દેશમાં સોમવારે કિલોગ્રામની પરિભાષા બદલાઈ ગઈ. આ સાથે એમ્પિયર, કેલ્વિન અને મોલની પણ. હવે વિદ્યાર્થીઓને સ્કૂલ-કોલેજોનાં પુસ્તકોમાં નવી પરિભાષા ભણાવવામાં આવશે. નવી પરિભાષા પ્રમાણે નેશનલ ફિઝિક્સ લેબમાં એક ગ્રામનું વજન તૈયાર કરવા કિબ્બલ ત્રાજવું તૈયાર કરાયું છે, પરંતુ એક કિલોગ્રામનો સત્તાવાર બાટ બનાવવા માટે ત્રાજવું તૈયાર કરવામાં ત્રણ વર્ષનો સમય લાગશે. આ ત્રાજવું એક મોટા ઓરડાના આકારનો હશે.
કિબ્બલ કે વોટ એક એવું ઉપકરણ છે, જે વિદ્યુત ચુંબકીય ઊર્જાના ઉપયોગથી ચોક્કસ ગણતરી દર્શાવે છે. તેનાથી હવે ભવિષ્યમાં કિલોગ્રામની પરિભાષા બદલવાની જરૂર નહીં રહે અને ના કોઈ તેને નુકસાન પહોંચાડી શકે. એક નવું એકમ આખી દુનિયામાં વિજ્ઞાનીઓને ચોક્કસ માપ ઉપલબ્ધ કરાવશે. આ પરિવર્તન પછી તોલમાપના તમામ સાત મૂળ એકમોની પરિભાષા ફન્ડામેન્ટલ કોન્સ્ટેન્ટ (પાયાનો સ્થિર અંક) પર આધારિત રહેશે.
ભારતીય સમયના અનિવાર્ય ઉપયોગ માટે સરકાર કાયદો બનાવશે
દેશમાં હવે એક જ સમય હશે. નેશનલ ફિઝિક્સ લેબ (એનપીએલ) હવે રેલવેથી લઈને બેન્કિંગ ક્ષેત્ર સુધી તમામને એક સમય ઉપલબ્ધ કરાવાશે. એનપીએલના ડિરેક્ટર ડો. દિનેશકુમાર અસવાલે કહ્યું કે, સરકારે દેશમાં દરેક હેતુ માટે ઉપયોગમાં લેનારા સમયને એનપીએલની ઘડિયાળ પ્રમાણે કરવાની યોજના બનાવી છે. એનપીએલનો સમય આંતરરાષ્ટ્રીય સમયની તુલનામાં 2.7 નેનો સેકન્ડ સુધી સટીક છે. અત્યારે દેશનો સમય આકાશવાણી અને દૂરદર્શનની મદદથી લોકો સુધી પહોંચાડાય છે. સરકારની યોજના આખા દેશમાં ફક્ત એક સમયનો ઉપયોગ કરવાની છે જે ભારતીય સમય હશે.
તેના અનિવાર્ય ઉપયોગ માટે સરકાર ટૂંક જ સમયમાં સંસદમાં બિલ લાવશે. આ મામલામાં ગ્રાહક મામલાના મંત્રાલયના અધિકારીઓમાં ચર્ચાવિમર્શ પણ ચાલી રહ્યો છે. ઈસરોએ તો પોતાના પ્રક્ષેપણોમાં પણ તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. સાઈબર સુરક્ષા માટે ડિજિટલ લેવડદેવડ સહિતના કામમાં સટીક સમય હોય એ ખૂબ જરૂરી છે. અનેક વિકસિત દેશોમાં તેનો સ્થાનિક સમય એકમાત્ર સત્તાવાર સમય હોય છે. ત્યાંના લોકો કોઈ બીજા સમયનો ઉપયોગ નથી કરતા. જ્યારે ભારતમાં સત્તાવાર સમય તો છે, પરંતુ તેને સત્તાવાર દરજ્જો નથી અપાયો.