ફુગાવો ઘણા વર્ષોના ઉચ્ચ સ્તરે પહોંચવાના કારણે રિઝર્વ બેંક (RBI) એ બુધવારે ફરી એકવાર રેપો રેટ વધારવાની જાહેરાત કરી. હવે રેપો રેટ 0.50 ટકા વધીને 4.90 ટકા થઈ ગયો છે. લગભગ એક મહિનાના ગાળામાં રેપો રેટમાં આ સતત બીજો વધારો છે.
ફુગાવાએ રિઝર્વ બેંક પાસે વિકલ્પ છોડ્યો નથી
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટીની જૂનની બેઠક બાદ આજે રેપો રેટમાં વધારા અંગે માહિતી આપી હતી. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની આ ત્રણ દિવસીય બેઠક સોમવારથી ચાલી રહી હતી અને આજે પૂરી થઈ. આ નાણાકીય વર્ષમાં આરબીઆઈ MPCની આ ત્રીજી બેઠક હતી.
વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેન્કે ફરી રેટમાં વધારો કર્યો છે. તેને 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે તમારી લોન મોંઘી થશે અને તમારે વધુ EMI ચુકવવો પડશે. વ્યાજ દર પર નિર્ણય માટે 6 જૂનથી મોનિટરી પોલીસી કમિટીની મીટિંગ ચાલી રહી હતી. RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સમાં વ્યાજ દરમાં વધારાના નિર્ણયની માહિતી આપી છે.
અર્થશાસ્ત્રીઓએ રેપો રેટમાં વધારાનું અનુમાન કર્યું હતું
બ્લૂમબર્ગના સર્વેમાં સામેલ 41માંથી 17 અર્થશાસ્ત્રીઓએ રેપો રેટ 0.50 ટકાથી વધીને 4.9 ટકા થવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે RBI રેપો રેટને ધીરે-ધીરે પ્રી-કોવિડ લેવલ 5.15 ટકાથી ઉપર લઈ જશે. મોનિટરી પોલીસીની મીટિંગ દર બે મહિને થાય છે. અગાઉ RBIએ 2 અને 3 મેએ ઈમરજન્સી મીટિંગ બોલાવીને રેપો રેટને 4 ટકાથી વધારીને 4.40 ટકા કર્યો હતો. 22 મે 2020 પછી રેપો રેટમાં આ ફેરફાર થયો હતો. આ નાણાંકીય વર્ષની પ્રથમ મીટિંગ 6-8 એપ્રિલે થઈ હતી.
રેપો રેટ અને EMIનુ કનેક્શન
રેપો રેટ એ દર હોય છે જેની પર RBI પાસેથી બેન્કોને લોન મળે છે, જ્યારે રિવર્સ રેપો રેટ તે દરને કહે છે જેની પર બેન્કોને RBI પૈસા જમા કરવા પર વ્યાજ આપે છે. જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે, તો બેન્ક પણ વ્યાજ દર ઘટાડે છે. એટલે કે ગ્રાહકોને મળનારી લોનનો વ્યાજ દર ઓછો હોય છે, સાથે જ EMI પણ ઘટે છે. આ રીતે જ્યારે રેપો રેટમાં વધારો થાય છે તો વ્યાજ દરમાં વધારાના કારણે ગ્રાહક માટે લોન મોંઘી થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે કમર્શિયલ બેન્કને કેન્દ્રીય બેન્ક પાસેથી ઉંચી કિંમતે પૈસા મળે છે, એટલે તેણે દરને વધારવા મજબુર થવું પડે છે.