ચીન સાથે લદાખ સહિત અનેક મોરચે તંગદિલી સર્જાયેલી છે, ત્યારે શકમંદ ચાઈનીઝ હેકર્સ દ્વારા લદાખ પાવરગ્રીડને ટાર્ગેટ બનાવીને ગુપ્ત માહિતી એકઠી કરવામાં આવી હોવાના સનસનાટીભર્યા અહેવાલો પ્રકાશમાં આવ્યા છે.
ચીન ભારતના પાવરગ્રીડને હેક કરીને ભારતમાં અંધકાર ફેલાવવાની મેલી મુરાદ ધરાવે છે. તેનો ઈરાદો ભારતના પાવર સેક્ટરને ટાર્ગેટ કરવાનો છે. ચીનના હેકર્સ દ્વારા તાજેતરમાં સાઈબર જાસૂસી અભિયાન ચલાવાયું હતું. જેમાં ભારતના વીજળી ક્ષેત્રને ટાર્ગેટ કરાયું હોવાનું થ્રેટ ઈન્ટેલિજન્સ કંપની રેકોર્ડેડ ફ્યૂચર ઈન્કો. દ્વારા એક અહેવાલમાં જણાવાયું છે. આ કંપની પ્રાઈવેટ જાસૂસી કંપની છે, જે અમેરિકામાં મેસેચ્યુસેટ્સ ખાતે ઓફિસ ધરાવે છે. તેણે કહ્યું હતું કે, હેકર્સ દ્વારા ઉત્તર ભારતમાં 7 લૉડ ડીસ્પેચ સેન્ટર પર સાઈબર એટેક કરાયા હતા.
ભારતની સિસ્ટમ ફુલપ્રૂફ અને સુરક્ષિત હોવાનો દાવો
કેન્દ્રના વીજળીપ્રધાન આર કે સિંહે સ્વીકાર્યું હતું કે, ચીની હેકર્સ દ્વારા 2 વખત સાઈબર એટેકનો પ્રયાસ કરાયો હતો. જો કે તેમણે ભારતની સિસ્ટમ ફુલપ્રૂફ અને સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો.
સાઈબર એટેક ગત વર્ષે ઓગસ્ટથી માર્ચ વચ્ચે થયા હતા. તપાસમાં જણાયું હતું કે, ભારતના લૉડ ડીસ્પેચ સેન્ટર્સની ગુપ્ત માહિતીના ડેટા વિશ્વભરમાં ચીનના સરકારી કમાન્ડ અને કંટ્રોલ સર્વર્સને મોકલવામાં આવતા હતા. ચીનના હેકર્સે પાવરગ્રીડ ઉપરાંત ભારતની ઈમરજન્સી સિસ્ટમ પર પણ હુમલા કર્યા હતા. આ મામલે ભારત સરકારને એલર્ટ કરાઈ હતી.
એક લૉડ સેન્ટરને અગાઉ પણ ટાર્ગેટ બનાવાયું હતું
હેકર્સનો ભોગ બનેલું આ લૉડ ડીસ્પેચ સેન્ટર લદાખમાં ગ્રીડ કંટ્રોલ અને વીજળી પહોંચાડે છે. આ લૉડ સેન્ટરો પૈકી એક પર અગાઉ હેકિંગ ગ્રૂપ રેડઈકો દ્વારા સાઈબર એટેક કરાયો હતો. રેકોર્ડેડ ફ્યૂચરના રિપોર્ટમાં કહેવાયું છે કે, આ હેકિંગ ગ્રૂપે જ અમેરિકાને ચીનની સરકાર સાથે જોડયું હતું.
TAG-38 નામનાં હેકિંગ ગ્રૂપ દ્વારા શેડોપેડ નામનાં ખતરનાક સોફ્ટવેરનો ઉપયોગ
રેકોર્ડેડ ફ્યૂચર દ્વારા TAG-38 નામનાં હેકિંગ ગ્રૂપ દ્વારા શેડોપેડ નામનાં એક ખતરનાક સોફ્ટવેરનો ઉપયોગ કરીને પાવરગ્રીડ હેક કરાયું હતું. આ ગ્રૂપ અગાઉ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી તેમજ રાજ્ય સુરક્ષા મંત્રાલય સાથે સંલગ્ન હતું. ચાઈનીઝ હેકર્સનો મુખ્ય ઉદ્દેશ લદાખમાં SLDC ને હેક કરીને અંધારપટ ફેલાવવાનો હતો. પાવરગ્રીડ ઉપરાંત એક નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અને એક મલ્ટિનેશનલ લોજિસ્ટિક્સ કંપનીની ભારતીય કંપની પર હેકર્સનો ખતરો હોવાનું જણાયું હતું. આવી ઘટનાઓ ઓગસ્ટથી માર્ચ સુધીમાં અગાઉ 8 વખત બની હોવાનું જાણવા મળે છે. આ કંપનીએ જ અગાઉ મુંબઈમાં 12 ઓક્ટોબર 2020નાં રોજ 12 કલાક માટે મુંબઈમાં બ્લેકઆઉટ કરતા અફરાતફરી મચી ગઈ હતી.