અમેરિકામાં એશિયા ગ્રૂપના સાઉથ એશિયા સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ અને પાકિસ્તાન ઇનિશિયેટિવ્ઝના ડિરેક્ટર ઉઝૈર યુનુસ તાજેતરમાં ભારતની મુલાકાત લીધા બાદ ભારતની પ્રગતિની પ્રશંસા કરતાં થાકતો નથી. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ ક્ષણ ભારતની છે તે બાબત ભારતનો દરેકેદરેક નાગરિક જાણે છે અને તેમના એટિટયૂડમાંથી આ બાબતનો ખ્યાલ આવે છે. નોંધનીય છે કે, ઉઝૈર પાકિસ્તાન મૂળનો અમેરિકન મુસ્લિમ છે, જો કે તેના વડવાઓ ગુજરાતના બગસરા અને બાંટવાના હતાં અને આઝાદી બાદ પાકિસ્તાનના કરાચીમાં શિફ્ટ થયાં હતાં. ઉઝૈરની આ તાજેતરની મુલાકાત સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહી છે. આ મુલાકાતમાં તેણે પાકિસ્તાનના દંભી વલણને ખુલ્લું પાડવા સાથે ભારતની વાસ્તવિક પ્રગતિનો આંખે દેખ્યો અહેવાલ આપે છે.
સમોસાની દુકાન પર પેટીએમથી ચુકવણીથી આર્ચય અનુભવ્યું
અમેરિકામાં હાઇ-ફાઇ લાઇફ જીવતાં ઉઝૈરને ભારતની મુલાકાત દરમિયાન એ જાણીને ભારે આર્ચય થયું હતું કે નાનકડા ગામડાના દુકાનદારો પણ ડિજિટલ પેમેન્ટ સ્વીકારે છે, તેણે જોયું હતું કે લોકો સમોસાની કે પાનની દુકાન પર ખરીદી કરીને કોઇ નાણાની ચુકવણી કર્યા વગર જતાં રહેતાં હતાં. પછી તેને જાણકારી મળી હતી કે તે લોકો પેટીએમ મારફત ડિજિટલ પેમેન્ટ કરી દેતાં હતાં અને મશિન સાથે જોડાયેલાં સ્પીકર પર નાણા મળ્યાની જાહેરાત પણ થતી હતી.
મોદી સરકારની દીર્ઘદૃષ્ટિની પ્રશંસા કરી
ઉઝૈરે ભારત સરકારની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી સરકાર આધાર કાર્ડ ધરાવતાં તમામ નાગરિકોને ઝીરો બેલેન્સ, ઝીરો કોસ્ટ ધરાવતું બેન્ક ખાતું, યુપીઆઈ આપવાનું ફરજિયાત કર્યું ત્યારે આ નિર્ણયોની ભારે ટીકા થતી હતી અને લોકો તેને સરકારના નાણાના વ્યય ગણાવતાં હતાં પણ આજે આ ખાતાઓ દ્વારા એક રૂપિયાથી લઇને હજારો રૂપિયાનું ડિજિટલ પેમેન્ટ થઇ રહ્યું છે તે એક ચમત્કાર જ છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચવાનું સરળ બન્યું છે, ભ્રષ્ટાચાર પર અંકુશ આવ્યો છે. લોકોને સરળતાથી વીમો અને અન્ય સગવડો આ ડિજિટલ પેમેન્ટ, પારદર્શિતાના કારણે મળતી થઇ ગઇ છે અને સાથે રોકડની જરૂરિયાત પણ ઝડપથી ઘટી રહી છે. ઉઝૈરે આ મુલાકાતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર લગભગ શૂન્ય ખર્ચ પર પોતાના તમામ નાગરિકોના આધાર કાઢી આપે છે અને અપડેટ કરી આપે છે.
નાનકડા ગામમાં હિન્દુઓ દરગાહની દેખભાળ કરે છે
અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં વસતા ઉઝૈરની આ મુલાકાત પાકિસ્તાનના સ્ટેન્ડ-અપ કોમેડિયન અને રાઇટર શેહઝાદ ઘીયાસ શેખ સાથેની છે જેમાં ઉઝૈર ગુજરાતના રાજકોટથી 200 કિલોમીટર દૂર આવેલાં બગસરા અને બાંટવા ગામની મુલાકાતનું વર્ણન કરે છે. આ ગામોની મુલાકાત દરમિયાન તેને થયેલાં અનુભવોનું પણ તેણે વિગતવાર વર્ણન કર્યું છે. બગસરા ગામમાં હવે એકપણ મુસ્લિમની વસ્તી ના હોવા છતાં ગામના હિન્દુઓએ કેવી રીતે દરગાહની દેખભાળ કરે છે તે પણ તેણે વીડિયોમાં દર્શાવ્યું હતું. ઉઝૈરે ભારતમાં દિલ્હીથી લઇને મુંબઈ, રાજકોટ થઇ પોતાના વડવાઓના ગામ બગસરા અને બાંટવાની મુલાકાત લીધા બાદ ગોવાની પણ મુલાકાત લીધી હતી.