અદાણી ગ્રૂપ દ્વારા જ્યારથી અમદાવાદ એરપોર્ટ હસ્તગત થયું છે ત્યારથી અણઘડ વહિવટના કારણે સતત વિવાદમાં જ રહ્યું છે. વારંવારની સમસ્યાઓને કારણે એરલાઇન્સ કંપનીઓ અને એરલાઇન્સમાં મુસાફરી કરનારા પેસેન્જરોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. આજે સવારે 7થી 10 વચ્ચેના પીક અવર્સમાં કન્વેયર બેલ્ટ બંધ થઈ જતાં 15 જેટલી ફલાઇટોના શિડયુલ ખોરવાઇ ગયા હતા અને ફ્લાઇટ 30 મિનિટથી માંડીને એક કલાક સુધી મોડી પડી હતી.
ડોમેસ્ટિક ડિપાર્ચર બિલ્ડિંગમાં વધારાના ત્રણ એક્સ-રે મશીન મુકવાની વાત અદાણી મેનેજમેન્ટને કરવામાં આવી હતી છતાં કોઇ પગલાં ભરાતા નથી. છેલ્લા 15 દિવસથી કન્વેયર બેલ્ટ બંધ થઇ જવાની ઘટનાના કારણે પેસેન્જરોને લાંબી કતારમાં ઉભા રહેવું પડે છે. સવારે 7 થી 10 વચ્ચે એક પછી એક 15 જેટલી ફ્લાઇટ ટેક ઓફ થતી હોય છે અને તેટલી જ સંખ્યામાં લેન્ડિંગ પણ થાય છે. ડિપાર્ચર એરિયામાં લગેજ કન્વેયર બેલ્ટ પર ક્ષમતા કરતા વધુ લગેજ મુકવામાં આવે ત્યારે બેલ્ટની સ્પીડ ઓછી થઇને બંધ થઇ જાય છે. જેના કારણે જે ફ્લાઇટનો ટાઇમ થઇ ગયો હોય તેના પેસેન્જરો લગેજ વગર ફ્લાઇટમાં બેસી શકતા નથી. આવી 15 જેટલી ફ્લાઇટોના લગેજ અટકી પડયા હતા. જેના કારણે ડિપાર્ચર એરિયામાં પેસેન્જરોની ભારે ભીડ થઇ ગઇ હતી. પેસેન્જરોએ હોબાળો મચાવી દીધો હોવા છતાં અદાણી મેનેજમેન્ટ દ્વારા કોઇ પગલાં ભરાતા નથી. અદાણીના મિસ મેનેજમેન્ટના કારણે પેસેન્જરો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.
સવારે ગો એર, સ્પાઇસજેટ, ઇન્ડિગો, એરઇન્ડિયા, વિસ્તારાની અમદાવાદ, ગોવા, દિલ્હી, મુંબઇ, બેંગ્લુરું, કોલકત્તા, દહેરાદુન, નાસીક, હૈદરાબાદની મળીને 15 ફ્લાઇટના શિડયુલ ખોરવાયા હતા. ત્રણ દિવસ પહેલાં ડિપાર્ચરમાં સિક્યોરિટી એરિયામાં લીફ્ટ બંધ થઇ ગઇ હતી.