બોમ્બે હાઈકોર્ટે બીજી પત્નીના પેન્શનને લઈને કહ્યું કે તે મૃતક પતિના પેન્શનની હકદાર બની શકતી નથી. આ નિયમ ત્યારે લાગૂ પડે છે જ્યારે પહેલા લગ્નને કાયદાકીય રીતે પૂર્ણ કરાયા ન હોય. કોર્ટે આદેશમાં કહ્યું છે કે અરજદારને પેન્શન ના આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય યોગ્ય હતો.રાજ્ય સરકારે કહ્યું હતું કે માત્ર કાયદાકીય રીતે પરિણીત પત્ની જ પેન્શનની હકદાર છે. તેની સાથે જ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ એસ જે કઠવલ્લા અને ન્યાયમૂર્તિ જાધવની બેન્ચે સોલાપુર નિવાસી શામલ ટાટેની એ અરજીને રદ કરી દીધી જેમાં તેમણે પેન્શનનો લાભ આપવાથી સરકારે ના પાડતા પડકાર ફેંકયો હતો.
બોમ્બે હાઈકોર્ટે એક મહિલાની અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે જ્યાં સુધી પ્રથમ લગ્ન કાયદેસર રીતે ભંગ ના થાય ત્યાં સુધી બીજી પત્ની પેન્શન મેળવવા માટે હકદાર નથી.
શું હતો કેસ?
હાઈકોર્ટના આદેશ અનુસાર ટાટેના પતિ મહાદેવ સોલાપુર જિલ્લા કલેક્ટર ઓફિસમાં પટાવાળા તરીકે કામ કરતા હતા અને તેમનું 1996માં અવસાન થયું હતું. જ્યારે મહાદેવે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા તે સમયે તેઓ પરિણીત હતા. મહાદેવની પહેલી પત્નીના કેન્સરના લીધે મોત થયા બાદ બીજી પત્ની ટાટે એ રાજ્ય સરકારને પત્ર લખીને અનુરોધ કર્યો હતો કે મહાદેવનું બાકી પેન્શન તેમને તાત્કાલિક ચૂકવવામાં આવે. ખૂબ વિચાર-વિમર્શ પછી, રાજ્ય સરકારે 2007 અને 2014 વચ્ચે ટાટા દ્વારા દાખલ કરાયેલી ચાર અરજીઓને ફગાવી દીધી હતી. ત્યાર બાદ ટાટે 2019માં હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
બીજી પત્નીએ આ આધાર પર સરકારના નિર્ણયને પડકાર્યો હતો
વાદીએ દલીલ કરી હતી કે તે મહાદેવના ત્રણ સંતાનોની માતા છે અને સમાજને આ લગ્નની જાણ છે. આથી તે પેન્શન મેળવવા માટે હકદાર છે, ખાસ કરીને પ્રથમ પત્નીના મૃત્યુ બાદ. કોર્ટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ પ્રથમ લગ્ન કાયદેસર રીતે રદ કરવામાં ન આવે ત્યાં સુધી બીજા લગ્ન માન્ય નથી.