પાકિસ્તાન તરફથી ઈરાન પર કરવામાં આવેલ કાર્યવાહી પર ઈરાને પ્રતિક્રિયા આપી છે. ઈરાનના સરકારી મીડિયાના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ઈરાને પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ હુમલાની આકરી ટીકા કરી છે. સાથે જ પાકિસ્તાન પાસે તુરંત સ્પષ્ટીકરણ આપવા કહ્યું છે.
ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. પાકિસ્તાને આજે એટલે કે ગુરુવારે સવારે ઈરાનમાં છુપાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન 'માર્ગ બાર સરમાચર' શરૂ કરીને બદલો લીધો હતો. પાકિસ્તાનનો દાવો છે કે તેણે આ ઓપરેશનમાં ઘણા આતંકીઓને ઠાર કર્યા છે.
‘જેવા સાથે તેવા’ સિદ્ધાંત પર બંને દેશો એક બીજા પર પલટવાર કરી રહ્યા છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી સંઘર્ષ જોવા મળ્યો છે.
રાષ્ટ્ર હિત માટે જવાબી કાર્યવાહીઃ પાકિસ્તાન
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેણે ઈરાનમાં વધી રહેલા આતંકીઓને લઈને ઈરાન સાથે ઘણી વખત વાત કરી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઈરાનમાં ઉછરી રહેલા પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે આતંકવાદી ગતિવિધિઓ કરવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ અમે આ કાર્યવાહી કરી છે. તમામ જોખમોને ધ્યાનમાં રાખીને આપણી રાષ્ટ્રીય સુરક્ષાને બચાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઈરાને કર્યો હતો હવાઈ હુમલો
ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ઈરાને મંગળવારે કુહે સબજ વિસ્તારમાં હાજર જૈશ ઉલ-અદલ આતંકવાદી જૂથના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ ટાર્ગેટ્સને મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરીને નષ્ટ કરવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠન જૈશ ઉલ-અદલને આર્મી ઓફ જસ્ટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2012માં સ્થપાયેલ આ સંગઠન એક સુન્ની આતંકવાદી જૂથ છે, જે મોટાભાગે પાકિસ્તાનથી સંચાલિત થાય છે.
પાકિસ્તાને આપી હતી ચેતવણી
પાકિસ્તાને એક નિવેદન જાહેર કરીને ઈરાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા અંગે ઈરાનને ચેતવણી આપી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે બંને દેશો વચ્ચે વાતચીતના માધ્યમો હોવા છતાં ઈરાને આ કાર્યવાહી કરી છે. ઈરાને પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. પાકિસ્તાને ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી સમક્ષ પણ આકરો વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાને કહ્યું હતું કે આવા એકપક્ષીય પગલાં સારા પડોશી સંબંધો સાથે સુસંગત નથી. આવી ક્રિયાઓ દ્વિપક્ષીય સંબંધો અને વિશ્વાસને ગંભીરપણે નબળી પાડી શકે છે.