ટી 20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનની ધરતી પર થઈ છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આવતીકાલે આમને -સામને થશે. ટીમ ઇન્ડિયા આ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છે અને તમામ ખેલાડીઓ એકદમ ફિટ છે. આ વખતે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ મેન્ટર તરીકે ટીમ સાથે જોડાયેલા છે. પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ યુએઈથી ભારત પરત ફર્યા છે.
T20 વર્લ્ડ કપની મધ્યમાં ભારતે ચાર નેટ બોલરોને પરત મોકલ્યા છે. સ્પિનર્સ કરણ શર્મા, શાહબાઝ અહમદ, કે.ગૌતમ અને વેંકટેશ અય્યર પરત ફર્યા છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એક વખત ટુર્નામેન્ટ શરૂ થયા પછી ઘણા નેટ સત્રો થશે નહીં. જેના બદલે રાષ્ટ્રીય પસંદગીકારોને લાગ્યું કે આ બોલરો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમીને મેચ પ્રેક્ટિસ મેળવશે. તેના પગલે આ ક્રિકેટરનો પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપ મેચ પહેલા વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો જેમાં ‘માર્ગદર્શક’ મહેન્દ્ર સિંહ ધોનીએ થ્રોડાઉન નિષ્ણાતની ભૂમિકા ભજવી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી નહોતી. પંડ્યાની બોલિંગ પ્લેઇંગ 11માં પસંદગી માટે મૂંઝવણનો વિષય છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં તે બેટિંગમાં કોઈ ચમત્કાર કરી શક્યો નહોતો.
ધોની શુક્રવારે થ્રોડાઉન નિષ્ણાત રાઘવેન્દ્ર, નુવાન અને દયાનંદની મદદ કરતો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં સૌથી મોટા દુશ્મન પાકિસ્તાનનો સામનો કરવા જઈ રહી છે. આ મેચ 24મી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે રમાશે. ભારતીય ટીમ આજ સુધી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય મેચ હારી નથી અને આગામી મેચમાં પણ આ લીડ જાળવી રાખવા માંગે છે.