ટીમ ઇન્ડિયાની ટી20 વર્લ્ડ કપ 2021ની સેમીફાઇનલમાં પહોંચવાની આશા બાકી છે. ભારતે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડને માત આપી. આની પહેલાં ભારતે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ સ્કોટલેન્ડને 81 બોલ બાકી રહેતા 8 વિકેટથી હરાવીને ગ્રૂપમાં પોતાની નેટ રનરેટ સૌથી શ્રેષ્ઠ કરી લીધી છે.
જો કે ત્યારબાદ પણ ભારતીય ટીમની કિસ્મત તેના હાથમાં નથી. તમામની નજર ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની વચ્ચે 7 નવેમ્બરના રોજ રમાનારી મેચ પર રહેશે. આ મેચ અબુધાબીમાં રમાશે. જો ન્યૂઝીલેન્ડ આ મેચને જીતી જાય છે તો પાકિસ્તાનની સાથે સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરશે અને ભારતનું છેલ્લા ચારમાં પહોંચવાનું સપનું તૂટી જશે. પરંતુ જો અફઘાનિસ્તાન ઉલટફેર કરી દે છે તો ભારતને નામીબિયાને હરાવીને સેમીફાઇનલમાં પહોંચવાની તક મળશે. જો ભારત નામીબિયાને સારા અંતરથી હરાવી દે છે તો તે આગળ વધી જશે.
રવિન્દ્ર જાડેજા આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જાડેજાને તેની સાથે જોડાયેલો પ્રશ્ન પૂછાયો. એક પત્રકારે જાડેજાને પૂછયું કે જો ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાનમાં હારતું નથી તો શું થશે? ત્યારબાદ ઓલરાઉન્ડરે મજેદાર જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જો આમ ના થયું તો અમે બેગ પેક કરીને પાછા જતા રહીશું, બીજું શું.
આ બધાની વચ્ચે જાડેજા ભારતીય બોલિંગના સ્ટાર રહ્યા. તેમણે સ્કોટલેન્ડની સામે 15 રન આપી ત્રણ વિકેટ લીધી. ભારતે ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતે સ્કોટલેન્ડને 85ના સ્કોર પર ઓલ આઉટ કરી દીધા. જાડેજા સિવાય મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે પણ વિકેટ લીધી.