પશ્ચિમ બંગાળની કોલકાતા હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. તે અંતર્ગત કોર્ટે એક બિલ્ડરને 15 દિવસમાં રૂ. 40 કરોડનું વળતર આપવાનો તેમજ 100 વૃક્ષ લગાવવાનો પણ આદેશ કર્યો. હકીકતમાં આ કેસ ફેબ્રુઆરી 2017નો છે. ત્યારે કોલકાતાની રસેલ સ્ટ્રીટ પર 7 સ્ટાર હોટલ બનાવવા માટે બિલ્ડરે ગેરકાયદે રીતે 62 વૃક્ષ કપાવી દીધા હતા. ત્યાર પછી આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો.
આ કેસની સુનાવણીમાં કોલકાતા હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, બિલ્ડરના આ કૃત્યથી પર્યાવરણને કાયમી નુકસાન થયું છે. જસ્ટિસ રાજશેખ મંથાએ પોતાના ત્રણ પાનાના આદેશમાં કહ્યું કે, અરજદારની અપીલ યોગ્ય પ્રતીત થાય છે. આ તથ્ય પર વિચાર કરતા 2006ના અધિનિયમ હેઠળ કારાવાસની સજા આપવાથી વૃક્ષ પાછા નહીં આવે. એટલે આરોપીએ 15 દિવસમાં 100 વૃક્ષ રોપવા પડશે. આ સાથે રૂ. 40 કરોડનું વળતર પણ આપવું પડશે.
આ ઉપરાંત જ્યાં સુધી બધા વૃક્ષ લાગી ના જાય, ત્યાં સુધી આરોપીએ રોજ રૂ. 50 દંડ પણ ભરવો પડશે.બીજી તરફ, રાજ્યના પક્ષમાં તર્ક આપનારા મનોજ મલહોત્રાએ કહ્યું કે, આ ભરપાઈ ના થઈ શકે એવો ગુનો છે. અહેવાલો પ્રમાણે, આ કેસમાં 2006ના અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ હતી. તે અંતર્ગત ગુનેગાર પર રૂ. 5 હજાર દંડ અને એક વર્ષની જેલની સજા કરી શકાય છે. કોર્ટ બંને સજા પણ આપી શકે છે.
15 દિવસમાં ચૂકવણી નહીં કરાય તો ગુના વધી જશે
કોર્ટના મતે, જો 15 દિવસમાં રૂ. 40 કરોડની ચૂકવણી નહીં કરાય, તો ગુના વધી જશે. દંડ ભર્યા પછી પણ આ જૂથે પોતાની પ્રોપર્ટીના ડેવલપમેન્ટમાં તમામ કાયદાનું પાલન કરવું પડશે. પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ રાજ્ કે વન વિભાગને વળતર આપવું યોગ્ય છે. તેનાથી ગુનેગારને સજા મળશે અને તેને પસ્તાવો પણ થશે. આ વળતરની રકમનો ઉપયોગ સામાન્ય રીતે પર્યાવરણ વિકસિત કરવા તેમજ વૃક્ષોની ગેરકાયદે કાપણી પર દેખરેખ રાખવા કરી શકાશે.