થિયેટરમાં સિંઘમ જ્યારે જયકાંત સિકરે અને તેના ગુંડાઓની ધોલાઈ કરે ત્યારે સીટી વાગે, તાળીઓ પડે. આ સમયે બધાને કડક પોલીસ ઓફિસર પર ગર્વ થાય, પણ આજે વાત કરવી છે સિંઘમથી પણ સવાયા બાહોશ પોલીસ ઓફિસરની, જેમણે પંજાબ રાજ્યને ખૂનખાર આતંકવાદીઓથી મુક્તિ અપાવી. આજે 29 ડિસેમ્બરે તેમના જન્મદિવસે તેમને એટલે યાદ કરવા જોઈએ. એ જરૂરી એટલા માટે છે કે પોલીસમાં ભરતી થઈને દેશ માટે ફરજ બજાવવા માગતા આજના યુવાનો એ શીખે કે IPS ઓફિસર તરીકે કામ કેવી રીતે થઈ શકે. આ વાત છે 'સુપર કોપ' કેપીએસ ગિલની.
બહુમુખી પ્રતિભા હતા કેપીએસ ગિલ
IPS ઓફિસર તરીકે કેપીએસ ગિલે દેશભરમાં નામના મેળવી. 1988માં અમૃતસરમાં થયેલા ઓપરેશન બ્લેક થંડર પછી એ 'સુપર કોપ' તરીકે ઓળખાવા લાગ્યા. ગિલે પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદીઓને ખતમ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતમાં ગોધરાકાંડ પછી તોફાનો ફાટી નીકળ્યાં હતાં, પણ આ કોમી તોફાનો રોકાવાનું નામ લેતાં નહોતાં. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે ગુજરાતનાં તોફાનો રોકવા કેપીએસ ગિલને બોલાવ્યા અને તોફાનો રોકવામાં તેમને સફળતા મળી.
કેપીએસ ગિલ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ જાંબાઝ આઈપીએસ ઓફિસર તો હતા જ, સાથે-સાથે લેખક, વક્તા, સલાહકાર, ટ્રેનર, તંત્રી અને ભારતીય હોકી ફેડરેશનના સલાહકાર પણ હતા. કેપીએસ ગિલ ફોલ્ટલાઇન્સ નામનું મેગેઝિન પ્રકાશિત કરતા હતા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ (ICM) નામની સંસ્થા પણ ચલાવતા હતા. તેમણે 'ધ નાઈટ્સ ઓફ ફોલ્સહૂડ' નામનું પુસ્તક પણ લખ્યું છે.
શીખ પુત્તર ગિલે આસામ-મેઘાલય કેડર પસંદ કરી
29 ડિસેમ્બર 1934ના દિવસે પંજાબના લુધિયાણામાં કંવરપાલ સિંહ ગિલનો જન્મ. 1958માં 24 વર્ષની વયે તે ભારતીય પોલીસ સેવામાં જોડાયા. પંજાબ દા પુત્તર હોવા છતાં તેમણે આસામ-મેઘાલય કેડર પસંદ કરી. ગિલનું આ વિશે કહેવું હતું કે તેમણે સ્વતંત્ર રીતે કામ કરવા માટે આસામ-મેઘાલય કેડર પસંદ કરી હતી. જો તેમણે પોતાનું ગૃહ રાજ્ય પંજાબ પસંદ કર્યું હોત તો રાજકીય દખલગીરીને કારણે સ્વતંત્ર રીતે કામ કરવું શક્ય ન બન્યું હોત. રસપ્રદ વાત એ છે કે આસામમાં તેમની એક દાયકા લાંબી સેવા દરમિયાન ગિલ કોઈપણ એન્કાઉન્ટરનો ભાગ નહોતા.
આસામના કામરૂપ જિલ્લામાં તેમની કઠોર નીતિઓને કારણે કેપીએસ ગિલને 'કામરૂપ પોલીસ અધીક્ષક ગિલ' કહેવામાં આવતા.
પંજાબમાંથી આતંકવાદ ખતમ કર્યો
1985માં જ્યારે તેઓ આસામથી પંજાબ પરત આવ્યા ત્યારે રાજ્યમાં આતંકવાદ ચરમસીમા પર હતો. પંજાબ રાજ્યના પોલીસવડા તરીકે તેમના શીરે મોટી જવાબદારી આવી. અહીં તેમનાં લગભગ 10 વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓ આતંકવાદ સામે લડતા રહ્યા. ગિલ સાથે કામ કરનાર આઈજી એ.કે.પાંડેએ કહ્યું હતું કે ડીજીપી કેપીએસ ગિલે અનેક ઓપરેશન હાથ ધર્યાં હતાં, જેમાં 1992-93માં ઓપરેશન નાઈટ ડોમેનલ, 1988માં ઓપરેશન બ્લેક થંડર અને 1994માં ઓપરેશન એન્ટી હાઈજેકિંગનો સમાવેશ થાય છે. આ ત્રણ ઓપરેશન દરમિયાન તેમણે અદ્ભુત કામ કર્યું.
તેમને પંજાબમાંથી ખાલિસ્તાની ચળવળને ખતમ કરવાનું શ્રેય આપવામાં આવે છે.
