બોટ એસો.ના પ્રમુખ છગનભાઈ કહે છે કે જો અમને અગાઉથી કહેવામાં આવ્યું હોત તો અમે સેફ ઝોન ગણાય એવી જેટીમાં બોટોને રાખી દીધી હોત તો આ દર્દનાક પરિસ્થિતિ સર્જાઈ ન હોત. બીજી તરફ ફિશરીઝના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ પરમાર કહે છે કે અમને તોફાની પવન અંગે કોઈ સૂચના વડી કચેરીએથી મળી ન હતી. હવે તા.5મી સુધી દરિયો ખેડવા પર પ્રતિબંધ છે.
કોસ્ટ ગાર્ડ અને નેવી દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું
સૌરાષ્ટ્રના ઉના નજીકના નવાબંદરે ગત રાત્રે 80થી 90 કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે મીની વાવાઝોડામાં દરિયો ગાંડોતૂર બનતા 10 બોટ ડૂબી ગઈ છે, જ્યારે 40થી વધુ બોટોને વ્યાપક નુકસાની થઈ છે, તોફાની દરિયામાં ડૂબતા 12 માછીમારોમાંથી 4ને બચાવી લેવાયા હતા. જ્યારે 1 માછીમારનો મૃતદેહ મળ્યો છે, 7 માછીમારોને શોધવા કોસ્ટ ગાર્ડ અને નેવી દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.
દરિયો તોફાની બનશે તેવી કોઈ સૂચના અપાઈ ન હતી
જાફરાબાદથી મળતા અહેવાલો મુજબ ત્યાંની 1 બોટ લાપતા છે, જ્યારે 8 ખલાસીને બચાવી લેવાયા હતા. ઉનાથી 10 કિલોમીટર દૂર આવેલા નવા બંદરમાં ગત રાત્રે 11 વાગ્યા બાદ અચાનક તોફાની પવન શરૂ થયો હતો. માછીમારોને કમોસમી વરસાદની જાણ હતી પરંતુ દરિયો તોફાની બનશે તેવી કોઈ સૂચના અપાઈ ન હતી.
ટોટલ લોસ ગણાય એટલી હદે તેમાં નુકસાન થયું
મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ગઈકાલ સાંજ સુધી બોટોને દરિયામાં જવા માટે ટોકન પણ અપાયા હતા. રાત્રિના સમયે 100થી વધુ બોટો દરિયામાં હતી જેમાં કેટલી બોટો જેટીથી 1 કિલોમીટરના અંતરે હતી. 10 બોટો સંપૂર્ણપણે ડૂબી ગઈ જેને ટોટલ લોસ ગણાય એટલી હદે તેમાં નુકસાન થયું છે.