ગુજરાત સહિત દેશભરના કેટલાંય રાજ્યોમાં કોરોના ફરીથી ડરાવી રહ્યો છે. કોરોના વાયરસના લીધે મોત થયાના સમાચાર સામે આવતા સામાન્ય પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણાના જોટાણામાં ત્રણ વર્ષના બાળકનું કોરોનાથી મોત થયું છે. કોરોનાથી મોતના લીધે પરિવારમાં માતમનો માહોલ સર્જાયો છે. હજી આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં મહેસાણામાં વધુ એક યુવતી H3N2 પોઝિટિવ આવી છે.
વડોદરામાં શંકાસ્પદ કોરોના અને ફ્લૂથી પ્રૌઢનું મોત
વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોના અને ફ્લુથી પ્રૌઢ દર્દીનું મોત થયું છે. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દીનું મોત થતા ફરી એક વખત શહેરનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા 55 વર્ષીય પ્રોઢનું માત્ર ત્રણ કલાકમાં મોત નીપજ્યું છે. પ્રૌઢને કોરોના હતો કે ફ્લુ હતો તે અંગે નિદાન થઈ શક્યું નથી. હાલ મૃતકના સેમ્પલોને ટેસ્ટિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે.
6 રાજ્યોને એલર્ટ કરાયા
કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે લોકોમાં ફરી એકવાર ગભરાટ વધી ગયો છે. ચાર મહિના પછી એક જ દિવસમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાતા ફફડાટ વધ્યો છે. હકીકતમાં, છેલ્લા કેટલાક અઠવાડિયામાં, કોવિડ -19 સંબંધિત કેસોની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે દેશમાં H3N2 વાયરસના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ અને કેરળમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તપાસ, દેખરેખ અને નિવારણ માટેના પગલાં અંગે સૂચનાઓ જારી કરવામાં આવી છે.
Source : Sandesh