શું હતું ઓપરેશન બ્લેક થંડર
80ના દાયકામાં પંજાબ આતંકવાદની આગમાં સળગી રહ્યું હતું. ખાલિસ્તાનની માગ પુરજોશમાં હતી અને એની આડમાં આતંકની ખુલ્લી રમત રમાતી હતી. ધાર્મિક સ્થળોએ આશરો લેવાની પ્રથા પણ જોરમાં હતી. 1984ના ઓપરેશન બ્લૂ સ્ટારને કારણે પંજાબ વગોવાઈ ગયું હતું, કારણ કે એ વખતે મીડિયાને દૂર રાખવામાં આવતાં ઘણી અફવા ફેલાઈ હતી.
1988ના મે મહિનામાં અમૃતસરના સુવર્ણ મંદિરમાં આતંકવાદીઓ મોટી સંખ્યામાં ઘૂસી ગયા હતા. ઓપરેશન બ્લેક થંડરમાં લગભગ 67 આતંકીએ આત્મસમર્પણ કર્યું અને 43 માર્યા ગયા. 9 મે 1988ના રોજ શરૂ થયેલું આ ઓપરેશન 18 મે 1988 સુધી ચાલ્યું હતું. ખાસ વાત એ છે કે સુરક્ષાદળોમાંથી એકપણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. એકપણ નાગરિકનું મૃત્યુ થયું નહોતું. આ ઓપરેશન એ બાબતમાં પણ અનોખું હતું કે ગિલ દ્વારા મીડિયાને સતત સાથે રહેવાની છૂટ આપવામાં આવી હતી. તેથી જ અફવાઓનું બજાર પણ ગરમ થઈ શક્યું નહીં. 1989માં કેપીએસ ગિલને સિવિલ સર્વિસમાં તેમના યોગદાન માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદીએ ગિલને ગુજરાત બોલાવ્યા હતા
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તેને બહુ સમય થયો નહોતો અને ગોધરા પાસે કારસેવકો ભરેલી ટ્રેન સળગાવી દેવામાં આવી. આ ઘટના પછી ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. આ રમખાણો કાબૂમાં લેવાનો પ્રયાસ થયો, પણ ન આવ્યો. એ સમયે પડોશી રાજ્યોએ પણ ગુજરાતને મદદ કરી નહોતી. 2002નાં રમખાણો દરમિયાન ગિલ મોદીના સલાહકાર હતા. તેમણે તાકીદે પંજાબ અને બીજાં રાજ્યોમાંથી પોલીસ ફોર્સની વ્યવસ્થા કરાવી અને ગુજરાતનાં તોફાનો પર કાબૂમાં લેવા સફળતા મળી.
કેપીએસ ગિલની બાયોગ્રાફી-'કેપીએસ ગિલઃ ધ પેરામાઉન્ટ કોપ'નું જ્યારે વિમોચન થયું ત્યારે કેપીએસ ગિલે એ સમયે કહેલું, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કામ કરવાનું પોલીસ નેતૃત્વનું કામ છે, રાજકીય નેતૃત્વનું નહીં.
ગિલની સલાહ શ્રીલંકાએ પણ લીધી હતી
2006માં છત્તીસગઢ સરકારે નક્સલવાદીઓ સામે કામ કરવા માટે સુરક્ષા સલાહકાર તરીકે ગિલ પાસે મદદ માગી. 2007માં નક્સલી હુમલામાં 55 પોલીસ જવાનો શહીદ થયા હતા. આ અંગે ગિલે કહ્યું હતું કે આ મામલો પોલીસ દળમાં રહેલી ખામીઓને કારણે છે. સરકારની નીતિઓ આદિવાસી વિસ્તાર છોડવાની હતી અને એને કારણે નક્સલવાદીઓને પોતાનો ગઢ બનાવવાની તક મળી. તેમણે કહ્યું હતું કે નક્સલવાદીઓને ખતમ કરવામાં સમય લાગશે, પરંતુ જીતી શકાય છે.
એલટીટીઈ ચળવળ દરમિયાન શ્રીલંકાની સરકારે ગિલની સલાહ પણ લીધી હતી. ભારતીય પોલીસ ઓફિસરની સલાહ કોઈ બીજા દેશે લીધી હોય એવું પહેલીવાર બન્યું હતું.
હોકી ફેડરેશનના અધ્યક્ષ તરીકે વિવાદમાં રહ્યા હતા
કંવરપાલ સિંહ ગિલ ભારતીય હોકી ફેડરેશનના અધ્યક્ષ બન્યા ત્યારથી તેઓ વિવાદમાં રહ્યા હતા. તેમના વલણને 'તાનાશાહી' ગણવામાં આવતું હતું. માર્ચ 2008માં ભારતીય હોકી ટીમ 1928 પછી પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી શકી ન હતી. ભારતીય હોકી ફેડરેશનના 11 ઉપ-પ્રમુખોમાંથી એક નરેન્દ્ર બત્રાએ તેને નિષ્ફળતા ગણાવીને તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. બત્રાએ હોકી ટીમની નિષ્ફળતા માટે ગિલના તાનાશાહી વલણને જવાબદાર ઠેરવ્યું અને ભારતીય હોકી ફેડરેશનના તમામ સભ્યોને રાજીનામું આપવા કહ્યું. ગિલે આ લોકોને 'દુઃખી વ્યવસાયકારો' ગણાવ્યા અને કહ્યું હતું કે મારી પાસે કોઈ કોફી મશીન નથી કે સ્વિચ દાબો ને પરિણામ મળે.