અમેરિકામાં કોરોનાવાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. Omicron ના પ્રથમ કેસના એક મહિનાની અંદર આ વેરિઅન્ટ વિશ્વના 100થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. ઓમિક્રોનના લીધે કેટલાક દેશોમાં બાળકોને દાખલ કરવાનો દર પણ વધી ગયો છે.
ન્યૂયોર્ક સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થે એક નિવેદનમાં કહ્યું કે કોવિડ-19 સાથે સંકળાયેલ બાળરોગની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં નવા દર્દીઓ દાખલ થયા છે. ન્યુયોર્ક સિટીમાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાનો દર ચાર ગણો વધી ગયો છે. આમાંથી અડધા બાળકો પાંચ વર્ષથી ઓછી ઉંમરના છે. આ વય જૂથના દર્દીઓ હજુ પણ રસી માટે અયોગ્ય છે.
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર છેલ્લા સાત દિવસમાં યુ.એસ.માં દરરોજ સરેરાશ 190,000 નવા કેસ સામે આવી રહ્યા છે. તો અમેરિકાના ટેક્સાસથી બાળકોને ઓમિક્રોનથી ચેપ લાગ્યો હોવાના અહેવાલો છે. યુએસ મીડિયા અનુસાર ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના કો-ચેરમેન ડો.જિમ વર્સાલોવિક કહે છે કે તેમની હોસ્પિટલમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોના દાખલ થવાનો દર છેલ્લા એક સપ્તાહ દરમિયાન બમણો થઈ ગયો છે.
હોસ્પિટલમાં દાખલ મોટાભાગના બાળકોના માતા-પિતા વેક્સીન વગરના
ડોકટરોએ શોધી કાઢ્યું કે ઓમિક્રોન ફેલાયા બાદ અમેરિકામાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ વધી ગયું છે. ડોકટરોએ શોધી કાઢ્યું કે હોસ્પિટલમાં દાખલ બાળકોમાં એક સામાન્ય બાબત એ છે કે મોટાભાગના બાળકોના માતા-પિતા રસી વગરના હતા.
ઓસ્ટ્રેલિયામાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ, 80 વર્ષીય સંક્રમિતનું સારવાર દરમિયાન મોત
ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રથમ મોત થયું છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં એક 80 વર્ષના ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. તેઓ ફુલી વેક્સીનેટેડ હતા પરંતુ તે ઉંમર સાથે જોડાયેલી બીમારીઓથી ઝઝૂમી રહ્યા હતા. ન્યૂ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય છે. સોમવારે અહીં 6,000થી વધુ કોરોના કેસ જોવા મળ્યા હતા. હાલમાં 524 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 55ની હાલત ગંભીર છે.
યુનિસેફના જણાવ્યા અનુસાર ભારત સહિત વિશ્વના 82 દેશોમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા કુલ 34 લાખ મૃત્યુમાંથી માત્ર 0.4 ટકા (લગભગ 12 હજાર) બાળકોના છે. આ આંકડામાં કિશોરો અને 20 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે. આ 12 હજાર મોતમાંથી 58 ટકા મૃત્યુ 10-19 વર્ષની વયજૂથમાં થયા છે. તો 12 હજાર મોતમાંથી 42 ટકા મૃત્યુ 0-9 વર્ષની વય જૂથમાં થયા છે. 22 ડિસેમ્બર સુધી વિશ્વમાં કોવિડના 27 કરોડથી વધુ કેસ હતા અને 53 લાખથી વધુ લોકોના મોત થયા હતા.