સરગાસણ ટીપી વિસ્તારમાં ગુડાની માલિકીનો 120 કરોડની કિંમતના પ્લોટનો કોઈ ભૂમાફિયાએે બારોબાર પોતાના નામે દસ્તાવેજ કરી નાંખ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવતાં ગુડા તંત્ર ચોંકી ઉઠયું હતું. આ ભૂમાફિયા તત્વો છેલ્લા કેટલાક સમયથી કરોડોની કિંમતની આ જમીનને સસ્તા ભાવે બારોબાર વેચી મારવાની ફિરાકમાં ફરતા હતા. જે માહિતી મળતાં ગુડા તંત્ર હરકતમાં આવ્યું હતું. આજે ગુડા અને કોર્પોરેશનની ટીમ પૂરેપૂરા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર ત્રાટકી હતી અને પોતાનો મહામૂલી કિંમતના પ્લોટનો કબજો મેળવ્યો હતો. આ ઉપરાંત આ જ વિસ્તારમાં ગુડાએ પોતાના વેચાણ હસ્તકના રેસિડેન્સિયલ પ્લોટનો પણ કબજો મેળવ્યો હતો. આમ ગુડા દ્વારા એક અબજ 80 કરોડના બે પ્લોટનો કબજો મેળવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, ગાંધીનગરમાં ભૂમાફિયાઓ સક્રીય છે તે વાત જગજાહેર છે. પરંતુ અહીં તો કેટલાક ભૂમાફિયા તત્વોએ તો ટીપી-7 સરગાસણમાં આવેલા ગુડાનો પ્લોટનંબર-152 પર ગેરકાયદે કબજો જમાવી લીધો હતો. અંદાજે 9482 ચો.મી ક્ષેત્રફળ ધરાવતો આ પ્લોટ ગુડાની માલિકીનો છે જે દુકાનો માટેનો રિઝર્વ પ્લોટ છે. આ પ્લોટની હાલના બજાર ભાવ મુજબ કિંમત 1 અબજ 20 કરોડ 52 લાખ 50 હજાર જેવી થવા જાય છે. આ પ્લોટ હકીકતે સિધ્ધી વિનાયક પાર્ક નામે જ્યારે રેસિડેન્સીયલ સ્કીમ મૂકવામાં આવી ત્યારે જે તે સમયે 40 ટકા લેખે ગુડાને જે કપાતની જગ્યા મળવા પામે તે પૈકીની છે.
આ કરોડોની કિંમતની મુલ્યવાન જમીન પર ભૂમાફિયાનો ડોળો ડળક્યો, અને 9482 ચોમી પૈકીમાંથી 7550 ચોમી જેટલી જગ્યા પોતાને નામ ચડાવી લીધી હતી. આ પ્લોટનો દસ્તાવેજ સુધ્ધા કરી લેવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. ગુડાના આ કરોડોની કિંમતના પ્લોટ પર ભૂમાફિયા તરીકે બીજું કોઈ નહિ પણ કોઈ વકીલની ટોળકીએ ગેરકાયદે રીતે કબ્જો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંસુધી કે આ પ્લોટ ઉપર પોતાની માલિકી બતાવતું જાહેર નોટિસ બોર્ડ પણ મારી દેવામાં આવ્યું હતું. વર્ષ 2019માં ગુડાની માલિકીના ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ પણ થઈ ગયો હોવાનું ચર્ચાય રહ્યું છે. ગુડાના અધિકારીઓ સુધી આ પ્રકારની વાતો આવતાં તેમના કાનમાં તેલ રેડાયું અને આજે ભૂમાફિયાનો જમીનનો કબજો મેળવીને પોતાનો પરચો બતાવી દીધો.
ભૂમાફિયાની ટોળકી ગુડાના આ રિઝર્વ પ્લોટને વેચવા માટે છેલ્લા કેટલાક સમયથી સક્રિય બની હતી. આથી કેટલાક ખરીદવાની ઈચ્છા ધરાવતાં લોકોએ ધીરેધીરે ગુડા પાસેથી જમીનના ટાઈટલ ક્લીયરન્સને લગતી વિગતો મેળવવા માટે સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં ભાંડો ફૂટવા પામ્યો. ગુડાના અધિકારીઓની પણ આંખો ચાર થઈ ગઈ હતી. કોઈ ટોળકી પોતાની માલિકીનો પ્લોટ વેચી મારવા માટે સક્રીય થયો હોવાનું જાણીને ગુડા પણ સતર્ક થઈ ગઈ હતી. સરગાસણમાં હાલના તબક્કે જમીનનો ભાવ એક ચોમીનો અંદાજે સવા લાખની આસપાસ ચાલી રહ્યો છે.
