ગુરુવારે સવારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં મોટી ઘટના બની છે. અમદાવાદના મણિનગરમાં ઈમારતની સીડી અચાનક ધરાશાયી થઈ હતી. ફાયર વિભાગની 5 ગાડીઓ સવારમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ક્યાં બની ઘટના
મણિનગરના ઉત્તમ નગર સ્લમ ક્વાર્ટરમાં સવારના સમયે ઈમારત ધરાશાયી થઈ ગતી જેના કારણે રેસ્ક્યૂ ટીમો પણ અહીં પહોંચી ગઈ હતી, ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી હતી. જો કે સદનસીબે અહીં કોઈ જાનહાનિ થયાનું સામે આવ્યું નથી. ફાયર વિભાગની ટીમ લોકોને બહાર કાઢીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી રહી છે. જો કે ઘટના કયા કારણોસર ઘટી છે તેની કોઈ જાણકારી સામે આવી નથી.
70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરનો સ્લેબ ધરાશાયી
અમદાવાદના મણિનગરમાં ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા 70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરમાં ગુરુવારની સવાર મુસીબત બનીને આવી હતી. બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલી સવારે ધરાશાઇ થયો હતો. ઉત્તમ નગર ક્વાટર્સમાં કુલ 8 બ્લોક છે અને તેમાં 256 મકાનો છે. આ મકાનોમાં અંદાજે 1500 જેટલા લોકો રહે છે. સવારે સાત વાગ્યાની આસપાસ ચોથા માળની બાલ્કનીનો ભાગ ત્રીજા માળની બાલ્કની ઉપર પડતા બંન્ને મકાનને નુકસાન થયું હતું. મળતી માહિતી અનુસાર ફાયર વિભાગે 6 બાળકો સહિત કુલ 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ભયના નેજા હેઠળ જીવતા સ્થાનિકોએ કર્યા આક્ષેપ
અહીંના સ્થાનિકોનું કહેવું છે કે જર્જરીત ઇમારતોને નોટિસ નહિ પરંતુ તોડી પાડવાની જરૃર છે. સાથે સ્થાનિકોએ તંત્રએ કોઈ નોટિસ આપી નહીં હોવાના આક્ષેપ કર્યા છે. હાલમાં દરિયાપુરમાં થયેલી દુર્ઘટના બાદ ફરી તેવી જ ઘટનાનું પુનરાવર્તન થયું છે. આ સમયે એ સવાલ થાય કે દુર્ઘટનાના પુનરાવર્તન અટકાવશે કોણ.