સાબર ડેરી અને બેન્કના પૂર્વ ચેરમેન મહેશ પટેલ નારણપુરામાં આવેલી સર્વોદય બેંકમાં સામાન્ય સભામાં હાજરી આપવા આવ્યા હતા ત્યારે અગાઉ તેમની વિરૂદ્ધમાં દુષ્કર્મ વીથ પોક્સોની ફરિયાદ નોંધાવનાર મહિલાએ મહેશ પટેલને પકડીને બેન્ક કેમ્પસમાં પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ ક્યા છે તેમ પૂછયુ હતુ.
જો કે, મહેશ પટેલે હસી કાઢતા મહિલા ઉશ્કેરાઇ જઇને તેમની ફેંટ પકડીને લાફો ઝીંકી દિદ્યો હતો. મહેશ પટેલ મહિલાના મારથી બચવા માટે બેન્કમાં દોડી ગયા હતા. આ સમગ્ર મામલો નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ અંગે નવરંગપુરા પીઆઇ એ.એ.દેસાઇએ જણાવ્યુ કે, મહેશ પટેલ અને એક મહિલાને અંદરોઅંદર ઝઘડો થયાનો કંટ્રોલ મેસેજ આવ્યા બાદ બન્ને પોલીસ સ્ટેશન આવ્યા હતા. પોલીસે બન્નેની વાત સાંભળીને ફરિયાદ કરવાનું કહ્યુ હતુ. જો કે, મહિલા અને મહેશ અમિચંદભાઇ પટેલે અંદરોઅંદર સમાધાન કરી લેતા અંતે ફરિયાદ નોંધાઇ નથી.
પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા બેન્ક અને ડેરીના પૂર્વ ચેરમેન મહેશ પટેલ વિરૂદ્ધ રાજસ્થાનમાં દુષ્કર્મ વીથ પોક્સોની ફરિયાદ અગાઉ અમદાવાદની એક મહિલાએ નોંધાઇ હતી. આટલુ જ નહીં, આ મહિલા સાથે ગજેન્દ્રસિંહ પરમારે ભાજપમાં ઉચ્ચ હોદ્દો અપાવવાનું તેમજ લગ્ન કરવાની વાત કરીને અનેક વખત દુષ્કર્મ આચર્યા હોવાના અનેક આક્ષેપો અગાઉ થયા હતા. આ સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને લાંબાસમયથી ગજેન્દ્રસિંહ પરમાર ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ વચ્ચે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સર્વોદય બેન્કની સામાન્ય સભામાં શનિવારે મહેશ પટેલ હાજરી આપવા માટે આવ્યા હતા ત્યારે અચાનક જ પોક્સોની ફરિયાદ કરનારી મહિલા ત્યાં પહોંચી હતી. જ્યાં મહિલાએ બેન્કના કેમ્પસમાં મહેશ પટેલને રોકીને ગજેન્દ્રસિંહ ક્યાં છે તેવા સવાલો કર્યા હતા. જો કે, મહેશ પટેલે મહિલાની વાતને નજરઅંદાજ કરીને હસી રહ્યા હતા. આ જોઇને મહિલા ઉશ્કેરાઇ જઇને મહેશ પટેલને કેમ્પસની બહાર લઇ જવા પ્રયાસ કર્યો હતો. જો કે, મહેશ પટેલ ત્યાંથી ભાગવા જતા મહિલાએ તેમની ફેંટ પકડીને લાફો માર્યો હતો. જેના પગલે બેન્કના સિક્યુરિટી ગાર્ડ, મહિલા કર્મીઓ દોડી આવીને મહેશ પટેલને છોડાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ મામલો નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.