.
મહારાજોને જોઈતું હતું એવું મળી ગયું. મહારાજો આ તન ,મન, ધનથી કરવામાં આવતી સેવાનો ખૂબ લાભ લેતા. મહારાજોએ હવેલીને વ્યભિચારનો અડ્ડો બનાવી નાખી હતી. દર્શને આવતી સ્ત્રીઓને બગાડતા. ધાકધમકીઓ આપી પૈસા ઉઘરાવતા. કોઈ મૃત્યુ પામે તો તેની લાશની છાતી ઉપર પગ રાખતા. જેથી મરનારને સ્વર્ગ જવા મળે. અને આ માટે પણ પૈસા ઉઘરાવતા. વારે-તહેવારે અનુયાયીઓને દંડ કરતા. અને તે બહાને પણ પૈસા પડાવતા. ખુલ્લમખુલ્લા વલ્લભાચાર્યના વંશજો ધર્મોનો ધંધો કરતા અથવા તો બીજા શબ્દોમાં પોતાના ધંધાને ધર્મ કહેતા.
વહાણ ડૂબતા ડૂબતા બચી ગયું. મારી એન્જિનિયરિંગની યાત્રા (ભાગ ૧૪)
પણ કોઈ તેની સામે અવાજ ઉપાડી ઉઠાવી શકતું નહીં. કારણ કે આ મહારાજો ખૂબ શક્તિશાળી હતા. તેમને ભગવાન તુલ્ય માનનારો મોટો વર્ગ હતો.
આ સમયે ગુજરાતના મહાપુત્ર, ક્રાંતિકારી, મહાનાયક, કરસનદાસ મૂળજીને મહારાજોની પાપલીલા, કુમળી કન્યાઓને દૂષિત કરવાનું ધંધો, ધર્મના નામે ચાલતા ગોરખધંધા, આંખમાં પડેલા કાળાની જેમ ખૂચી ગયા. તેનું હૃદય વિદ્રોહ કરી ઉઠ્યું. ગુજરાતના મહાક્રાંતિકારી કરસનદાસે પોતાના વિચારપત્રમાં મહારાજોના પાખંડ ને ખુલ્લા પાડતા લેખો લખવાનું ચાલુ કર્યું. તેની કલમમાં શાહી નહિ, તેજાબ ભરેલો હતો.
અને આ તેજાબથી વલ્લભકુળના મહારાજો દાઝીયા વગર ન રહી શક્યા. કરસનદાસને દબાવવા માટે સામ-દામ-દંડ-ભેદ દરેક પ્રકારની રીતો અપનાવવામાં આવી. કરસનદાસને જ્ઞાતિ બહાર મૂકવામાં આવ્યો, કરસનદાસની સામે છાપાઓમાં લખવામાં આવ્યું, કરસનદાસને મદદ કરનારા લોકોને ધાક-ધમકીઓ આપી મદદ બંધ કરાવવામાં આવી. પણ કરસનદાસ મહારાજોની સામે એક ડગલું પણ પાછળ હટ્યા નહીં.
છેવટે જદુનાથ નામના મહાવ્યભિચારી અને મહાઠગ મહારાજે કરસનદાસ ઉપર માનહાનિનો કેસ દાખલ કર્યો. અને પૂરા 50 હજારનું વળતર માગ્યું. તે સમયમાં 50 હજાર રૂપિયા ખૂબ મોટી રકમ હતી. જો કરસનદાસ હારી જાય, તો આજીવન આ રકમ ચૂકવી શકવાના નહોતા.
પાછળથી આ માનહાનિનો કેસ "મહારાજા લાયેબલ કેસ" તરીકે પ્રખ્યાત થયો.
જદુનાથ મહારાજ સાધન સંપન્ન હતો. પૈસાની અને સમર્થક અનુયાયીઓની કોઈ ખોટ નહોતી. આ ઉપરાંત જદુનાથને ગુરુ અને કૃષ્ણનો અવતાર માનનારા પૈસાદાર ભક્તોની સંખ્યા પણ સારી એવી હતી. બીજી તરફ કરસનદાસ સામાન્ય માણસ હતો. તેને કોઈ ભક્તો નહોતા. આ ઉપરાંત કરસનદાસનો સામાજિક બહિષ્કાર પણ થોડા-ઓછા અંશે થઈ ગયો હતો. આમ આ લડાઈ હાથી અને કીડીની હતી. જદુનાથ મહારાજ હાથી જેટલો બળવાન હતો, ત્યારે કરસનદાસનું કદ કીડી જેટલું હતું.
કરસનદાસ તરફથી કોઈ સાક્ષી આપવા ન આવે તે માટે પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આ માટે વૈષ્ણવોને આદેશ આપી દેવામાં આવ્યો હતો.તે સમયની આખી ભાટિયા જ્ઞાતિને ભેગી કરી આ મુજબનો ઠરાવ પણ કરાવ્યો હતો.
કરસનદાસે આ માટે કોર્ટમાં ફરિયાદ કરી. જેનો કેસ ચાલ્યો. જે પાછળથી "ભાટિયા conspiracy" તરીકે પ્રખ્યાત થયો. અંગ્રેજી ન્યાયાધીશે કરસનદાસની ફરિયાદ સાચી માની. અને "ભાટિયા conspiracy" કરનારાઓને અપરાધી માન્યા અને દંડ કર્યો.
