દેશભરમાં ગુજરાત જાણે ડ્રગસ ઘૂસાડવાનું પ્રવેશદ્વાર બની ગયું હોય તેમ રોજેરોજ કરોડો રૂપિયાનું ડ્રગસ પકડાઇ રહ્યું છે. મુન્દ્રા, દ્વારકા બાદ આજે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગસ પકડાતા રાજ્ય સરકારમાં હડકંપ મચી ગયો છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે આજે પકડાયેલા ડ્રગસમાં પાકિસ્તાન કનેકશન ખૂલ્યું છે.
મળતી માહિતી પ્રમાણે મોરબીના ઝીંઝુડા ગામમાં ATS એ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કરોડો રૂપિયાનો હેરોઇન ડ્રગસનો જથ્થો ઝડપાયો છે. સાથે બે શખ્સની ધરપકડ કરાઈ છે. મોરબીના ઝિંઝુડામાંથી 120 કિલોગ્રામ ડ્રગસનો જથ્થો જપ્ત થયો હતો. જેની કિંમત અંદાજે 500 થી 600 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગસ પકડાયું છે. ATS અને મોરબી SOGએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડીને ડ્રગસનો જથ્થો પકડી પાડ્યો છે. પાકિસ્તાનથી ડ્રગસ સપ્લાય થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ગૃહ રાજ્યમંત્રીએ ડ્રગસ મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. ATS અને મોરબી SOGએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં દરોડો પાડીને ડ્રગસનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક અઠવાડિયા પહેલા જ કરોડો રૂપિયાનો ડ્રગસનો જથ્થો ઝડપાયો હતો, હવે પોલીસને વધુ એક સફળતા મળી છે.
પાકિસ્તાનની જળસીમાની નજીક આવેલો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓનું સોફ્ટ ટાર્ગેટ
સલાયા અને ખંભાળિયામાંથી પકડાયેલા 315 કરોડના ડ્રગ્સથી દેવભૂમિ દ્વારકાનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં છે. પાકિસ્તાનની જળસીમા નજીકની આ દરિયાઈ પટ્ટી ઉપર 22 નિર્જન ટાપુઓની સુરક્ષા બાબતે સમીક્ષા થાય તેવો મુદ્દો અત્યારે અસ્થાને નથી. બેટ દ્વારકા તીર્થધામ હોઈ અહી માનવ અવર-જવર રહે છે, પરંતુ ભેદર, મનમરોલી, દબદબો, પગાર, કાળુભાર, ડની, સોહનીવાળ જેવા 22 ટાપુઓને પ્રતિબંધિત જાહેર કરી તેના જાહેરનામા વખતોવખત બહાર પડતા રહે છે. અહી મંજૂરી વગર પ્રવાસીઓને જવાની મનાઈ છે. અપ્રતિમ સૌંદર્ય ધરાવતા ટાપુઓ મનમોહક છે, પરંતુ તેનું લોકેશન પાકિસ્તાન જળસીમાની નજીક હોય તેના દુરૂપયોગ વિષે સતત ચિંતા વ્યક્ત થતી રહે છે. આ ટાપૂઓ ઉપર સુરક્ષા થાણા અને સતત પેટ્રોલિંગ અનિવાર્ય છે. દ્વારકાનો પશ્ચિમ સમુદ્ર કિનારો એટલે ભારત-પાકિસ્તાન વચ્ચે સમુદ્રી પ્રવેશદ્વાર. ઓખાથી પાકિસ્તાનની જળસીમા બહુ નજીક છે. અત્યાધુનિક બોટો અને સંદેશા વ્યવહારની અદ્યતન પ્રણાલીને જોતા આ દરિયામાં સુરક્ષા નેટવર્કને અસરકારક બનાવવું જરૂરી મનાય છે. સલાયામાંથી મળેલા 225 કરોડના ડ્રગ્સનું લેન્ડિંગ સલાયા પાસે શાંતિનગરના દરિયાકાંઠે થયેલું અને તેની ડિલીવરી પાકિસ્તાની બોટે દરિયામાં કરી હતી. તેનો અર્થ એ થયો કે પાકિસ્તાની બોટ આસાનીથી ભારતમાં પ્રવેશી અથવા તો ભારતીય બોટ ત્યાંથી પરત ફરી. દ્વારકા, ઓખામાં વખતોવખત બાંગ્લાદેશીઓ પણ પકડાતા રહે છે. પાકિસ્તાનની બિનવારસુ બોટો મળે છે.