સુરતના કામરેજ તાલુકાના પાસોદરામાં થયેલા હત્યા કેસમાં હવે એક ઓડિયો વાયરલ થયો છે. આ કથિત ઓડિયો ફેનિલની તેના મિત્ર સાથેની વાતચીતનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગ્રીષ્માના હત્યાના દિવસે જ આ વાતચીત થઇ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ઓડિયોમાં ફેનિલ સ્પષ્ટ રીતે ગ્રીષ્માની હત્યા કરીને પોતે ઝેર ખાઇને આત્મહત્યા કરીશ એવું કહેતા સાંભળી શકાય છે. આ આખી વાતચીત દરમિયાન ફેનિલનો મિત્ર તેને આવું ન કરવા અને બે દિવસ થોભી જા એવું પણ સમજાવતાં સંભળાય છે. જો કે ફેનિલે કોઇની વાત ન સાંભળતા ગ્રીષ્માની નિર્મમ હત્યા કરી નાખી હતી.
ગ્રીષ્માના પરિવારજનો મારવા ફેનિલના ઘરે આવ્યા હોવાનો પણ ઉલ્લેખ
આ ઓડિયોમાં સાંભળવા મળતાં મુજબ, ફેનિલ કહે છે કે મારા અને ગ્રીષ્મા વચ્ચે સંબંધો હતા પરંતુ તેના ઘરમાં ખબર પડી ગયા બાદ ગ્રીષ્માએ મારા સોશિયલ મીડિયામાં ફેક રીતે વાત કરી બધુ મારાં પર ઢોળી દીધું હતું. આ ઘટના બાદ ગ્રીષ્માના પરિવારના સભ્યો તેને મારવા માટે ઘરે આવ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સાંભળો આ આખી વાતચીત...
માણસોને મોકલીને વારંવાર મારવાના પ્રયાસો કરતા હતા
ફેનીલ એ તેના મિત્ર સાથે ગ્રીષ્માની હત્યા કરવા પહેલા છેલ્લી વાતચીત કરી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે એવું કહેવું છે કે ગ્રીષ્માના કાકા, ફુવા તેમણે અન્ય પરિવારના લોકો તેના ઉપર સતત હુમલો કરવા માટેનો પ્રયાસ કરતા હતા. એક વખત તેને મારવા માટે તેને ઘરે પણ આવ્યા હતા. ગ્રીષ્મા પરિવારજનો દ્વારા કેટલાક માણસોને મોકલીને તેને મારવા માટે વારંવાર પ્રયાસો કરતા હોવાનો તે ટેલિફોનિક વાતચીતમાં કહી રહ્યો છે. તે તેના મિત્રને ફોન ઉપર સ્પષ્ટ કહે છે કે હું હવે ગ્રીષ્માને મારી નાખીશ અને પોતે પણ મરી જઈશ.
હું તેને ઘરે જઈને મારી નાખીશ હોવાનું સ્પષ્ટ કહ્યું
ફેનીલ જ્યારે તેના મિત્ર સાથે વાત કરે છે ત્યારે તે પોતાના મિત્રને ગ્રીષ્મા મારવા જવા માટેની વાત સ્પષ્ટ રીતે કરતો હોય છે કારણ કે તેના પરિવારના લોકો તેને હેરાન કરી રહ્યા છે અને ગ્રીષ્માએ તેની આઈડીનો ખોટો ઉપયોગ કર્યો હોવાની વાત કરી રહ્યો છે. તેના મિત્રએ તેને પૂછ્યું કે તું કેવી રીતે મારવા જઈશ ત્યારે તેણે કહ્યું કે હું તેને ઘરે જઈને મારી નાખીશ.
મિત્રએ સમજાવ્યો પણ ફેનિલ ન સમજ્યો
તેના મિત્ર સાથેની વાતચીત દરમિયાન મિત્રે તેને કહ્યું કે બે દિવસ સુધી તારે કશું કરવાનું નથી. જો પોલીસ ફરિયાદ કરવી હોય તો પોલીસ ફરિયાદ નોંધાવી દે. પરંતુ ફેનિલ એવું માની રહ્યો હતો કે પોલીસ ફરિયાદ કરશે તો પણ માને જ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેથી મારે પોલીસ ફરિયાદ કરવી નથી. ફેનિલના માથા ઉપર જાણે આક્રોશ સવાર હોય તે રીતે તેણે નક્કી કરી લીધું હતું કે ગ્રીષ્માની તે હત્યા કરી નાખશે.
ફેનિલ કાળ બની ગ્રીષ્માને પતાવી દીધી
ગ્રીષ્માની હત્યા પહેલાંનો ફેનિલનો છેલ્લો ઓડિયો વાઇરલ થતાની સાથે જ ફેનિલના અંતિમ સમયની જે માનસિકતા હતી તે પણ સ્પષ્ટ થઈ રહી છે. ફેનિલે પોતાના પ્રેમ પ્રકરણ બાદ નક્કી કરી લીધું હતું કે તે ગ્રીષ્માની હત્યા કરી નાખશે. આખરે ફેનિલ ચપ્પુ લઇને ક્રિષ્ના સોસાયટી તરફ જાય છે અને આખરે તેના ઘરે જઈને તેની હત્યા કરી નાખે છે.