મહારાજા લાયેબલ કેસ તે સમયે ખૂબ જ પ્રખ્યાત થયેલો. અને દરેક છાપાઓમાં તેને વિષે છપાતું હતું. કોર્ટમાં આ કેસની દલીલો સાંભળવા ભીડ જામતી.
બે અંગ્રેજ ન્યાયધિશોની બનેલી બેન્ચ સમક્ષ આ કેસ ચાલ્યો. બંને ન્યાયાધીશોએ જદુનાથ મહારાજની વિરુદ્ધ ચુકાદો આપ્યો. કોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું કે "કરસનદાસે લખેલી વાતો ખોટી નથી. અને તે લખવાની કરસનદાસની ફરજ છે."
હવે ધારો કે આજના સમયમાં આવો કોઈ કેસ કોર્ટમાં ચાલ્યો હોત તો? કરસનદાસના છોકરાના છોકરાઓ આવે, ત્યાં સુધી કદાચ કેસ લંબાઈ રાખ્યો હોત. તારીખ પે તારીખ. આજના અસામાજિક તત્વો અને trolls દ્વારા કરસનદાસ ઉપર ભયાનક હુમલો કરવામાં આવત. તેના વિશે સાચી-ખોટી વાતો સોશિયલ મીડિયામાં, સમાચારોમાં પ્રચારિત કરવામાં આવત. અને કરસનદાસના ચરિત્ર ઉપર અને તેના કુટુંબના સભ્યો ઉપર કાદવ ઉછાળવામાં આવત. મારપીટ કરવામાં આવત.
અને પૂછવામાં આવતા, "સંપ્રદાયમાં ચાલતા પાખંડ અને વ્યભિચાર ઉપર બોલ્યા. હવે બીજા ધર્મ વિશે બોલો? ત્યાં કેમ ચુપ છો? ત્યાં કેમ નથી બોલતા? બીક લાગે છે"....ટૂંકમાં આવા વાહિયાત અને અક્કલ વગરના પ્રશ્નો પૂછી કરસનદાસને દબાવવાનો પ્રયત્ન થાત. અને જદુનાથ મહારાજને હિન્દુઓના રક્ષક અને હિંદુત્વના ઉપદેશક બનાવી, ખુદ કરસનદાસને ગુનેગાર ચિત્રી નાંખવામાં આવત. વામપંથી, નક્સલવાદી કહી ગાળો આપવામાં આવત.
આવા સમયે મહારાજ નવલકથાના લેખક શ્રી સૌરભ શાહ કોના પક્ષે હોત?... શ્રી સૌરભ શાહના લેખોના વિષયો વાંચતા લાગે છે, જો આજના સમયમાં "મહારાજ લાયબલ કેસ" ચાલ્યો હોત, તો કદાચ શ્રી સૌરભ શાહ જદુનાથ મહારાજના પક્ષે હોત. અથવા તો ચુપ રહ્યા હોત.
આજની હવેલીઓમાં શું ચાલે છે, તે વિશે પૂરતી માહિતી નથી. આમ છતાં આજે પણ ગુરુગાદી ઉપર આ વલ્લભાચાર્યના વંશજો જ બેસી શકે છે. બીજું કોઈ નહીં. શા માટે ગુરુગાદી લાયકાત કરતાં વંશપરંપરા પ્રમાણે? આશા રાખીએ કે એક દિવસ બીજો કોઈ કરસનદાસ ઊભો થશે, અને આવા ઘણા-બધા પાખંડનો અંત કરશે.
મારો એક વ્યક્તિગત અનુભવ લખી અને પૂર્ણ કરું.
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક આવેલી. ચાર-પાંચ વખત ત્યાં જવાનું થયું. ત્યાં પ્રસાદની લાડુડી મારા હાથમાં "ઘા" કરીને આપે. જેથી આપનારને મારા હાથનો સ્પર્શ ન થાય.!!! તપાસ કરતા જાણવા મળ્યું કે જો મારો હાથ તેને અડકી જાય, તો તે અભડાઈ જાય. આવું સાંભળીને દુઃખ થયું. જે ભગવાન અને તેનો ગુરુ મારા સ્પર્શમાત્રથી અભડાઈ જતા હોય, તે મારું શું કલ્યાણ કરી શકવાના? અને ત્યારથી જ ત્યાં જવાનું છોડી દીધું. આના કરતાં તો મસ્જિદ અને ચર્ચા સારા. જ્યાં કોઈ સ્પર્શ માત્રથી અભડાઈ નથી જતું.
"મહારાજા લાયેબલ કેસ" વિશે ઈન્ટરનેટ ઉપર ઘણું બધું છે. એ જરૂર વાંચવું જોઇએ. જેથી આંખો ખુલે કે ધર્મના નામે કેવા કેવા પાખંડ અને વ્યભિચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત "મહારાજા" નવલકથા વાંચવી જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે ઓળખીતા કોઈ વૈષ્ણવને આ પુસ્તક ભેટ આપવું જોઈએ. અને તેમની સાથે તેની ચર્ચા કરવી જોઈએ.
HJR