ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે AAP નેતાઓ કાર્યકર્તાઓ સાથે વિરોધ કરવા પહોંચ્યા તે સમયે એકાએક ઉગ્ર સૂત્રોચ્ચાર અને કમલમ ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠી ચાર્જ કરતાં મામલો બીચક્યો હતો. AAP નેતાઓ પર ગંભીર આરોપ કરતાં શ્રદ્ધા રાજપુતે કહ્યું હતું કે નશાની હાલતમાં AAP નેતાઓ ગેરવર્તન કરી રહ્યા હતા. વધુમાં શ્રદ્ધા રાજપુતે AAP નેતાએ મહિલા સાથે ગેરવ્યવહાર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારબાદ તમામ નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જોકે ઇસુદાન પર નશો કર્યાનો આરોપ લાગતા તેમનું ચેકઅપ કરાયું હતું. દારૂના નશાનો આરોપ લાગતા પોલીસ ઈસુદાન ગઢવીને સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જઈ હતી. જ્યાં ઈસુદાનના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. AAP નેતા ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. જોકે FSLમાં મોકલાયેલો બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇસુદાન ગઢવીના FSL રિપોર્ટમાં 05થી વધુ આલ્કોહોલનુ પ્રમાણ સામે આવ્યું છે.
ઈસુદાને કહ્યું સોગંધ ખાઉં છું ક્યારેય દારૂ પીધો નથી, દરેકને ખુલ્લા પાડીશઃ ઇસુદાન ગઢવી
ઇસુદાન ગઢવીએ ખુલાસો આપતા કહ્યું કે, મને એ નથી સમજાતું કે રિપોર્ટ કેમ પોઝિટિવ આવ્યો છે. મે પીધો નથી તો પોઝિટિવ ક્યાંથી આવે, જેતે વખતે અધિકારીઓએ ખાનગીમાં કહી દીધું કે તમારો રિપોર્ટ નેગેટિવ છે. ત્યારે દારુનો રિપોર્ટ પોઝિટિવ આવે ક્યાંથી. મારા સંતાનના સોગંધ ખાઇને કહું છું કે, મે દારૂ નથી પીધો. હાલ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવે છે. અડધો કલાકના સીસીટીવી છે તે બહાર લાવો. હું મારી લીગલ ટીમ સાથે સંપર્ક કરીને આગળનો પ્લાન કરીશું. આ તમામ વ્યક્તિઓને ખુલ્લા નહીં પાડું ત્યાં સુધી છોડીશ નહીં. હું જાહેરમાં કહું છું કે મે પીધું જ નથી તો રિપોર્ટ પોઝિટિવ ક્યાંથી આવે. તમામ મીડિયાને ખબર છે કે ઇસુદાન ગઢવી નથી પીતા. મારી મા મોગલ તેમને નહીં છોડે, આજથી તેમની પડતીની શરૂઆત થઇ ગઇ છે.
ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં FIR થશે દાખલ
સરકાર તરફથી વધુ એક ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે ઈસુદાન ગઢવી સામે વધુ એક કેસ નોંધાશે. ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવામાં આવશે.
મને ખબર હતી કે સત્ય સામે આવશેઃ શ્રદ્ધા રાજપૂત
ઇસુદાન પર આક્ષેપ કરનાર શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે, ગુજરાત પોલીસ અને ન્યાતંત્ર પર ભરોસો હતો, મનોવિકૃત અને અણછાજતું વર્તન તે વાપરતા હતા તે પુરવાર કરે છે. પરંતુ મને ખબર હતી કે સત્ય સામે આવશે એટલે મને ન્યાય મળશે.
જોકે અગાઉ ઇસુદાને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેમણે કોઇપણ પ્રકારનો નશો નથી કર્યો અને તેઓ નશાના વિરોધ છે, પરંતુ તેમના રિપોર્ટમાં સાબિત થયું છે કે તેમના શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ હતું. આજના રિપોર્ટ બાદ સમગ્ર ઘટનાને લઇને ચર્ચા વ્યાપી છે.
આપના નેતાઓએ કમલમનો કર્યો હતો ઘેરાવો
AAPના નેતાઓ અને કાર્યકરો આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કર્યો હતો. જો કે પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી તેમની ઉપર લાઠીચાર્જ કર્યો હતો જેમાં આપના કેટલાક નેતાઓને ઈજા થઈ હતી.પોલીસ લાઠી ચાર્જમાં આપ નેતા ગોપાલ ઇટાલિ��ાની પીઠમાં સોળ ઉઠી ગયા હતા.જ્યારે અન્ય કેટલાક કાર્યકરોના માથા પણ ફૂટ્યાં હતા. આપના ઉગ્ર વિરોધ વચ્ચે પોલીસે ઇસુદાન ગઢવી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. માત્ર એટલું જ નહીં પોલીસે કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવી પડી હતી.
ઈસુદાન,ગોપાલ ઈટાલિયા સહિતની નેતાઓને 11 દિવસ કસ્ટડીમાં રખાયા
મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. જોકે તમામ નેતાઓનો 11 દિવસ બાદ શરતી જામીન બાદ છૂટકારો થયો હતો. તમામ નેતાઓ પર કેટલીક કલમો સાથે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે હવે ઇસુદાન ગઢવી પર વધુ એક ફરિયાદ દાખલ થશે.