આણંદના વિદ્યાનગર પાસે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની હેરાનગતિ કરીને ત્રાસદાયક વર્તન કરવામાં આવતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે રેગિંગ, બાળકોને માર મારવા, વ્યવસ્થિત જમવાનું ન આપવા જેવા સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકોના ત્રાસથી કોઈ બાળકે હોસ્ટેલમાં જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ બાબતો સામે આવતાં જ ઇન્દોર, ભરૂચ, વડોદરાથી વાલીઓએ દોડી આવી 70 વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરાવીને ઘરે લઇ ગયા હતા.
શાળામાં થતાં આવા ત્રાસથી કંટાળેલા બાળકોને હોસ્ટેલમાં રહેવાનું અને શાળામાં ભણવાનું ગમતું નહોતું. તાજેતરમાં એક મહિલા પોતાના બાળકને નાસ્તો આપવા ગઈ ત્યારે બાળકોએ રડતા રડતા પોતાની આપવીતી વર્ણવતા આ મહિલાએ તેનો વીડિયો ઉતારી લીધો હતો, અને વાલીઓને મોકલતા આખા કરતૂતનો ભાંડો ફૂટયો હતો. જેના પગલે મંગળવારે 70 જેટલા વાલીઓ પોતાના બાળકોને હોસ્ટેલ પર લેવા પહોંચી ગયા હતા. આ વખતે તેઓને સ્કૂલમાં પ્રવેશવા ન દેવાતા ભારે હોબાળો મચ્યો હતો. આખરે વાલીઓએ આ સ્કૂલમાં ઘૂસી જવાની ફરજ પડી હતી. મામલો થાળે પાડવા માટે સ્કૂલના સંચાલકોએ પોલીસને બોલાવી હતી. આણંદના વિદ્યાનગર નજીક આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલ રાજકોટની સંસ્થા દ્વારા સંચાલિત છે. વાલીઓના જણાવ્યા મુજબ આ સ્કૂલમાં ધો. 3થી ધો. 10 સુધીના શિક્ષણની વ્યવસ્થા છે. જૂન માસથી શાળા અને હોસ્ટેલ શરૂ થયા બાદ ભરૂચ, સુરત સહિત મધ્યપ્રદેશ, ઉદયપુર તથા બોમ્બેના કેટલાક વાલીઓએ પોતાના બાળકોને આ સ્કૂલમાં અભ્યાસ માટે હોસ્ટેલમાં મૂક્યા હતા. જ્યાં સ્કૂલ શરૂ થયાના થોડા જ સમયમાં આ હોસ્ટેલમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થતાં એડમિશન કેન્સલ કરાવીને ઘરે પાછા લઈ ગયા છે.
બાળકોને લેવા જતા સંચાલકોએ ગેટ બંધ કરી વાલીઓને સ્કૂલમાં પ્રવેશતા અટકાવ્યા
એમ.પી. અને ઉદયપુર સહિત બીજે સ્થળે રહેતા કેટલાક વાલીઓએ સોમવારે પોતાના બાળકોના નામ હોસ્ટેલમાંથી કમી કરાવી એલ.સી. લઈ લીધા હતા. બાદમાં મંગળવારે ભરૂચ, સુરત સહિત અન્ય ઠેકાણે રહેતા વાલીઓ પહોંચ્યા હતા. આ વખતે સ્કૂલના સંચાલકોને ગેટ બંધ કરી દીધો હતો, અને તેમને અંદર પ્રવેશવા દીધા નહોતા. પરંતુ પોતાના બાળકોની સલામતિનો વિચાર કરી વાલીઓ અંદર ઘૂસી ગયા હતા.
છોકરાઓને સતત ટોર્ચર કરાય છે : નિકુલબાઇ મિસ્ત્રી-વાલી
મારો ભાણેજ ગુરુકુળમાં રહીને અભ્યાસ કરે છે. કોરોનાના કારણે ગત વર્ષે અભ્યાસ થઇ શક્યો નથી. નવુ સત્ર 15 દિવસથી ચાલુ થયુ છે. બાળકોને સતત ટોર્ચર કરવામા આવે છે. બાળકોને માત્ર 3 મીનીટ કૉલ ઉપર વાત કરવા દે છે.ગેટ બંધ કરીને છોકરાઓ��ે પુરી દેવામા આવે છે. વિદ્યાર્થીઓ જાતે ગેટનુ તાળુ તોડીને બહાર આવી ગયા છે. તેમ ભરૂચથી આવેલા વાલી નિકુલભાઇ મિસ્ત્રીએ જણાવ્યુ છે.
