આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઇન સટ્ટા બેટિંગની ગેમિંગ એપ બનાવી સટોડિયાઓ દ્વારા જે રકમની હારજીત થતી હતી તેની ચૂકવણી અને ઉઘરાણી માટે સુરતના ડિંડોલી વિસ્તારના બે શખ્સોને હાથો બનાવી ડમી આધારકાર્ડ, પાનકાર્ડ અને ગુમાસ્તાધારાના આધારે ડમી પેઢી ઉભી કરી ખોટા 55 બેન્ક એકાઉન્ટ ખોલી કરાઇ રહેલી નાણાંની હેરાફેરી પ્રકરણમાં પોલીસને સટોડીયાઓના બેન્ક એકાઉન્ટમાંથી 1218 કરોડના વ્યવહારો મળી આવ્યા હતા. આંતર રાષ્ટ્રીય સ્તરનું આ કૌભાંડ પ્રકાશમાં આવતાં પોલીસે આજે વધુ એક આરોપીની ધરપકડ કરી ચારેયના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આખું સટ્ટા નેટવર્ક કિશન અને અમિત નામના બે શખ્સો દુબઇથી ઓપરેટ કરતાં હોવાની આશંકા પોલીસ જતાવી રહી છે.
આર્થિક ગુના નિવારણ શાખા અને એસ.ઓ.જી.ની ટીમે શનિવારે મોડી સાંજે ડીંડોલી રાજમહલ મોલ દુકાન નંબર 119માં શીવ એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઇન કાપડની આડમાં ઓનલાઇન સટ્ટા માટે નાણાંકીય વ્યવહારો થઇ શકે તે ડમી બેન્ક એકાઉન્ટની સુવિધા પૂરી પાડતા દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે અહીંથી હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા સુનિલ ચૌધરી (રહે, સુભાષ નગર, લીંબાયત) અને ઋષિકેશ અધિકાર શિંદે (રહે, ગંગોત્રી નગર, લીંબાયત) ઉપરાંત સ્ટેશન રોડ લક્કડકોટ, ઝૈની કોમ્પલેક્ષમાં રહેતાં હુઝેફા કૌશર મકાસરવાળાની ધરપકડ કરી હતી. ત્રણેયની પૂછપરછમાં આખું નેટવર્ક આંતર રાષ્ટ્રીય કક્ષાનું હોવાનું ખુલ્યું હતું. યુક્રેનના સીમ કાર્ડ ઉપર મુખ્ય સૂત્રધારો દુબઇ બેસી આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા અને તેમના ઇશારે જ સુરત અને અમદાવાદનાં શખ્સોને રોકી 55 ડમી બેન્ક એકાઉન્ટ બનાવી તેમાં સટ્ટાના આર્થિક વ્યવહારોની લેવડ દેવડ કરવામાં આવતી હતી. સર્ચ કરવામાં આવતાં અધધ 55 ડમી બેન્ક એકાઉન્ટ, 53 ડેબિટકાર્ડ, 30 ખોટા આધારકાર્ડ, 8 પાનકાર્ડ, 58 સીમકાર્ડ ઉપરાંત 17 ભાડાકરાર, પાંચ ગુમાસ્તા લાયસન્સ મળી આવ્યા હતા.
પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે સર્ચ દરમ્યાન પોલીસને આ બેન્ક એકાઉન્ટ પૈકી IDBI બેન્કના ત્રણ એકાઉન્ટ મળ્યા હતા. જેમાં કુલ 1218 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા. આ બધું નાણું સટ્ટાના હારજીતનું હતું. આ રેકેટ માટે જે રીતે ચાલતું હતું તે જોતાં આંકડો જોકે હજુ મોટો હોઇ શકે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે ચોથા એક આરોપી બનાસકાંઠાના મોરવાડા ગામના વતની અને હાલ સુરતના ગોપીપુરા ચંદનબાગ એપા.માં રહેતાં રાજ દિનેશકુમાર શાહની ધરપકડ કરી હતી. ચારેયને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યાં હતાં.
લેપટોપ અને મોબાઇલનો ડેટા ફૉર્મેટ કરી પુરાવાનો નાશ કર્યો
હુઝેફા પાસેથી પોલીસને ત્રણ મોબાઇલ, એક લેપટોપ મળ્યા હતા. લેપટોપ અને બે મોબાઇલ ફોન યુક્રેનનો કિશન આપી ગયો હતો. યુગોસ્લાવીયાના અમિત UKR, હરેશ (ઇગલેન્ડ), યુક્રેનનાં કિશનભાઇના નામો નંબર સાથે મળી આવ્યા હતા. પોલીસને કૌભાંડના પુરાવા નહિ મળે તે માટે હુઝેફા અને તેના ભાઇએ યુક્રેનના અમિતે આપેલાં બંને મોબાઇલ ફોન અને લેપટોપના ડેટા ફોરમેટ કરી દીધા હોઇ તે રિકવર કરવા FSLની મદદ લેવાઇ હતી.
53 બેન્ક એકાઉન્ટમાં 1.72 કરોડની રકમ જપ્ત
હરીશ અને ઋષિકેશે બોગસ ડોક્યુમેન્ટને આધારે જે 55 બેન્ક એકાઉન્ટ બનાવ્યા હતા. તેમાંથી કુલ 53 બેન્ક એકાઉન્ટ પોલીસે સીઝ્ડ કરી દીધા હતા. જેમાં કુલ એક કરોડ 72 લાખ 84 હજારની રકમ હતી. આ ટ્રાન્ઝેક્શન કોણે કોણે કર્યા હતા તેની પણ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
એક લાખ કરતાં વધુની રકમ સ્ટોરેજ એકાઉન્ટમાં જતી રહેતી
હારજીતના નાણાં જે 55 ડમી એકાઉન્ટમાં જમા થતાં તેમાં બે સીટ બનાવવામાં આવી હતી. એકમાં નાણાં ડિપોઝીટ થતાં અને બીજામાં નાણાંની ચૂકવણી થતી. જે જુગારી રકમ હાર્યો હોય તેની રકમ જમા લેવામાં આવતી હતી અને જે જીત્યો હોય તેને નાણાંની ચૂકવણી પણ આ 55 એકાઉન્ટમાંથી કરવામાં આવતી. નાણાં ચૂકવવા માટે વોટ્સએપથી લીંક ઉપરાંત આઇ.ડી. નંબર, બેન્કનો IFS કોડ અને રકમની વિગતો મોકલવામાં આવતી હતી. સુરતમાં બનેલાં એકાઉન્ટમાં એક લાખ કરતાં વધુ રકમ જમા થાય તે સાથે જ સૂત્રધારોના સ્ટોરેજ એકાઉન્ટમાં જમા થઇ જતી જે નાણાં વિદેશમાં બેસેલાં ગઠિયાઓ ઉપાડી લેતા.