ટી-20 વર્લ્ડકપ 2021માં રવિવારે ભારત ન્યૂઝીલેન્ડ મહત્ત્વપૂર્ણ મેચ હારી ગયું. ભારતે આ મેચમાં પોતાના બેટિંગ ક્રમમાં ફેરફાર કર્યો હતો, જેના કારણે ભારતને મોટી કિંમત ચૂકવવી પડી હતી. ટીમ ઈન્ડિયાનો ટૉપ ઓર્ડર ન્યૂઝીલેન્ડ સામે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 70 રનમાં જ પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી.
બેટિંગ ઓર્ડરમાં ફેરબદલ પડ્યો ભારે
પીઠની સમસ્યાને કારણે સૂર્યકુમાર યાદવ પ્લેઇંગ-11માં સામેલ થયો નહોતો, તેના સ્થાને ઇશાન કિશનને તક આપવામાં આવી હતી. ઇશાન કિશન ઓપનિંગ કરવા આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર ખોરવાઈ ગયો હતો. કેએલ રાહુલ ઈશાન કિશન સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો, રોહિત શર્માને ત્રીજા નંબરે અને વિરાટ કોહલી પોતે ચોથા નંબરે આવ્યો હતો.
શરૂઆતમાં જ ટીમ ઈન્ડિયાની મુશ્કેલી શરૂ થઈ ગઈ હતી, ઈશાન કિશન ત્રીજી ઓવરમાં માત્ર 4 રન બનાવીને સામન્ય સ્કોર પર આઉટ થયો હતો. બીજા જ બોલ પર રોહિત શર્માને જીવનદાન મળ્યું, પરંતુ થોડા સમય પછી કેએલ રાહુલ આઉટ થઈ ગયો. રોહિત-કોહલીએ ઇનિંગ્સને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બંને નિષ્ફળ સાબિત થયા. વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત પણ કંઇ ખાસ કરી શક્યો નહીં, તેણે માત્ર 19 બોલમાં 12 રન બનાવ્યા અને પેવેલિયન ભેગો થયો હતો.
પ્રથમ વિકેટ : ઈશાન કિશન 4 રન, 2.5 ઓવર
બીજી વિકેટ : કેએલ રાહુલ 18 રન, 5.5 ઓવર
ત્રીજી વિકેટ : રોહિત શર્મા 14 રન, 7.4 ઓવર
ચોથી વિકેટ : વિરાટ કોહલી 9 રન, 10.1 ઓવર
પાંચમી વિકેટ : ઋષભ પંત 12 રન, 14.3 ઓવર
જણાવી દઇએ કે, મોટા ભાગે રોહિત શર્મા અને કેએલ રાહુલ જ ઓપનિંગ કરવા આવે છે અને વિરાટ કોહલી ત્રીજા નંબર પર આવે છે. પરંતુ આઇપીએલની વાત કરીએ તો રોહિત શર્મા ત્યાં ચોથા ક્રમે આવે છે ત્યાં જ કેએલ રાહુલ પણ ત્રીજા નંબરે બેટિંગ કરે છે. આવામાં ઇશાન કિશનને ઓપનિંગ માટે મોકલવો હતો તો કદાચ રોહિત-ઇશાનની જોડી કામ કરી શક્તી હતી.
જોકે ટીમ મેનેજમેન્ટે જે નિર્ણય લીધો તે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ કામ આવ્યો નહીં. આ જ કારણ છે કે ઇનિંગની શરૂઆતમાં દસ ઓવરમાં જ ટીમ ઇન્ડિયા 50 રનનો સ્કોર પણ પાર પાડી શકી નહીં અને 4 વિકેટ ગુમાવી દીધી.