OPDમાં એક દિવસમાં 500 બાળકો સહિત 3 હજાર દર્દી નોંધાયા
ચિકનગુનિયાના દર્દીઓ ઘટયા પણ ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં ઓપીડીમાં ત્રણ હજાર કરતાં વધુ દર્દી નોંધાયા છે, જે પૈકી 500 જેટલા બાળકો સામેલ છે. સિવિલમાં બે મહિના ને એક સપ્તાહ જેટલા અરસામાં ડેન્ગ્યૂના 680 જેટલા કેસ નોંધાયા છે, જે પૈકી સપ્ટેમ્બરના 296 અને ઓક્ટોબરમાં 327 જ્યારે નવેમ્બર મહિનાની શરૂઆતમાં 57 જેટલા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ સવા બે મહિનાના અરસામાં 299 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયા છે.
સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે કે, હોસ્પિટલમાં સપ્ટેમ્બર મહિનામાં ચિકનગુનિયાના 108, ઓક્ટોબરમાં 168 અને નવેમ્બરના પહેલાં સપ્તાહમાં 23 જેટલા કેસ નોંધાયા છે, ઓક્ટોબર મહિનાની સરખામણીએ અત્યારે ચિકનગુનિયાના કેસમાં ઘટાડો નોંધાયો છે, બીજી તરફ ડેન્ગ્યૂના કેસમાં કોઈ ખાસ ઘટાડો દેખાતો નથી. સિવિલમાં સવા બે મહિનામાં મેલેરિયાના 101 કેસ નોંધાયા છે, જે પૈકી સપ્ટેમ્બરમાં 58 કેસ, ઓક્ટોબરમાં 36 અને નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સાત કેસ નોંધાયા છે. એકંદરે ડેન્ગ્યૂના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હોવાનું તબીબોનું કહેવું છે.
રોગચાળામાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરની 30 જેટલી ખાનગી હોસ્પિટલોમાં 55 જેટલા દર્દીઓનાં મોત થયાં છે. ખાનગી હોસ્પિટલોમાં પહેલી વાર ચિકનગુનિયાના કેસમાં ફેફસાંને લગતી સમસ્યાના કેસ સામે આવ્યા હતા. શહેરની 30 જેટલી ખાનગી હોસ્પિટલોમાં સપ્તાહે 600 જેટલા રોગચાળાના કેસ આવી રહ્યા છે.