અગ્નિપથ સ્કીમના વિરોધમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક મોટી જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાર વર્ષની સેવા બાદ અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવાની તક મળશે.
આપને જણાવી દઈએ કે અગ્નિપથ યોજનાની જાહેરાત 14 જૂને કરવામાં આવી હતી ત્યારથી સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે યોજનામાં પેન્શન નાબૂદ કરવામાં આવ્યું છે, જ્યારે સેવા માત્ર ચાર વર્ષ સુધી મર્યાદિત છે જે યોગ્ય નથી. આર્મીમાં જોડાવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ છે કે તેઓ ચાર વર્ષ પછી નિવૃત્ત થશે ત્યારે શું કરશે?
આનંદ મહિન્દ્રાએ શું કહ્યું?
અગ્નિપથ સ્કીમની જાહેરાત બાદ જે રીતે હિંસા થઈ રહી છે તેનાથી હું દુઃખી અને નિરાશ છું. ગયા વર્ષે જ્યારે આ યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે અગ્નિવીરને જે અનુશાસન અને કૌશલ્ય મળશે તે તેને નોંધપાત્ર રીતે રોજગારી યોગ્ય બનાવશે. વધુમાં લખ્યું હતું કે મહિન્દ્રા ગ્રુપ આવા પ્રશિક્ષિત, સક્ષમ યુવાનોને અમારી સાથે ભરતી (નોકરી) કરવાની તક આપશે.
આનંદ મહિન્દ્રાને એ પણ પૂછવામાં આવ્યું હતું કે તેઓ અગ્નિવીરોને કંપનીમાં કયું પદ આપશે? તેના પર લખવામાં આવ્યું, 'લીડરશિપ ક્વોલિટી, ટીમ વર્ક અને ફિઝિકલ ટ્રેઇનિંગ અગ્નિવીરના રૂપમાં ઈન્ડસ્ટ્રીને માર્કેટમાં તૈયાર પ્રોફેશનલ્સ મળશે. આ લોકો વહીવટ (એડમિનિસ્ટ્રેશન), સપ્લાય ચેન મેનેજમેન્ટનું કામ ગમે ત્યાં કરી શકે છે.
આપને જણાવી દઈએ કે અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહારમાં પ્રદર્શનકારીઓએ ઘણી ટ્રેનોને આગ ચાંપી દીધી હતી. એકલા બિહારમાં જ રેલવેને 700 કરોડનું નુકસાન થયું છે.
અગ્નિપથ યોજનાના વિરોધમાં સેનામાં નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહેલા ઉમેદવારોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધને વિપક્ષે પણ ચૂપચાપ સમર્થન આપ્યું છે. આજે રેલવે ભારત બંધને પહોંચી વળવા માટે સજ્જ થઈ ગયું છે. આરપીએફ અને જીઆરપીને ઉપદ્રવીઓ સાથે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે હિંસા કરનારાઓ વિરુદ્ધ કડક કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે.
ભારત બંધ દરમિયાન બિહારના 20 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. અગ્નિપથ યોજના વિરુદ્ધ આ જિલ્લાઓમાં હિંસા થઈ હતી. સીએમ નીતિશ કુમારે પણ આજનો જનતા દરબાર રદ્દ કરી દીધો છે. ભારત બંધ દરમિયાન દિલ્હી એનસીઆરમાં પ્રદર્શનની સંભાવનાને જોતા પોલીસ પ્રશાસન એલર્ટ પર છે. નોઈડામાં કલમ 144 લાગુ છે. સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.