સસ્તામાં જમીન મળતી હોવાને લઈને ઘણા લોકોએ આ પ્લોટ ખરીદવા માટે દોડ લગાવી હતી. તેમના નસીબ કદાચ એટલા સારા રહ્યા કે ટાઈટલ ક્લીયર સહિતની બાબતે ગુડાનો સંપર્ક કર્યો, એટલે ભૂમાફિયા તત્વોનું પાપ છાપરે બેસીને પોકાર્યું અને હકીકતનો પર્દાફાશ થયો. ગુડા અને ગાંધીનગર કોર્પોરેશનની ટીમ આજે સંયુક્ત રીતે પોલીસ બંદોબસ્ત સાથે આખું ઓપરેશન પાર પાડયું અને ભૂમાફિયાઓની ચૂંગાલમાંથી પ્લોટનો કબજો લેવામાં આવ્યો. આ સમયે ભૂમાફિયા ટોળકીની કેટલીક વ્યક્તિઓ ત્યાં સ્થળ પર હાજર હતી અને શરૂમાં માથાકૂટ પણ કરી હતી.
આ ભૂમાફિયાની ટોળકીમાં એક વકીલ પણ હોવાનું ચર્ચાય રહ્યું છે. આ વકીલે ગુડાને હાઈકોર્ટમાં ઢસડી જવાની ચીમકી ઉચ્ચારી હોવાની પણ વિગતો છે. જોકે ગુડાએ કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના અંદાજે 120 કરોડની કિંમતના પ્લોટનો કબજો લેવામાં આવ્યો હતો. ભૂમાફિયાઓએ તો ફરતે ફેન્સીંગ કરીને કરોડોની જમીન પર કબ્જો જમાવી લીધો હતો. અગાઉ ગુડા દ્વારા તેને મૌખિક સૂચના આપી છતાં પણ નહી ગણકારતા આજે ગુડાની ટીમ પુરેપુરી તૈયારી સાથે સ્થળ પર પહોંચી હતી. આ સમયે સ્થળ પર ઘણી માથાકૂટ પણ થઈ હતી.
સસ્તાની લાલચમાં ટાઈટલ ક્લિયર વગરની જમીન ખરીદનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
ગુડા તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ, મોજે સરગાસણની અંતિમ નગર રચના યોજના નંબર-7 (સરગાસણ)ના ફાયનલ પ્લોટ નં-152 જે દુકાનો માટે રિઝર્વ છે જેનું ક્ષેત્રફળ 9482 ચોમી જેટલું છે. જેમના 7550 ચોમી જેટલી જગ્યા આગોતરા કબજા કરાર સહિત સત્તામંડળને સોંપણી કરી હોવા છતાં અંદાજે 120 કરોડની કિંમતના આ પ્લોટોને નજીવી કિંમતે ભૂમાફિયા તત્ત્વો દ્વારા બજારમાં વેચાણ કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સસ્તી જમીનની લાલચમાં ટાઈટલ ક્લીયર વગરની જમીન ખરીદનાર લેભાગુ તત્વો માટે આ કિસ્સો લાલબત્તી સમાન બની રહેશે તેવું સત્તામંડળનું કહેવું છે. તંત્રના જણાવ્યાનુસાર, ભવિષ્યમાં આવા ભૂમાફિયા તત્વો સામે ગુડા દ્વારા પાસા અને લેન્ડ ગ્રેબિંગના કાયદાનું શસ્ત્ર ઉગામતા પણ અચકાશે નહિ.
રેસિડેન્સિયલ પ્લોટનો પણ કબજો ગુડાએ મેળવ્યો
આ ઉપરાંત સરગાસણ ટીપી વિસ્તારમાં જ ફાયનલ પ્લોટ નંબર-192 4879 ચોમી ક્ષેત્રફળ ધરાવતો સેલ ફોર રેસિડેન્સિયલ પ્લોટનો પણ ગુડાએ આજરોજ કબજો લેવામાં આવ્યો હતો. આમ ગુડાએ આજે અંદાજે 180 કરોડ ઉપરાંતના બે પ્લોટનો કબજો પોતાને હસ્તક લીધો હોવાની વિગતો છે.