જમ્મુ કાશ્મીરમાં સોમવાર પછી ગુરૂવારે આતંકીઓ અને સિક્યોરિટી ફોર્સ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક જૂનિયર કમિશન્ડ ઓફિસર (JCO) અને એક જવાન શહીદ થયા છે. આ એન્કાઉન્ટર જમ્મુ-રાજૌરી-પુંચ નેશનલ હાઈવે નજીક ભીમ્બર ગલી વિસ્તારમાં થયું છે, જે મેંઢર સબ ડિવિઝનમાં આવે છે. અહીં ભાટા ધૂરિયાં ગામ છે અને આ ગામમાં જ સર્ચ ઓપરેશન કરી રહેલા સૈન્યના જવાનો પર આતંકીઓએ ફાયરિંગ કર્યું.
આ પહેલા સોમવારે આ વિસ્તારમાં જ આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં પાંચ જવાન શહીદ થયા હતા.
નજીકના વિસ્તારમાં જ અથડામણ
મીડિયા રિપોટ્સ મુજબ ત્રણ દિવસ પહેલાં જે ડેરાની ગલી વિસ્તારમાં એનકાઉન્ટર થયું હતું, ગુરૂવારે પણ તે જ વિસ્તારથી થોડે દૂર અથડામણ થઈ. હાલ પણ ફાયરિંગ યથાવત છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ સુરક્ષા દળના જવાનો અહીં આતંકવાદ વિરોધી અભિયાન ચલાવી રહ્યાં છે. આ વિસ્તારમાં ગાઢ જંગલ છે અને આ વિસ્તાર રાજૌરી અને પુંચ જિલ્લાને જોડે છે. સુરક્ષા દળોએ ગુરૂવારે ભાટા ભૂરિયાં વિસ્તારને ઘેરી લીધું હતું.
આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું
એક અધિકારીના જણાવ્યા મુજબ- સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધા બાદ અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળોના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ દરમિયાન એક JCO અને એક જવાનને ગોળી વાગી હતી. તેઓને નજીકની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા પરંતુ તેઓને બચાવવામાં સફળતા ન મળી. જે બાદ સુરક્ષા દળોની વધુ એક ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી. સુરક્ષા વધુ મજબૂત બનાવી સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું.
આ વિસ્તારમાં સતત ચોથા દિવસ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 12 ઓક્ટોબરે આ વિસ્તારમાં આપણાં પાંચ જવાન શહીદ થયા હતા. હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે અહીં કયા ગ્રુપના આતંકીઓ છુપાયેલા છે. સેનાની સામે સવાલ છે કે શું આ તે જ આતંકીઓ છે જેઓએ સોમવારે પાંચ જવાનોના જીવ લીધા હતા કે કોઈ અન્ય ગ્રુપના આતંકીઓ છે. હાલ પુંચ-રાજૌરી હાઈવે પર ટ્રાફિક બંધ કરી દેવાયો છે.