પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સીએ અરબી સમુદ્રમાં જાણે પકડાપકડીનો ખેલ શરૂ કર્યો હોય તેમ સૌરાષ્ટ્રની વધુ 11 બોટ સાથે 62 માછીમારોના અપહરણ કરાયા છે. છેલ્લા 11 દિવસમાં 15 બોટ અને 90 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા છે.
બોટો અને માછીમારોના નામ હજુ સુધી જાણી શકાયા નથી
મંગળવારે પાકિસ્તાન મરીન સિકયુરિટીએ ઓખાની બે બોટ તથા 12 માછીમારોના અપહરણ કરાયા બાદ બુધવારે વધુ 11બોટ અને 62 માછીમારોના અપહરણ કરાયા છે. માછીમાર આગેવાન મનીષભાઈ લોઢારીએ જણાવ્યું છે કે, બોટો અને માછીમારોના નામ હજુ સુધી જાણી શકાયા નથી.
પાક મરીન દ્વારા સોશિયલ મીડિયા પેજમાં માહિતી અપાઈ
પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા ભારતીય જળસીમામાં ઘુસીને બોટ તથા માછીમારોના અપહરણ કરવાનો 11 દિવસમાં પાંચમો બનાવ છે. અગાઉ 29 જાન્યુઆરીએ ઓખાની તુલસીમૈયા બોટ અને 7 માછીમાર ત્યારબાદ નવસારીની સત્યવતી બોટ અને 3 માછીમાર, ચાર દિવસ પહેલાં મેરાજ અલી અને અલ અહદ બોટ અને તેમાં સવાર 13 માછીમાર તેમજ મંગળવારે 2 બોટ અને 12 માછીમારના અપહરણ બાદ છેલ્લા દસ દિવસમાં પાક મરીન દ્વારા અરબી સમુદ્રમાં કહેર મચાવીને ભારતીય બોટોના અપહરણનો સિલસિલો શરુ કર્યો છે.
તેની પાછળ પાક મરીન દ્વારા ભારતીય બોટો ઝડપી લેવા માટે અરબી સમુદ્રમાં શરૂ કરાયેલ ઓપરેશન મુસ્તૈદ જવાબદાર હોવાનું જાણકારો માની રહ્યા છે. પાક મરીન દ્વારા ઓપરેશન અંગે તેના સોશિયલ મીડિયા પેજમાં માહિતી અપાઈ છે.