ઈરાનના શિરાઝ શહેરમાં થયેલા આતંકવાદી હુમલામાં 15 લોકોના મોત થયા છે. ઈરાનના શિરાઝ શહેરમાં શિયા મુસ્લિમોના પવિત્ર સ્થળ પર બંદૂકધારીઓએ કેટલાક ધાર્મિક ઉપાસકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 15 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર, બુધવારે સાંજે ત્રણ હથિયારધારી ઈરાનના દક્ષિણી શહેર શિરાઝમાં આવેલા મુસ્લિમ તીર્થસ્થળમાં ઘૂસી ગયા હતા અને ફાયરિંગ શરૂ કરી દીધું. હુમલાખોરો પૈકી બેની ધરપકડ કરવામાં આવી છે અને ત્રીજાને પકડવાના પ્રયાસો ચાલુ છે. એજન્સી પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર હુમલાખોરો "તકફિરી" (સુન્ની ઉગ્રવાદીઓનો સંદર્ભ) હતા. કે જેણે દેશમાં ચાલી રહેલી અશાંતિનો ફાયદો ઉઠાવીને આ હુમલો કર્યો હતો.
હકીકતમાં 16 સપ્ટેમ્બરના રોજ પોલીસ કસ્ટડીમાં 22 વર્ષીય ઈરાની મહિલા મહસા અમીનીના મૃત્યુ પછી ફાટી નીકળેલા સરકાર વિરોધી આંદોલન અને હિંસાએ ઈરાનને હચમચાવી નાખ્યું છે. અમીનીને ઈરાન સરકારની પોલીસ દ્વારા સરકારી ધોરણો અનુસાર હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મહસા અમીનીના અંતિમ સંસ્કાર સમયે દેશના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તેનો વ્યાપક વિરોધ થયો હતો, જેમાં યુવા મહિલાઓએ આગેવાની લીધી હતી.