ગુજરાતના મોટા શહેરોમાં વેક્સિનેશન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. હવે શહેરોમાં જાહેર સ્થળો, પર્યટન સ્થળો, બાગ બગીચા, હોટેલ રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીઓમાં આવનારા લોકોને વેક્સિનનના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે. સરકારે નવરાત્રિમાં ગરબા રમવા માટે પણ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ ફરજિયાત કર્યું છે. પરંતુ રાજકીય કાર્યક્રમોમાં વેક્સિનેશનના સર્ટિફિકેટને કેમ ફરજિયાત કરવામાં નથી આવ્યું. શું સરકારની આ SOP માત્ર સામાન્ય નાગરીકો માટે જ છે? રાજકીય પક્ષોના કાર્યકરોને સરકારની આ SOP લાગુ નથી પડતી? આવા સવાલો લોકોમાં ચર્ચાસ્થાને છે.
વેક્સિન સર્ટિફિકેટ રાજકીય કાર્યક્રમોમાં કેમ ફરજીયાત નથી
સરકારે નાગરીકોને ફરજિયાત રસી લેવા માટે અપીલ કરી છે અને જાહેર સ્થળો, પર્યટન સ્થળો, બાગ બગીચા, હોટેલ રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીઓમાં જતા લોકો પાસે વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ પણ નાગરીકો પાસે માંગવામાં આવે છે. જો આ સર્ટિ હોય તો જ તેમને પ્રવેશ મળે છે અને સર્ટિ ના હોય તો તેમને પ્રવેશ મળતો નથી. પરંતુ ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીનું આવતી કાલે મતદાન યોજાવાનું છે. આ મતદાન પહેલાં થયેલા પ્રચારમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સરેઆમ ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવ્યા હતાં. પોલીસ પણ ત્યાં મુકપ્રેક્ષક બનીને ઉભી હતી. પરંતુ એક પણ વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરી નહોતી.
સામાન્ય વેપારીને દંડ પણ રાજકારણીઓને નહીં
જો એક નાનો વેપારી પોતાની દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ ના જાળવે તો તંત્ર તેને મોટી રકમનો મેટો ફટકારીને જાહેરનામા ભંગનો કેસ કરે છે. રોડ પર ફરતો એક સામાન્ય માણસ જો માસ્ક સહેજ નાકની નીચે પહેરે તો પણ તેને દંડવામાં આવે છે. પરંતુ રાજકીય રેલીઓમાં ઉમટી પડતા સેંકડો લોકો વારંવાર નિયમોના ભંગ કરે તો તેમની વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. ગઈ કાલે ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર કરવામાં તમામ નિયમો નેવે મુકી દીધાં હતાં.
ભાજપના 20 કિ.મીના રોડ શોમાં સરેઆમ નિયમોનો ઉલાળીયો
ભાજપે ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં પેથાપુરથી કુડાસણ સુધી 20 કિમી લાંબા રોડ શોમાં CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ જોડાયા હતાં. રાજ્યમાં ભાજપની સરકાર છે અને ભાજપના જ મુખ્યમંત્રીની હાજરીમાં કોરોનાની ગાઈડલાઈનના તમામ નિયમોનું છેડેચોક ઉલ્લંગન થયું હતું. 20 કિલો મીટર લાંબા રોડ શોમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ નહોતુ, કોઈ કાર્યકરે માસ્ક પણ નહોતો પહેર્યો તે છતાંય તંત્ર અને પોલીસે આ કાર્યકરો સામે કોઈ કાર્યવાહી કરી નથી.
ગાંધીનગરમાં ‘આપે’ ડાયરો યોજી ભીડ એકઠી કરી
બીજી તરફ એક સપ્તાહ પહેલાં ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય ડાયરો યોજીને ભીડ એકઠી કરી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક વિના જ એકઠી થયેલી ભીડ આમ આદમી પાર્ટીના વિજય સુંવાળાનાં ગીતો પર ઝુમી રહ્યા હતા. કહેવાય છે કે, મોટાભાગે રાજકોટ-સુરતથી ગાંધીનગરમાં પ્રચાર માટે આવેલા આમ આદમી પાર્ટીના જ કાર્યકરોએ કોરોના ગાઈડ લાઈનનાં ધજાગરા ઉડાવી ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપવામાં કોઈ કસર બાકી રાખી નથી. બસ આજ રીતે કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચારમાં કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કર્યું નથી.
રાજકારણીઓ જ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યાં છે
કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે ખાટલા ખૂટી પડ્યા હતાં. ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ નામના ઈન્જેક્શનની અછતના કારણે કાળા બજારી શરૂ થઈ હતી. એટલી હદે દર્દીઓના મોત થતાં હતાં કે સ્મશાનમાં લાકડા પણ ખૂટી પડ્યા હતા. ઘરે ઘરે કોરોનાએ પગ પેસારો કરતા અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા. તે છતાંય સામાન્ય લોકોને નિયમોનું પાલન કરવાની સલાહ આપતા રાજકારણીઓ જાતે કેમ સમજતા નથી.
બીજી લહેર સમાપ્ત થઈ છે અને ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. ત્યારે રાજકીય કાર્યક્રમોમાં જ કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. તંત્ર પણ આ રાજકીય કાર્યક્રમો સામે વામણું પુરવાર થયું છે. ત્યારે સવાલ માત્ર એટલો જ છે કે શું સરકારે તૈયાર કરેલી કોરોનાની આ SOP માત્ર સામાન્ય નાગરીકો માટે જ છે? રાજકીય પક્ષોના કાર્યકરોને સરકારની આ SOP લાગુ નથી પડતી?