બાળકો સાથે મારપીટ થાય છે : શિવ શર્મા, વાલી-ઈન્દોર
મારા ત્રણેય બાળકોને 12 જુને એડમીશન અપાવ્યુ છે. એડમિશનના નામે 1.28 લાખ લીધા છે. 15 હજાર પોકેટમની માટે લીધા.બાળકો સાથે મારપીટ થાય છે.12 જુન પછી 3 જુલાઇએ બાળકો સાથે વાત કરાવાઇ છે. ત્રણેય બાળકોએ રડતા-રડતા વાત કરી છે. અમારી સાથે મારપીટ થાય છે. મારા પુત્રના ઘૂંટણમા એક વાર પડી જવાથી પડયો તો પ્રિન્સિપાલે કહ્યુ એમપી વાળા બહાના બતાવે છે. બાળકો સાથે અભદ્રતા ભર્યુ વર્તન થાય છે. તેમ ઇન્દોરથી આવેલા વાલી શિવ શર્માએ જણાવ્યુ છે.
આક્ષેપો તદ્દન ખોટા છે : સ્વામી
ગુરુકુળના સંચાલક સ્વામીએ જણાવ્યું કે જે પણ આક્ષેપો થયા છે તેમાં કોઇ સચ્ચાઇ નથી. વિદ્યાર્થીઓ અંદરો-અંદર લડયા હશે. શિક્ષકોએ તેમને માર્યા નથી.કોઇ વિદ્યાર્થી પાસે ટોયલેટ કે બાથરૂમની સાફસફાઇ કરાવી નથી. જમવાનુ કવોલિટી વાળુ આપવામા આવે છે. તેમ સ્વામીએ જણાવ્યુ છે.
સમગ્ર ઘટનામાં પોલીસ શું કહે છે ?
વિદ્યાનગર PI એલ.બી. ડાભીએ જણાવ્યું કે, નોન ગુજરાતી છોકરાઓને રહેવું નહોતું. એટલે તેમણે વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. તેથી અમુક છાત્રોના વાલીઓએ બાળકોની ફી પાછી માંગી લીધી એટલે સંસ્થાએ ફી અને તેમના LC કાઢી આપ્યા હતા. આ મામલે કોઈ ફરિયાદ થઈ ન હતી.
પોતાના બાળકોને માર પડતા તે રડતા હોવાના વીડિયો મોબાઈલમાં બતાવ્યા
વાલીઓના ટોળાએ સંચાલકો અને શિક્ષકોને ધક્કે ચઢાવતા બચવા માટે પોલીસનો આશરો લેવો પડયો હતો. આ વખતે બૂમાબૂમ થતા ભારે હોબાળો મચ્યો હતો, અને ટોળું સંચાલકોની ઓફિસ સુધી પહોંચ્યુ હતું. આ વખતે કેટલીક મહિલાઓને પોતાને શિક્ષકો અને સંચાલકો દ્વારા માર મરાતો હોવાના, બાળકો રડતા હોવાના વાયરલ થયેલા વીડિયો ત્યાં હાજર લોકોને બતાવ્યા હતા. આ સમગ્ર મામલો હવે બાળકોની જાતિય સતામણીનો બન્યો છે.
વાલીને વાત કરવાનો પ્રયાસ કરતા બાળકના હાથમાંથી ફોન ઝૂંટવી લેવાયો
પોતાનું નામ નહીં છાપવાની શરતે આજે આ હોસ્ટેલમાં પોતાના બાળકને લેવા આવેલા એક વાલીએ જણાવ્યું હતું કે, ફક્ત મહિનામાં બે રવિવારે જ બાળકોને ફોન દ્વારા વાલીની સાથે વાત કરવા દેવાની મંજૂરી હતી. રવિવારે એક બાળકને ફોન કરવા દેતા તેણે સઘળી વાત જણાવતા સ્કૂલના સંચાલકોએ તેના હાથમાંથી ફોન ઝૂંટવી લઈ વાત કટ કરી નાંખી હતી.
125 બાળકોના વાલીઓએ LC લઈ લીધા
મધ્યપ્રદેશ, ઉદયપુરના આશરે 50 બાળકોને લઈ ગયા હતા. બાદમાં મંગળવારે ભરૂચ, સૂરત અને બીજા સ્થળોએથી આવેલા પરિવારજનોએ પોતાના બાળકોને લેવા સ્કૂલમાં પહોંચ્યા ત્યારે બાળકને જે વોર્ડન લોખંડના સળિયાથી માર મારી રેગિંગ કરતો હતો, તેની આપવીતી બાળકે જણાવી હતી. બાળકોએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસનું વાસી ખાવાનું અપાતું હતું. આ તમામ વાતો સાંભળી જેથી બે દિવસમાં સવાસો બાળકોના વાલીઓએ એલ.સી. લઈ લીધા હતા.