છેલ્લા ત્રણેક વર્ષથી શહેરના અગ્રણી હીરાઉદ્યોગપતિ અને એસઆરકે ગ્રુપના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાને લિવરની બીમારીની સારવાર ચાલી રહી હતી. જો કે, તાજેતરમાં જ તેમને ઓર્ગન ડોનેટ મળી જતા કિરણ હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. 2જીએ દાખલ થયા બાદ 12મીને સોમવારે તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.
સફળ ઓપરેશન બદલ ગોવિંદભાઈએ હોસ્પિટલને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલના 1500થી વધુ કર્મચારીઓને બે-બે હજાર રૂપિયા આપ્યા હતા. શહેરની કોઈ હોસ્પિટલમાં તમામ કર્મચારીઓને એક સાથે આટલી રકમ ભેટ મળી હોય તેવો આ પ્રથમ બનાવ છે. અનેક રીતે સુરતની ઓળખ છે પરંતુ લિવર ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થતાં મેડિકલ ક્ષેત્રમાં એક યશકલગી વધુ ઉમેરાઈ છે.
કિરણ હોસ્પિટલને બે મુદ્દે ગૌરવ મળ્યું
ગોવિંદભાઈને ડિસ્ચાર્જ આપવા મુદ્દે કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ જણાવ્યું હતું કે, સુરતની કોઈ હોસ્પિટલમાં પ્રથમ વખત લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું છે અને એ પણ અમારા સમસ્ત પાટીદાર સમાજ આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાનું છે. ગોવિંદભાઈના લિવરનું ઓપરેશન ખૂબ જ સારી રીતે થયું હતું અને તેઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે.