જો તમારી પાસે હ્યુન્ડાઈ અને કિઆની ગાડીઓ હોય તો તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. સાઉથ કોરિયાની આ ઓટો કંપનીઓએ અમેરિકામાં લગભગ 5 લાખ કાર અને SUV માલિકોને ઘરની બહાર પાર્ક કરવાની સલાહ આપી છે. એનું કારણ એ છે કે આ ગાડીઓમાં આગ લાગવાની સંભાવના છે. પાર્ક કરેલી ગાડીમાં પણ આગ લાગી શકે છે. એક રિપોર્ટ અનુસાર, હ્યુન્ડાઈ અને કિઆ અમેરિકામાં એની ઘણી ગાડીઓ રિકોલ કરી રહી છે. તેમનું કહેવું છે કે આ ગાડીઓમાં કેટલીક ટેક્નિકલ ખામીને કારણે એન્ટીલોક બ્રેક કોમ્પ્યુટર કંટ્રોલ મોડ્યુલ શોર્ટસર્કિટ થઈ શકે છે અને એન્જિનમાં આગ લાગી શકે છે. કાર ઊભી હોય ત્યારે પણ આવું થઈ શકે છે. આ જ કારણ છે કે આ કંપનીઓએ ગ્રાહકોને તેમની ગાડીને ઘરની બહાર પાર્ક કરવા જણાવ્યું છે.
અત્યારસુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી
રિકોલમાં 2014-2016 કિઆ સ્પોર્ટેજ, 2016-2018 કિઆના 900 અને 2016-2018 હ્યુન્ડાઈ સાન્તા ગાડીઓ સામેલ છે. એમાં 1,26,747 કિઆની ગાડી અને 3,57,830 હ્યુન્ડાઈની ગાડીનો સમાવેશ થાય છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એને કારણે આગની કુલ 11 ઘટના બની છે.
નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને (NHTSA) વાહનમાલિકોને આ ઓટોમોબાઇલ કંપનીઓની સલાહ અનુસરવા કહે છે. NHTSAએ કહ્યું હતું કે જેમ-જેમ તમે આગળ વધશો તેમ આગનું જોખમ વધી શકે છે, તેથી ગાડીઓ બંધ હોવા છતાં એને લોકોથી દૂર પાર્ક કરવી પડે છે.
કંપની ગાડીઓ રિપેર કરી રહી છે
ડીલર્સ આ ગાડીઓના એન્ટિ-ક્લોક બ્રેકિંગ કંટ્રોલ મોડ્યુલ તપાસશે અને જો ખામી દેખાશે તો એને નવું નાખશે તેમજ તેમના ફ્યુઝ પણ બદલવામાં આવશે. આ માટે કોઈ પૈસા લેવામાં આવશે નહીં. હ્યુન્ડાઈ અને કિઆ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. હ્યુન્ડાઈની પેરન્ટ કંપની હ્યુન્ડાઈ મોટર ગ્રુપ કિઆમાં કન્ટ્રોલિંગ હિસ્સો ધરાવે છે. બંને કંપનીનાં ઘણાં મોડેલ સમાન એન્જિનિયરિંગ ધરાવે છે.
કિઆ અને હ્યુન્ડાઈએ ટ્વિટર પોસ્ટ પર સ્પષ્ટતા કરી
સાઉથ કોરિયાના વિદેશમંત્રી ચુંગ યુઈ યાંગે મંગળવારે વિદે��મંત્રી એસ. જયશંકરને ફોન કર્યો અને હ્યુન્ડાઈ પાકિસ્તાનના કાશ્મીર ટ્વીટ પર ખેદ વ્યક્ત કર્યો છે. ભારતે પાકિસ્તાનની હ્યુન્ડાઈ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. આ બંને સાઉથ કોરિયાની કંપનીઓ છે. આ માટે કિઆ અને હ્યુન્ડાઈએ પણ માફી માગી છે.
હ્યુન્ડાઈ કંપનીના પાકિસ્તાની ડીલર હ્યુન્ડાઈ પાકિસ્તાનીએ ટ્વીટમાં કાશ્મીરના અલગતાવાદીઓને સમર્થન આપ્યું હતું. કંઇક આવું જ ટ્વીટ કિઆ મોટર્સ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યું હતું. જોકે ત્યાર બાદ હ્યુન્ડાઇ ઇન્ડિયા દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત કંપનીનું બીજું ઘર છે. કંપની આવી વિચારધારાને સમર્થન આપતી નથી.